કટલા (catla)

January, 2006

કટલા (catla) : અસ્થિમત્સ્ય. કુળ સાયપ્રિનિડી. મીઠાં જળાશયોમાં ઉપલા સ્તરે વાસ કરતી માછલી જે માનવખોરાકની ર્દષ્ટિએ સ્વાદિષ્ટ ગણાય છે. ભારતની નદીઓ અને સરોવરોમાં ‘મેજર કાર્પ્સ’ તરીકે ઓળખાતી માછલીઓમાં કટલા, રોહુ અને મ્રિગેલનું મત્સ્ય-સંવર્ધન મોટા પાયે કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં કૃષ્ણા નદીની દક્ષિણે કટલા માછલી મળી આવતી નથી. જોકે હવે ત્યાં પણ સંવર્ધન કરવામાં આવે છે. 56 સેમી.થી 60.0 સેમી.નાં મત્સ્ય ખાવા માટે યોગ્ય બને છે. તેનાથી મોટાં ખાવામાં બરછટ અને ઓછાં સ્વાદિષ્ટ હોય છે.

કટલા મજબૂત બાંધાની માછલી છે. રંગે પીઠના ભાગમાં લીલાશ પડતી કાળી અને વક્ષભાગમાં સફેદ ચળકતી ચામડી ધરાવે છે. શરીર ઉપરનાં ભીંગડાં ગુલાબી છાંટ ધરાવે છે. મીન પક્ષો છેડા તરફ રતાશ પડતા હોય છે. તેના તામ્રવર્ણી રંગને કારણે મહારાષ્ટ્રમાં ‘તાંબરા’ નામે પણ ઓળખાય છે. કટલાનું માથું મોટું, મોઢું પહોળું અને નીચેનો ઓઠ બહાર વળેલો હોઈ જાડો દેખાય છે.

કટલા

કટલા

કટલા માદા માછલી ઈંડાં મૂકવા સપાટ પ્રદેશમાં નદીમાં સ્થળાંતર કરે છે. સંવર્ધન માટે આંગુલિક (Fingerlings  આંગળીનાં કદનાં માછલીનાં બચ્ચાં) નદીમાંથી એકઠાં કરી સંવર્ધન માટેનાં ખાસ ટાંકાં કે તળાવોમાં છોડવામાં આવે છે. બંધિયાર પાણીમાં તેની વૃદ્ધિ ખૂબ ઝડપી હોય છે. કટલામાં વૃદ્ધિ ખૂબ ઝડપી થાય છે. પ્રેરિત પ્રજનન (induced breeding) દ્વારા મત્સ્ય બીજનું ઉત્પાદન મોટા પાયા પર કરવામાં આવે છે. યોગ્ય સાવચેતી લેવામાં આવે તો 12 માસમાં 1.0-1.5 કિગ્રા. જેટલી વૃદ્ધિ સાધી શકે છે. જળાશયોમાં મુક્તપણે સંચાર કરતા પુખ્ત કટલાનું વજન 58 કિગ્રા. જેટલું થાય છે. ગ્રામીણ કે શહેરી વિસ્તારમાં આવેલાં નાનાંમોટાં તળાવો કે બંધવાળાં સરોવરોમાં આ માછલીનો મોટા પાયે ઉછેર થાય છે. આવાં મત્સ્ય સંવર્ધનમાં કટલા (Catla catla), રોહુ (Labeo rohita) અને મ્રિગેલ (Cirrhina mrigala) જેવાં મત્સ્યોનું એક જ જળાશયમાં સાથે સંવર્ધન કરી શકાય છે કારણ કે કટલા માછલી સપાટી ઉપરથી ખોરાક મેળવે છે. રોહુ જળાશયના વચલા સ્તરમાંથી ખોરાક (ભેખડ ઉપર ચોંટેલી શેવાળ વગેરે) મેળવે છે, જ્યારે મ્રિગેલ જળાશયના તળિયાની વનસ્પતિ/જીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તેથી મીઠાં પાણીનાં જળાશયોમાં કટલા માછલીનો ઉછેર કિફાયત પડે છે. બંગાળમાં કટલા માછલી સ્વાદિષ્ટ આહાર ગણાય છે.

મ. શિ. દૂબળે

રા. ય. ગુપ્તે