ઓસ્માનાબાદ : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 180 10′ ઉ. અ. અને 760 02′ પૂ.રે.ની આજુબાજુનો 7,569 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બીડ, પૂર્વે લાતુર અને કર્ણાટક રાજ્યનો બિદર, દક્ષિણે સોલાપુર તથા પશ્ચિમે સોલાપુર અને અહમદનગર જિલ્લા આવેલા છે. આ જિલ્લાના નકશાનો આકાર અંગ્રેજી Z મૂળાક્ષર જેવો દેખાય છે. જિલ્લામથક ઓસ્માનાબાદ જિલ્લાની મધ્યમાં આવેલું છે.

ઓસ્માનાબાદ

ભૂપૃષ્ઠ : જિલ્લાનું મોટાભાગનું ભૂપૃષ્ઠ ત્રિકોણ આકારે આવેલા બાલાઘાટ ઉચ્ચપ્રદેશથી રચાયેલું છે. ઢોળાવ પૂર્વ અને દક્ષિણ-તરફી છે. અહીંનું ઊંચાઈવાળું ભૂપૃષ્ઠ એક તરફ ગોદાવરી અને બીજી તરફ ભીમા નદી વચ્ચેનો જળવિભાજક રચે છે. અન્ય બે જળવિભાજકો ગોદાવરી-મનાર નદીઓ વચ્ચે તથા ભીમા-માંજરા નદીઓ વચ્ચે પણ આવેલા છે.

જળપરિવાહ : જિલ્લાની મુખ્ય નદીઓ માંજરા અને તરણા છે. બાલાઘાટ ઉચ્ચપ્રદેશની ઉત્તર ધાર પાસેથી માંજરા નીકળે છે અને આ જિલ્લામાં અગ્નિકોણમાં વહે છે. તે આ જિલ્લાની સરહદ પણ રચે છે. ગિરના નદી માંજરાને ડાબે કાંઠે મળે છે. તે 40 કિમી.ના અંતર માટે વહીને માંજરા નદીને જાવલગા નજીક મળે છે. જમણા કાંઠાની સહાયક નદીઓમાં તવારજા અને તરણાનો તથા ભીમા નદીને મળતી સહાયક નદીઓમાં સીના, બેનીથોરા અને બોરીનો સમાવેશ થાય છે. હરણી બોરીની સહાયક નદી છે. બાલાઘાટ ઉચ્ચપ્રદેશના ઈશાન ઢોળાવમાંથી નીકળતી મનાર નદી 40 કિમી.ના અંતર માટે આ જિલ્લામાં થઈને પસાર થાય છે. તેનો જળવહનપથ ઈશાન તરફી છે. આ ઉચ્ચપ્રદેશની પૂર્વ ધારમાંથી નીકળતી તિરુ નદી જિલ્લામાંથી 56 કિમી.ના અંતર માટે પસાર થાય છે. વળી લેન્ડી નામની એક નાની નદી પણ આ જિલ્લામાં થઈને વહે છે.

ખેતીપશુપાલન : જિલ્લાનો આશરે 93 % ગ્રામીણ વિસ્તાર ખેતીને લાયક છે. આ પૈકી માત્ર 5 % જમીનોને જ સિંચાઈનો લાભ મળે છે. જળાશયો અને તળાવો સિંચાઈના મુખ્ય સ્રોત છે. ઘઉં અને જુવાર અહીંના મુખ્ય કૃષિપાકો છે.

ગાયો અને ભેંસો આ જિલ્લાનાં મુખ્ય પાલતુ પશુઓ છે. જળાશયો, તળાવો અને કેટલીક નદીઓમાં માછીમારીની પ્રવૃત્તિ ચાલે છે. અંદાજે બાવીસથી પચીસ જાતની જુદી જુદી માછલીઓ મળે છે.

