ઔદ્યોગિક પરિવાર : પરિવારની ભાવનાથી ચાલતું ઔદ્યોગિક સંકુલ. આ ખ્યાલના પુરસ્કર્તા સ્ટુઅર્ટ ફ્રિમૅન મુજબ જ્યારે કોઈ ઔદ્યોગિક એકમમાં વૈવિધ્યપૂર્ણ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે ત્યારે તે બધી વસ્તુઓ નફો કમાવાની ર્દષ્ટિએ મૂળભૂત રીતે સમાન સધ્ધરતા ધરાવતી હોતી નથી. સામાન્ય રીતે દરેક વસ્તુની વેચાણ-કિંમત નક્કી કરવા માટે તે દરેકની પડતર-કિંમત નક્કી કરવામાં આવે છે. આમાં દરેકની પ્રાથમિક પડતરની અલગ ગણતરી થઈ શકે, પણ કારખાનાના સંયુક્ત ખર્ચાની યોગ્ય ધોરણ અનુસાર ફાળવણી કરવામાં આવે છે. આવા દરેક સંયુક્ત ખર્ચની ફાળવણીમાં દરેક વસ્તુની આર્થિક બોજ ઉઠાવવાની શક્તિ અલગ અલગ રીતે ધ્યાનમાં લેવામાં આવતી નથી. અનેક વસ્તુઓનું ઉત્પાદન કરતા આવા સંકુલની સરખામણી ફ્રિમૅન સંયુક્ત પરિવાર સાથે કરે છે. જેમ સંયુક્ત પરિવારમાં દરેક સભ્ય સમાન આર્થિક બોજ ખમી શકતા નથી તેમ ઔદ્યોગિક એકમની દરેક પેદાશમાં પણ આર્થિક બોજ ખમવાની સમાન શક્તિ હોતી નથી. આમ કેટલીક પેદાશ સંયુક્ત ખર્ચનો વધુ બોજ સહન કરી શકે એમ હોય તો તે પ્રમાણે તેની પડતર કિંમત વધુ ગણીને, ઊંચી વેચાણ કિંમત રાખી શકાય, જ્યારે નબળી વસ્તુની વેચાણ કિંમત તેની પોતાની પડતરથી પણ ઓછી રાખવી પડે.

પડતર કિંમત નક્કી કરવા માટે જુદી જુદી પેદાશોનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય : (1) વધુ સધ્ધર એકમનું ઉત્પાદન (big brother production) : આ એવી ઉત્પાદિત વસ્તુ છે કે તે પોતાનો અલગ ખર્ચ, પોતાના ફાળે આવતો સંયુક્ત ખર્ચ તથા થોડો વધુ સંયુક્ત ખર્ચ સહન કરી શકે. એટલે તેની વેચાણ કિંમત એટલી ઊંચી રાખી શકાય. આવી પેદાશ પોતાના ભાગે આવતા ખર્ચ કરતાં વધુ ખર્ચનો બોજ સહન કરવા શક્તિમાન હોય છે. (2) સ્વાશ્રયી ઉત્પાદન (self-supporting product) : જો ઉત્પાદિત વસ્તુની પડતર કિંમતમાં પોતાની અલગ પડતર તથા સંયુક્ત ખર્ચમાં પોતાને ફાળે આવતા ખર્ચનો સમાવેશ કરીને એટલે કે પોતાના સંપૂર્ણ ખર્ચ જેટલી તેની કિંમત નક્કી કરી શકાય તો તે સ્વાશ્રયી ઉત્પાદન કહેવાય. આમ આવી વસ્તુના ઉત્પાદનમાં કારખાનાને ખોટ આવતી નથી. (3) નબળા એકમનું ઉત્પાદન : કેટલીક ઉત્પાદિત વસ્તુ એવી હોય છે જેની વેચાણ-કિંમત ફક્ત તેના અલગ ખર્ચ જેટલી જ નક્કી થઈ શકે. એટલે કે તેની વેચાણ-કિંમતની ગણતરી માટે કંપનીના સંયુક્ત ખર્ચમાંથી પોતાના ફાળે આવતો ખર્ચ પણ બાકાત રાખવો પડે. આવી વસ્તુની સરખામણી સંયુક્ત કુટુંબમાંની નબળી વ્યક્તિ સાથે કરવામાં આવે છે; કારણ કે તે ફક્ત પોતાનો જ બોજ ઉઠાવી શકે તેમ હોય છે અને કુટુંબના સંયુક્ત ખર્ચમાં પોતાનો કોઈ ફાળો આપી શકતી નથી. આમ તે ઉત્પાદકીય એકમને કાંઈ લાભ આપી શકે તેમ હોતું નથી, પરંતુ ગમે તે રીતે તેનું ઉત્પાદન ચાલુ રાખવાનું હોય છે. (4) મૂંઝવણ ઊભી કરતા એકમનું ઉત્પાદન (problem child product) : સંયુક્ત કુટુંબમાં કોઈ સભ્ય એવું હોય જે પોતાનો અંગત બોજ પણ ન ઉઠાવી શકે, કુટુંબના સંયુક્ત ખર્ચમાં તેના ફાળાનો ખર્ચ ઉઠાવવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. આ જ પ્રમાણે ઔદ્યોગિક સંકુલની ઉત્પાદિત વસ્તુઓમાં કોઈક વસ્તુ એટલી નબળી હોય કે તેની પોતાની અલગ પ્રત્યક્ષ પડતર કરતાં પણ ઓછી વેચાણ-કિંમત નક્કી કરવી પડે. એટલે એ કિંમતમાં સંયુક્ત ખર્ચમાં આવતા પોતાના ફાળાના ખર્ચનો તો સમાવેશ ન જ કરી શકાય.

ફ્રિમૅનના આ ખ્યાલ પ્રમાણે પ્રથમ પ્રકારની વસ્તુના વેચાણમાં વધારો કરવાથી, બીજા પ્રકારની વસ્તુની પડતરમાં ઘટાડો કરવાથી, ત્રીજા પ્રકારની વસ્તુમાં ખાસ ધ્યાન આપી તેની અલગ પડતર-કિંમતમાં શક્ય તેટલો ઘટાડો કરીને શક્ય તેટલા સંયુક્ત ખર્ચનો સમાવેશ કરવાથી અને ચોથા પ્રકારની વસ્તુનું ઉત્પાદન બંધ કરવાથી કંપનીના નફામાં વૃદ્ધિ કરી શકાય. કેટલીક વખત આવું ન પણ બની શકે, ત્યારે મૂંઝવણ ઊભી કરતી વસ્તુનું ઉત્પાદન અને વેચાણ શક્ય તેટલું નિયંત્રિત કરવું પડે છે.

શિરીષભાઈ શાહ