કન્નડ હસન (જ. 1927, સિરુકુડલપટ્ટી, જિ. રામનાથપુર, તમિલનાડુ) : તમિળ ભાષાના અગ્રણી કવિ-નવલકથાકાર. તેમની નવલકથા ‘ચેરામન કદલી’ને 1980ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમને કોઈ પ્રકારનું વિધિસર શિક્ષણ મળ્યું ન હતું. તેમણે 17 વર્ષની વયે પ્રથમ કાવ્યની રચના કરી હતી. 1956માં તેમણે ‘થેંડ્રલ’ નામે પોતાનું સાપ્તાહિક શરૂ કર્યું. એ તદ્દન સાહિત્યિક પ્રકારનું હતું. તેમણે હજારો કાવ્યો તથા ફિલ્મ-ગીતો, 21 નવલકથાઓ, 5 મહાકાવ્યો અને હિંદુવાદ વિશે 10 ગ્રંથો લખ્યાં છે; આમ તેમનાં પ્રકાશિત પુસ્તકો 109 જેટલાં થાય છે. તેમને રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાનાં અનેક સન્માન મળેલાં છે. 1978માં રાજ્ય સરકારે તેમને તમિલનાડુના રાજ્યકવિ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમનાં કાવ્યો ભારતની અનેક ભાષાઓમાં અનુવાદ પામ્યાં છે. તેઓ એક લોકખ્યાત પ્રવચનકાર પણ છે.

તેમની પુરસ્કૃત નવલકથા એક ઐતિહાસિક વિષયની અદભુત માવજત, જીવંત પાત્રચિત્રણ, ઉત્તમ વર્ણનછટા તથા સરળ પ્રવાહી શૈલીને કારણે તમિળ ભાષામાં મહત્વની લેખાઈ છે.

મહેશ ચોકસી