ઉદ્યોગો : જિલ્લામાં વિશેષ મહત્વની ખનિજો મળતી નથી. અહીં માત્ર મૃદ, રેતી તથા ચૂનાખડક અને અન્ય પાષાણો મળે છે. વળી જિલ્લામાં સસ્તી વીજળી તેમજ પૂરતી પરિવહન સુવિધા ઉપલબ્ધ થઈ શકતી ન હોવાથી અહીં ઔદ્યોગિક વિકાસ થયો નથી. અહીં માત્ર ખાંડનાં બે કારખાનાં, એક સ્પિનિંગ મિલ, એક તેલ-મિલ અને એક દૂધયોજના અસ્તિત્વ ધરાવે છે. આ ઉપરાંત નાના પાયાના ઉદ્યોગોમાં મીઠાઈ, ખાદ્યતેલ, ખોળ, હાથ-બનાવટનો કાગળ, રાસાયણિક ખાતરો, ઇજનેરી સામગ્રી, રબર તેમજ પ્લાસ્ટિકના અને ચામડું કમાવાના એકમોનો સમાવેશ થાય છે.

આ જિલ્લામાંથી નિકાસ થતી ચીજોમાં ચામડાં અને ખાલ, હાથ-બનાવટનો કાગળ, જુવાર અને દૂધનો તથા આયાતી ચીજોમાં યંત્રસામગ્રી, સ્ટેશનરી, કાચું લોખંડ, સુતરાઉ કાપડ, ઘઉં તેમજ કરિયાણાનો સમાવેશ થાય છે. ઓસ્માનાબાદ, કલંબ, દેવની અને હંદરગુલી જિલ્લાનાં મુખ્ય વેપારી મથકો છે; જ્યાં કૃષિપેદાશોનાં બજાર છે. ત્યાંથી જ તેની પેદાશોની નિકાસ થાય છે.

પરિવહન : જિલ્લાનાં આશરે 584 ગામોમાં બસ અને રેલમથકોની સુવિધા ઉપલબ્ધ છે. જોકે જિલ્લાનાં માત્ર 342 (48 %) ગામોમાં જ પાકા રસ્તાની સગવડ છે. ઓસ્માનાબાદ તેમજ બીજાં કેટલાંક શહેરો નજીકના જિલ્લાઓ સાથે માર્ગવાહનવ્યવહારથી સંકળાયેલાં છે.

પ્રવાસન

(1) એન્ડોરા : આ સ્થળ ખંડોબાની પ્રાચીન મૂર્તિ માટે જાણીતું છે. એક દંતકથા મુજબ અહીં નિર્દોષ પ્રજાજનોને ત્રાસ આપતા પણી અને પલ્લા નામના બે રાક્ષસોનો ભગવાન શંકરે આવીને ખડગથી વધ કરેલો. આ કારણે આ સ્થળ ખડગોબા નામથી ઓળખાતું થયેલું; વખત જતાં ખડગોબામાંથી ખંડોબા થઈ ગયું. છત્રપતિ શાહુ મહારાજે મંદિરના નિર્માણ માટે જમીન આપેલી. અહીંના ગ્રામવાસીઓ આ મૂર્તિને ફળદાયી માને છે અને દર રવિવારે ઘણા લોકો તેનાં દર્શને આવે છે. મોટાભાગના હિન્દુ તહેવારો અને લગ્નપ્રસંગો અહીં ઊજવાય છે.

(2) કટે : આ સ્થળ કણિથેશ્વર (કંઠેશ્વર) મંદિર તેમજ સિંકુબાઈ વિહાર અને જામિયા મસ્જિદ માટે જાણીતું છે. ગામની પશ્ચિમે આવેલા કંઠેશ્વરના મંદિરની ગામના લોકો માનતા રાખે છે. સિંકુબાઈના વિહાર તરીકે ઓળખાતો એક ચોરસ આકારનો પ્રાચીન કૂવો આ સ્થળે આવેલો છે. ગામલોકો તેમના વિશિષ્ટ પ્રસંગે થતા જમણવારમાં આ કૂવાનું પાણી ઉપયોગમાં લે છે, જેથી રસોઈ ખૂટે નહિ.

