ઓ અંધા ગલી (1979) : ઊડિયા વાર્તાસંગ્રહ. અખિલમોહન પટનાયક(1927; 1982)ના આ ટૂંકી વાર્તાના સંગ્રહને 1981માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. અખિલમોહને વકીલાતના વ્યવસાયની સાથોસાથ રાજકારણમાં ઊંડો અને સક્રિય રસ લીધો હતો. અનેક આંદોલનો ચલાવવા બદલ સ્વાતંત્ર્યોત્તર કાળમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. એથી જ કદાચ સોળ ટૂંકી વાર્તાઓના આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં રાજકીય ભૂમિકા છે. આઝાદી પછીના મધ્યમવર્ગીય સમાજનાં વિવિધ ક્ષેત્રોનાં બહુવિધ પાત્રોનું અદભુત દક્ષતા તથા સંયમપૂર્વક આલેખન કર્યું છે. તેમનાં મોટાભાગનાં પાત્રો જીવનની વાસ્તવિકતા વિશે સંવેદનશીલ હોવાની સાથોસાથ ભાવનાપ્રધાન પણ છે. લેખકે આ પાત્રોની પ્રણયની વિફળતા, બેરોજગારીમાંથી પરિણમતી દયનીયતા તથા નક્ષલવાદી પ્રવૃત્તિમાં તેમની હિસ્સેદારીનું ખૂબ સમભાવ તથા માનવીય સહૃદયતાથી નિરૂપણ કરેલું છે.

વાર્તાસંગ્રહની શીર્ષકદા કૃતિ ‘ઓ અંધા ગલી’માં સાંપ્રત રાજકારણને અંધારી ગલી સાથે સરખાવીને લેખકે એમ સૂચવ્યું છે કે એક વાર એમાં પેઠા પછી તેમાંથી છુટકારો થતો નથી. એ વાર્તાનો નાયક નિત્ય રાજકારણમાં સક્રિય ભાગ લે છે. એ પ્રામાણિક રહે છે એ કારણસર જ તેના પર ભ્રષ્ટાચારના આરોપ થાય છે અને તે રિબાય છે. લગભગ બધી જ વાર્તાઓમાં આ એક જ સૂર પ્રધાનપણે વણાયેલો છે પરંતુ ઘટનાઓમાં પ્રચુર વૈવિધ્ય હોવાથી આ બધી વાર્તાઓ ઢાંચાઢાળ કે નીરસ બની જતી નથી. વિષયની નવીનતા, જુદી જુદી પરિસ્થિતિનું વાસ્તવિક વર્ણન, વાર્તાના અંત સુધી રહસ્યની જમાવટ અને નાટ્યોચિત સમાપન એ અખિલમોહન પટનાયકની સફળ વાર્તાશૈલીનાં મુખ્ય લક્ષણો છે.

જાનકીવલ્લભ મોહન્તી

ચન્દ્રકાન્ત મહેતા