એરંડો (દિવેલી)

January, 2004

એરંડો (દિવેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ricinus communis Linn. (સં., બં., મ. એરંડ; હિં. એરંડ, અંડ; ક. ઔંડલ, હરળગીડ; તે. અમુડાલ; તા. લામામકુ; મલા. ચિત્તામણક્કુ; અં. કૅસ્ટર, કૅસ્ટરસીડ) છે. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ ક્ષુપ કે કેટલીક વાર આશરે 6 મી. કે તેથી વધારે ઊંચું, મૃદુ-કાષ્ઠીય વૃક્ષસ્વરૂપે જોવા મળે છે. તેનું વાવેતર ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં બીજ માટે થાય છે; જેમાંથી એરંડીનું તેલ પ્રાપ્ત થાય છે.

ભારતમાં તે મુખ્ય તેલીબિયાંના પાકો પૈકીનો એક ગણાય છે અને ઉત્પાદન(આશરે 1,40,000 ટન)ની ર્દષ્ટિએ દુનિયામાં તે બીજો ક્રમ ધરાવે છે. બ્રાઝિલમાં તેનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. ભારતમાં તેનું વાવેતર 2,000 મી.ની ઊંચાઈ સુધી લગભગ બધે જ થાય છે. તેનું વાવેતર કરતાં મુખ્ય રાજ્યોમાં આંધ્ર, ગુજરાત, ઓરિસા અને કર્ણાટક છે. ઉત્પાદન અને વિસ્તારની ર્દષ્ટિએ આંધ્ર પ્રથમ અને ગુજરાત બીજું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં એરંડ ઉત્પન્ન કરતા જિલ્લામાં સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણાની ગણના થાય છે. આ જિલ્લાઓમાં હેક્ટરદીઠ ઉત્પાદન 975 કિગ્રા. જેટલું છે. અન્ય જિલ્લાઓમાં વાવેતર પાંખું છે.

એરંડા(Ricinus communis)ની પર્ણ અને ફળ ધરાવતી શાખા

તેનાં પર્ણો લીલાં કે લાલ, સાદાં, 30 સેમી.થી 60 સેમી. પહોળાં, પાણિવત્ વિદર (palmati partite) પ્રકારના છેદનવાળાં અને 5થી 11 ખંડીય હોય છે. તેની પર્ણકિનારી દંતુર (serrate) અને પર્ણદંડ છત્રાકાર (peltate) અને ગ્રંથિયુક્ત હોય છે. તે એકગૃહી (monoecious) છે અને તેનાં પુષ્પો 30 સેમી.થી 60 સેમી. લાંબી શૂકી સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે; જેમાં નરપુષ્પો નીચેની બાજુએ અને માદા પુષ્પો ઉપરની બાજુએ ડિસેમ્બરથી માર્ચ સુધી ઉત્પન્ન થાય છે. નર પુષ્પમાં 3થી 5 પરિદલપત્રો, અસંખ્ય એકગુચ્છી પુંકેસરો અને ગુચ્છ શાખાયુક્ત પીળાં પરાગશયવાળાં હોય છે. માદા પુષ્પમાં ચમચાકાર પરિદલપત્રો હોય છે અને બીજાશય ત્રિયુક્ત સ્ત્રીકેસરી ત્રિકોટરીય અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ (placentation) ધરાવે છે. પ્રત્યેક કોટરમાં એક જ અંડક હોય છે. પરાગાસન ત્રણ અને તે પ્રત્યેક દ્વિશાખી હોય છે. ફળ વેશ્મસ્ફોટી રેગ્મા (schizocarpic regma) શુષ્ક અને સાદું હોય છે. એરંડામાં ત્રણ અથવા તેના ગુણોત્તરમાં વેશ્મ ઉત્પન્ન થાય છે અને એકબીજમય વેશ્મ દ્વારા ફળનું સ્ફોટન થાય છે. ફલાવરણ બૂઠા કંટકો ધરાવે છે. બીજમાં મગજ (ભ્રૂણપોષ) તૈલી અને બે બીજપત્રો કાગળ જેવાં પાતળાં હોય છે. તેના બીજમાં બીજછિદ્રને ઢાંકતા, બાહ્ય બીજાવરણમાંથી ઉદભવતા ઊપસેલા, સફેદ ગાંઠ જેવા ભાગને બીજચોલ (aril) કહે છે.

