ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય

January, 2006

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6, 7, 8 અને 9માં હિંદુ પ્રકારના ગર્ભગૃહ જોવા મળે છે. વચ્ચે વિશાળ ખંડ અને તેને ફરતી નાની કોટડીઓ અને સ્તંભોવાળી ઓસરીઓ છે. આ શિલ્પકૃતિઓ મહારાષ્ટ્રમાં સૌથી સુંદર ગણાય છે. સમગ્ર બૌદ્ધ સ્થાપત્યની ર્દષ્ટિએ વિહાર અને ચૈત્ય એમ બે જાતની ગુફાઓ મુખ્ય હતી અને પાછલી મહાયાન શૈલી દરમિયાન પણ આમાં ખાસ ફરક નહોતો પડ્યો. ઔરંગાબાદની આ જ સમયની છતાં સામાન્ય પ્રકારની ગુફાઓનો ત્રીજો વિસ્તાર છે; એમાં ત્રણ ગુફાઓ છે પણ તે ખાસ ધ્યાનપાત્ર નથી. વિહારોની રચના પરથી તે છઠ્ઠી અને સાતમી સદીની રચનાઓ હોય એમ લાગે છે. આ ર્દષ્ટાંતોથી બૌદ્ધ સ્થાપત્યમાં હિંદુ શૈલીના સમન્વયની શરૂઆત જણાય છે. નં. 4ની ગુફાસ્થાપત્યનો સંદર્ભ અજંતાનાં હીનયાન શૈલીનાં ર્દષ્ટાંતો સાથે સરખાવી શકાય છે, જેથી તે કદાચ ત્રીજી સદી દરમિયાનની ગણાય. જોકે આમાં પ્રચલિત શૈલીના તત્કાલીન વિહારનો સમાવેશ નથી થતો; છતાં પણ ચૈત્યની શૈલી જોતાં તેની સાદગી કાર્લામાંની હીનયાન શૈલી સાથે સરખાવી શકાય.

ઔરંગાબાદમાંના વિહારોમાં નં. 3 અને 7 અત્યંત સુંદર છે અને સુરક્ષિત પણ. નં. 3માંના સ્તંભો પણ અત્યંત કલાત્મક રીતે કંડારાયેલા છે. આ જાતના સુશોભનમાં જ નં. 3 અને બીજા વિહારો આગવી શૈલી બતાવે છે.

ઔરંગાબાદની ગુફાઓ શહેરની ઉત્તરે લગભગ 1.6 કિમી.ના અંતરે છે અને ત્રણ વિસ્તારોમાં વહેંચાયેલી છે. બૌદ્ધ શૈલીની અસર નીચે કંડારેલાં શિલ્પો તત્કાલીન સામાજિક જીવન અને કલાના સ્તરનું પણ અગત્યનું ઉદાહરણ બની રહે છે. આટલું ઉત્કૃષ્ટ કલાસામર્થ્ય રૂઢિગત શૈલી નીચે દબાયેલું જોવા મળે છે. પછીના ઇલોરા વગેરેના બાંધકામમાં પણ આ સર્જનાત્મક વલણ પ્રસરેલું સ્પષ્ટ જોઈ શકાય છે.

રવીન્દ્ર વસાવડા