ઑસ્ટ્રેલિયા ઍન્ટિજન

January, 2004

ઑસ્ટ્રેલિયા ઍન્ટિજન : બી-પ્રકારનો ચેપી કમળો અથવા યકૃતશોથ (hepatitis) કરતા વિષાણુ(virus)ની સપાટી પરનો પ્રતિજન (antigen, HBsAg). તે સૌપ્રથમ ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓમાં જોવા મળ્યો હતો. તે બે પૉલિપેપ્ટાઇડનો બનેલો છે તથા તેના a, d, y, w, r જેવા ઉપપ્રકારો છે, જેમાંથી ‘a’ ઉપપ્રકાર દરેક HBsAg પ્રતિજનમાં હોય છે. જ્યારે ઉગ્ર યકૃતશોથનાં ચિહ્નો અને લક્ષણો વગરની સાવ સામાન્ય લાગતી વ્યક્તિમાં પણ તે હોય તો તેવી વ્યક્તિને HBs Ag-ધારક (carrier) કહેવાય છે. HBsAg ધરાવતો રોગી કે ધારક ચેપ ફેલાવી શકે છે : આવી વ્યક્તિનું લોહી અન્ય વ્યક્તિને ચઢાવાતું નથી. તેથી સામાન્યત: રુધિર બૅન્કો કોઈ પણ વ્યક્તિને લોહી આપતાં પહેલાં તેમાં HBsAg નથી તેની ખાતરી કરે છે. વિષાણુના મધ્યદળ(core)માં HBcAg નામનો એક પ્રતિજન છે. આ ઉપરાંત HBeAg નામનો પ્રતિજન પણ શોધાયો છે અને તે પણ ચેપ ફેલાવે છે. ત્રણેય પ્રકારનાં પ્રતિજનો સામે વિશિષ્ટ પ્રતિદ્રવ્યો (antibodies) રૂપે પ્રતિ-HBs, પ્રતિ-HBc અને પ્રતિ-HBe ઉત્પન્ન થાય છે. યકૃતશોથના દર્દીમાં ત્રણેય પ્રતિજન/પ્રતિદ્રવ્યોનું લોહીમાંનું પ્રમાણ જાણવાથી નિદાન માટે કેટલીક ઉપયોગી માહિતી મળે છે. (જુઓ સારણી તથા આકૃતિ.)

સારણી : બીયકૃતશોથના ચેપના વિવિધ તબક્કામાં HBsAg ધારકતા તથા અન્ય પ્રતિજન/પ્રતિદ્રવ્યોનું પ્રમાણ :

ક્રમ તબક્કો HBsAg પ્રતિ પ્રતિ HBeAg પ્રતિ
    ધારકતા HBs HBc   HBe
1. ઉગ્ર ચેપ ± 19M ± +
2. દીર્ઘકાલીન ચેપ + 19G +
3. દીર્ઘકાલીન ચેપવાળા + 19G +
દર્દીમાં ઉગ્ર ચેપ
4. રોગમુક્તિ + 19G ±
5. બી-યકૃતશોથ સામે રસી +

ઉગ્ર બી-યકૃતશોથમાં પ્રતિજન/પ્રતિદ્રવ્યોનું લોહીમાંનું પ્રમાણ
નોંધ : ALT સીરમમાં એલેનિન ઍમિનોટ્રાન્સફરેઝનું વધેલું પ્રમાણ સૂચવે છે.

બી-પ્રકાર ઉગ્ર યકૃતશોથ(acute hepatitis-B)ના 90 % દર્દીઓના સીરમ, લાળ, આંસુ, વીર્ય, મગજની આસપાસના પ્રવાહી, જઠરના પાચકરસ, દૂધ, પેશાબ તથા યકૃતકોષો HBsAg હોય છે તેથી તેમનો સંસર્ગ ચેપી છે. જોકે મળમાં HBsAg હોતો નથી અને તેથી સામાન્ય રીતે દર્દીનો મળ ચેપી નથી. લોહીમાંનું HBsAgનું પ્રમાણ યકૃતશોથની ઉગ્રતા દર્શાવતું નથી; પરંતુ જ્યારે ઘણા યકૃતકોષો નાશ પામ્યા હોય ત્યારે ક્યારેક HBsAgનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય એવું જોવા મળે છે. યકૃતશોથ મટ્યા પછી 6 મહિનામાં 90 % દર્દીઓમાં HBsAg પણ અર્દશ્ય થાય છે; માંડ 1 % કે 2 % દર્દીઓમાં તે લાંબા સમય સુધી રહી જાય છે અને આવા દર્દીઓમાં ચેપધારકતા (carrier-state), દીર્ઘકાલીન સ્થાયીરૂપી યકૃતશોથ (chronic persistent hepatitis), દીર્ઘકાલીન સક્રિય યકૃતશોથ (chronic active hepatitis) અથવા ક્યારેક યકૃતનું કૅન્સર જોવા મળે છે. દર્દીઓમાંથી ચેપ આરોગ્ય કાર્યકરોમાં ફેલાય છે, પરંતુ તેનાથી વિરુદ્ધ દિશાનું સંક્રમણ સામાન્ય રીતે જોવા મળતું નથી. 1 % આરોગ્ય કાર્યકર્તા ચેપધારક બને છે. બી-યકૃતશોથના રોગચાળાવાળા પ્રદેશના લોકો, સજાતીય લૈંગિક (sexual) સંસર્ગ ધરાવતાં પુરુષો, લાંબા સમયની યકૃત કે મૂત્રપિંડની નિષ્ફળતાવાળા દર્દીઓ, સંગઠિકા બહુધમનીશોથ (poly arteritis nodosa) અથવા ડાઉનના સંલક્ષણથી પીડાતા દર્દીઓ અથવા ખૂબ પ્રમાણમાં લોહી ચઢાવ્યું હોય અથવા ટૂંક સમય અગાઉ યકૃતશોથ થયો હોય એવા દર્દીઓમાં HBsAgની ધારકતા વધુ હોય છે. તેઓ આ રોગનો ફેલાવો કરે છે. બી-યકૃતશોથ સામેની રસીમાં HBsAg છે અને તેથી તેના સફળ પ્રયોગ પછી વ્યક્તિના શરીરમાં પ્રતિ-HBsનું પ્રમાણ વધે છે. HBsAg-ધારકતાની કોઈ વિશિષ્ટ સારવાર નથી તથા ઉગ્ર બી-યકૃતશોથની સારવારના સિદ્ધાંતો અન્ય યકૃતશોથ જેવા જ છે; પરંતુ દીર્ઘકાલીન સક્રિય બી-યકૃતશોથના દર્દીમાં કૉર્ટિકોસ્ટિરોઇડના ઉપયોગથી ખાસ લાભ થતો નથી. HBsAg ધારકોને શોધી કાઢવાથી ચેપનો ફેલાવો અટકાવવાનાં પગલાં લઈ શકાય છે.

શિલીન નં. શુક્લ

નવીન કે. પરીખ