ઔરંગઝેબના શાસનકાળમાં અહીં એક સુંદર મસ્જિદ બંધાયેલી. તે રક્ષણાત્મક દીવાલ સહિતના 60 મીટર ´ 50 મીટરના પ્રાંગણની મધ્યમાં બાંધવામાં આવેલી છે. તેની આગળના ભાગમાં 5 ચોમી.નો હૉજ છે. મસ્જિદ માટેનું પ્રવેશદ્વાર પાંચ પગથિયાંવાળું છે અને તેના બે છેડે બે ઊંચા મિનારા છે. મસ્જિદ પર અર્ધચંદ્ર સહિતનો ગોળ ઘુમ્મટ છે. મસ્જિદને ચાર ખૂણે ચાર મિનારા પણ છે. તેનું સ્થાપત્ય (બાંધણી) પરંપરાગત રીતે મુસલમાની ઢબનું છે. તેના બાંધકામને બે સદી વીતી ગઈ હોવા છતાં હજી જાણે તે એવી ને એવી અકબંધ દેખાય છે.

(3) નળદુર્ગ : નળદુર્ગ તેના કિલ્લા માટે જાણીતું છે. ઇબ્રાહીમ આદિલશાહ બીજાએ કિલ્લાના સ્થળને પાણી મળી રહે તે હેતુથી બોરી નદી પર બંધ બંધાવેલો તેમજ પોતાના આનંદ માટે ‘જળમહેલ’નું નિર્માણ કરેલું. આ જળમહેલ એ કિલ્લામાંનું એક આકર્ષણનું સ્થળ છે. ચોમાસાની મોસમમાં નદીનું વધારાનું પાણી આ મહેલમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી તે કિલ્લાના બાકીના ભાગોમાં ન ફેલાય. આ બાબત તેનું ઇજનેરી કૌશલ્ય દાદ માગી લે એવું છે. નળદુર્ગથી ભાગ્યે જ એક-દોઢ કિલોમિટરને અંતરે બોરી નદીના કાંઠાના ઉચ્ચ અને રમણીય સ્થળે રામ, હનુમાન અને મહાદેવનાં ત્રણ મંદિરો આવેલાં છે. ‘આનંદ રામાયણ’માં એક એવો ઉલ્લેખ મળે છે કે રામ તેમના વનવાસ વખતે અક્કલકોટથી નળદુર્ગના રસ્તે જતાં અહીં રોકાયા હતા. આ હકીકતની સાક્ષીરૂપ તેમનાં પગલાંની છાપ અહીંના એક ખડક પર બતાવવામાં આવે છે.

આ શહેરનું બીજું એક મહત્વનું લક્ષણ એ પણ છે કે ખંડોબાની યાત્રા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. તેની પાછળની લોકવાયકા નળ-દમયંતીના અન્યોન્યના પ્રેમની આસપાસ ગૂંથાયેલી હોવાનું કહેવાય છે. અહીં દર વર્ષે પોષ સુદ પૂર્ણિમાથી પંદર દિવસ સુધી યાત્રા-મહોત્સવ ચાલે છે, જેમાં અંદાજે 25,000 લોકો એકઠા થાય છે.

(4) ઓસ્માનાબાદ : ઓસ્માનાબાદ એ જિલ્લાનું વડું વહીવટી મથક છે. કદની ર્દષ્ટિએ તે લાતુરથી બીજા ક્રમે આવે છે; એટલું જ નહિ, તે વેપાર-વાણિજ્યમાં પણ આગળ પડતું છે. તેનો વધુ વિકાસ તો રેલવે-સંકલનના અભાવને કારણે અવરોધાયો છે.

