કપિલ મુનિ : સાંખ્યદર્શનના આદ્ય પ્રણેતા. શ્વેતાશ્વેતરોપનિષદ-(5.2)માં કપિલને હિરણ્યગર્ભના અવતાર તરીકે નિર્દેશ્યા છે. મહાભારતના શાન્તિપર્વના મોક્ષધર્મ-ઉપપર્વમાં તેમને સાંખ્યના વક્તા ગણ્યા છે. શ્રીમદભગવદગીતા (10.26) તેમને સિદ્ધશ્રેષ્ઠ અને મુનિ તરીકે વર્ણવે છે. રામાયણના બાલકાણ્ડમાં કપિલ યોગીને વાસુદેવના અવતાર અને સગરના સાઠ હજાર પુત્રોને ભસ્મ કરનાર કહ્યા છે. ભાગવતપુરાણના કાપિલેયોપાખ્યાનમાં કપિલને વિષ્ણુના અવતાર કહી, એમણે પોતાની માતા દેવહૂતિને સાંખ્યતત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો એમ કહ્યું છે. બૌદ્ધ કવિ અશ્વઘોષ પોતાના ‘બુદ્ધચરિત’માં બુદ્ધની જન્મભૂમિ કપિલવસ્તુને કપિલની વાસભૂમિ તરીકે ઓળખાવે છે. યોગભાષ્ય(1.25)માં ઉદ્ધૃત પંચશિખના પ્રસિદ્ધ કથન અનુસાર આદિવિદ્વાન પરમર્ષિ ભગવાન કપિલે નિર્માણચિત્ત ધારણ કરીને કરુણાથી પ્રેરાઈ જિજ્ઞાસુ આસુરિને સાંખ્ય-તંત્ર ઉપદેશ્યું. આ કથનને સમજાવતાં વિજ્ઞાનભિક્ષુ ‘યોગવાર્તિક’માં લખે છે કે સર્ગના આદિમાં આદિ વિદ્વાન સ્વયંભૂના રૂપમાં ઉત્પન્ન વિષ્ણુએ જ યોગબળથી સ્વનિર્મિત ચિત્તમાં અંશત: પ્રવેશી કપિલ નામથી આસુરિને તત્ત્વ ઉપદેશ્યું. નિર્દિષ્ટ પંચશિખવાક્યમાં આવતા ‘તન્ત્ર’ પદનો આધાર લઈ કેટલાક વિદ્વાનો અનુપલબ્ધ ‘ષષ્ટિતન્ત્ર’ને કપિલની કૃતિ ગણે છે. ઉપલબ્ધ ‘સાંખ્યસૂત્ર’ના ટીકાકારો અનિરુદ્ધ અને વિજ્ઞાનભિક્ષુ પ્રસ્તુત ‘સાંખ્યસૂત્ર’ને કપિલની કૃતિ ગણે છે. વિજ્ઞાનભિક્ષુ તો ઉપલબ્ધ ‘તત્વસમાસસૂત્ર’ને પણ કપિલપ્રણીત માને છે; પરંતુ મોટાભાગના આધુનિક વિદ્વાનો ‘સાંખ્યસૂત્ર’ અને ‘તત્વસમાસ’ને ભાષાના કારણે તેમની કૃતિઓ તરીકે સ્વીકારતા નથી.

નગીનભાઈ જીવણલાલ શાહ