આ શહેરમાંનાં હિંદુ મંદિરો પૈકીનું ‘ધૃતરાષ્ટ્ર નાગેશ્વર’નું મંદિર ઘણું પ્રાચીન છે અને ધાર્મિક મહત્વ ધરાવે છે. આ મંદિર ભોગાવતી નદીને કાંઠે આવેલું છે. કહેવાય છે કે તે છેલ્લું અને 108મું તીર્થ છે. આ ઉપરાંત ખ્વાજા સમસુદ્દીનની દરગાહ પણ અહીંનું મહત્વનું ધાર્મિક સ્થળ ગણાય છે. ત્યાં દર વર્ષે રજબ માસમાં ઉર્સ (મેળો) ભરાય છે. આ દરગાહમાં એક ઈરાની અભિલેખ છે, જેમાં ખ્વાજાનું મૃત્યુ 720 હિજરી સાલમાં થયું હોવાની નોંધ છે. આ દરગાહ મોહમ્મદ-બિન-તઘલખના સમયમાં નિર્માણ પામી હોવાનું કહેવાય છે. દરગાહનું પ્રાંગણ મોટું છે, વચ્ચે દરગાહ છે અને પ્રાંગણને ત્રણ બાજુએ પ્રવેશદ્વારો છે. આ દરગાહ ભવ્ય છે; એટલું જ નહિ, તે મધ્યકાલીન ઇસ્લામી સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો છે.

(5) તુલજાપુર : તુલજાપુર આ જિલ્લાનું તાલુકામથક છે અને તે તુલજા ભવાનીના મંદિર માટે જાણીતું છે. તુલજા ભવાની માતા માત્ર મહારાષ્ટ્રમાં જ પૂજાય છે એવું નથી, તે અન્ય રાજ્યોનાં ઘણાં કુટુંબોની કુલદેવી પણ છે. અહીં આખાય વર્ષ દરમિયાન યાત્રાર્થે મહારાષ્ટ્ર ઉપરાંત કર્ણાટક, આંધ્ર, તમિલનાડુ અને અન્ય રાજ્યોમાંથી હજારો લોકોની અવરજવર રહે છે. ભારતભરમાં ઘણા લોકો તુલજા ભવાનીને દેવીમાતા ગણે છે.

તુલજાપુર ઓસ્માનાબાદથી 22 કિમી.ને અંતરે તથા સોલાપુરથી 45 કિમી.ને અંતરે આવેલું છે. તુલજાપુર પહોંચવા માટે સોલાપુર તેમજ યેદશી રેલમથકોએથી મહારાષ્ટ્ર રાજ્યપરિવહનની બસસેવા ઉપલબ્ધ છે. હજારો યાત્રાળુઓ નવરાત્રિ અને દશેરાનાં પર્વો વખતે તુલજા ભવાનીનાં દર્શને આવે છે. આ તુલજા ભવાની જ છત્રપતિ શિવાજી મહારાજનાં આરાધ્ય દેવી હતાં. તેમણે સ્વયં શિવાજીને ‘ભવાની’ તલવાર અર્પણ કરેલી એમ મનાય છે. તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યના પ્રવાસન-ખાતાએ પ્રવાસીઓ માટે પ્રવાસી-ગૃહ બનાવ્યું છે. તે ઉપરાંત યાત્રીઓ માટે અહીં સરકારી વિશ્રામગૃહ, ધર્મશાળાઓ, આશ્રમો અને રહેવાની અન્ય વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.

(6) કુંથલગિરિ : જિલ્લાના ભૂમ તાલુકાના આ કુંથલગિરિ ખાતે દિગંબરપંથી જૈનમંદિર આવેલું છે. કુંથલગિરિ સોલાપુરથી ઓસ્માનાબાદ થઈને બસ દ્વારા પહોંચાય છે. ભારતભરના દિગંબરપંથી જૈનો આ પવિત્ર મંદિરના દર્શને જાય છે.

(7) થઇર : ઓસ્માનાબાદ તાલુકામાં આવેલું આ ગામ પુરાતત્વીય મહત્વ ધરાવે છે. સંત ગોરોબા કુંભારનું આ વતન છે. ગોરોબા કુંભારનું સમાધિમંદિર છે. ત્યાં હજારો યાત્રાળુઓ કાર્તિક અને ચૈત્ર માસમાં આ સમાધિનાં દર્શને આવે છે. વળી અહીં ત્રિવિક્રમનું મંદિર પણ છે.

અહીં રાજ્ય પુરાતત્વ ખાતાનું સંગ્રહાલય આવેલું છે. સંગ્રહાલયમાં રાખેલી ચીજવસ્તુઓ પરથી કહેવાય છે કે આ સ્થળ સાથે ગ્રીક અને રોમન દેશોનો સીધો વેપાર ચાલતો હતો.

(8) પરંડા : આ સ્થળ ક્યારેક નિઝામશાહી બાદશાહનું પાટનગર રહેલું, એની સાક્ષી પૂરતો, જાણીતો, ઐતિહાસિક મહત્વ ધરાવતો કિલ્લો આવેલો છે. એમ કહેવાય છે કે આજે બીજાપુર કિલ્લા ખાતે રાખેલી પ્રસિદ્ધ મલિકમેદાન તોપ મૂળ આ પરંડા કિલ્લાની હતી. આ તોપ 1632માં આદિલશાહી સેનાપતિ મુરારે બીજાપુર ખાતે ખેસવેલી. આ ઉપરાંત અહીં 18મી સદીના જાણીતા સંત કવિ શ્રી હંસરાજ સ્વામીનો મઠ પણ આવેલો છે.

પરંડા તાલુકાના સોનારી ગામે ભૈરવનાથનું મંદિર તેમજ દોમગાંવ ખાતે સમર્થ રામદાસના શિષ્યનું પવિત્ર સ્થાનક પણ આવેલાં છે. જિલ્લાનાં જુદાં જુદાં જાણીતાં સ્થાનોએ મેળા અને ઉર્સ ભરાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 14,72,256 છે. તે પૈકી આશરે 53 % પુરુષો અને 47 % સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 90 % અને 10 % જેટલું છે. જિલ્લામાં હિન્દુઓ અને મુસ્લિમોનું પ્રમાણ વિશેષ છે, જ્યારે બૌદ્ધો, જૈનો, ખ્રિસ્તીઓ અને શીખોનું પ્રમાણ ઓછું છે. અહીં મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ 50 % જેટલું છે. જિલ્લામાં 20 જેટલી કૉલેજો છે. જિલ્લાનાં આશરે 54 % ગામડાંઓમાં તબીબી સેવા ઉપલબ્ધ છે. વહીવટી સરળતાની ર્દષ્ટિએ જિલ્લાને 6 તાલુકાઓ અને 6 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 8 નગરો અને 722 (6 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : ઓસ્માનાબાદનું જૂનું નામ ધારાશિવ હતું. 1853માં આ જિલ્લો હંગામી ધોરણે બ્રિટિશ સરકારને સોંપવામાં આવેલો, પરંતુ 1860માં તે હૈદરાબાદ રાજ્યને પાછો અપાયો હતો. ત્યારે તેનું વડું મથક નળદુર્ગ ખાતે હતું અને તેથી 1904 સુધી તે નળદુર્ગ જિલ્લા તરીકે ઓળખાતો હતો. ત્યારબાદ તેનું નામ ઓસ્માનાબાદ રખાયું છે. 1949માં અહીંની બધી જાગીરોને રદ કરવામાં આવી અને તેમનો વહીવટ સરકાર હસ્તક મુકાયો. 1950માં ઓસ્માનાબાદ અને સોલાપુર વચ્ચે ગામોની વહેંચણી કરવામાં આવી. 1956માં આ જિલ્લો મુંબઈ રાજ્યમાં મુકાયો. 1960-61માં મુંબઈ અને ગુજરાત રાજ્યની પુનર્રચના થતાં તે મહારાષ્ટ્ર રાજ્યમાં મુકાયો. 1982માં ઓસ્માનાબાદ જિલ્લાને બે ભાગમાં વહેંચી ઓસ્માનાબાદ અને લાતુર જિલ્લા રચવામાં આવેલા છે.

હેમન્તકુમાર શાહ

જાહ્નવી ભટ્ટ

ગિરીશભાઈ પંડ્યા