એરંડામાં લિંગ-અભિવ્યક્તિ બાબતે જુદા જુદા મત પ્રવર્તે છે. રશિયામાં થયેલાં સંશોધનો અનુસાર લિંગ-અભિવ્યક્તિ દિવસની લંબાઈ પર આધાર રાખે છે. વૃદ્ધિના પ્રારંભિક તબક્કામાં દીર્ઘ-દિવસી (long day) ચિકિત્સા (22 કલાક) આપતાં પુષ્પનિર્માણ ઝડપી થાય છે, નર અને માદા પુષ્પનો ગુણોત્તર ઘટે છે અને બીજ ઉત્પાદન વધે છે. જીબરેલિન ‘એ3’ના છંટકાવથી પણ એરંડામાં માદા પુષ્પોનું નિર્માણ વધે છે. એરંડા પરના કિરણન(irradiation)ના પ્રયોગો પણ તેની ઉત્તેજક અસર દર્શાવે છે. આંધ્રપ્રદેશની એચસી-1 જાતનાં ઝડપી ન્યૂટ્રૉન દ્વારા કિરણિત બીજ વાવતાં 92 %થી 98 % વનસ્પતિઓ પૂર્ણપણે કે લગભગ પૂર્ણપણે માદા પુષ્પો ધરાવે છે. તેની પિતૃજાતમાં લગભગ 30 % જેટલાં નર પુષ્પો હતાં. મહારાષ્ટ્રમાં કિરણન દ્વારા મેળવેલી સુધારેલી જાતની સરેરાશ ઊંચાઈ 39.6 સેમી. હોય છે અને તે સઘન શૂકી ઉપર પિતૃ વનસ્પતિ કરતાં પુષ્કળ પ્રમાણમાં ફળ ધરાવે છે. જો સારી માવજત આપવામાં આવે તો એચસી-1 જાત 4,000 કિગ્રા. સુધીની ઉત્પાદનક્ષમતા ધરાવે છે.

રેતાળ કાંપવાળી અને સારા નિતારવાળી જમીન એરંડા માટે ઉત્તમ ગણાય છે. પાણી ભરાઈ રહેવું ન જોઈએ. ગરમ અને સૂકું હવામાન તેને માટે વધારે અનુકૂળ છે. ચોમાસાની ઋતુ અર્ધી પૂરી થવા આવે ત્યારે, જુલાઈ ઊતરતાં અને ઑગસ્ટ બેસતાં ગુજરાત માટે વાવેતરનો અતિ ઉત્તમ સમય ગણાય છે.

વરસાદ પછી 12-13 ગાડાં દેશી ખાતર અને ઍમોનિયમ સલ્ફેટ 30 કિગ્રા/હેક્ટર આપવામાં આવે છે. એરંડાનું વાવેતર મગફળી સાથે મિશ્ર પાક તરીકે થાય છે. નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટૅશિયમ 1 : 2 : 3ના પ્રમાણમાં આપતાં બંને પાકનું સારું ઉત્પાદન મળે છે. 56 કિગ્રા./હેક્ટર નાઇટ્રોજન સાથે 28 કિગ્રા./હેક્ટર સુપર ફૉસ્ફેટની આપવામાં આવતી માત્રા એરંડા માટે સૌથી સસ્તી ગણાય છે. તેનાથી સરેરાશ ઉત્પાદન 3,125 કિગ્રા./હેક્ટર થાય છે. લીમડાનો ખોળ આપતાં બીજમાં તૈલી દ્રવ્યનું પ્રમાણ વધે છે. બીજનું 1 મી.થી 2 મી.ના

સારણી 1 : ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં વાવેતર માટે ભલામણ કરાયેલી સુધારેલી જાતો

રાજ્યનું નામ

જાતનું નામ વાવણીનો સમય લણણીનો સમય પાકનો સમયગાળો ઉત્પાદન તૈલી દ્રવ્ય
        (માસ) (કિગ્રા./હેક્ટર)

(%)

આંધ્રપ્રદેશ એચસી-6 જુલાઈ-ઑગસ્ટ માર્ચ-એપ્રિલ 8-9 280-390 48
ગુજરાત એસ-20 મધ્ય ઑગસ્ટ ફેબ્રુઆરી-એપ્રિલ 7.5 980 48
દેવડા3 મધ્ય ઑગસ્ટ ડિસેમ્બર-જાન્યુઆરી 6 600 45
મહારાષ્ટ્ર ઈબી-16 જૂન-જુલાઈ નવેમ્બર-જાન્યુઆરી 6 435 51-52
ઈબી-31 મે-જૂન ઑક્ટોબર-ડિસેમ્બર 6 480 44-45
મૈસૂર એમસી-1 મે-જુલાઈ નવેમ્બર-ફેબ્રુઆરી 6.5 335 48
રોઝી મે-જુલાઈ ઑક્ટોબર-જાન્યુઆરી 5.5 390 51
તમિલનાડુ ટીએમવી-1 જુલાઈ-ઑગસ્ટ જાન્યુઆરી-ફેબ્રુઆરી 6.5 840 51
ટીએમવી-2 જુલાઈ-ઑગસ્ટ જાન્યુઆરી-ફેબ્રુઆરી 7 840 52
ટીએમવી-3 જુલાઈ-ઑગસ્ટ જાન્યુઆરી-ફેબ્રુઆરી 78 870 55
જાન્યુઆરી-ફેબ્રુઆરી જુલાઈ-ઑગસ્ટ
(સીમાવર્તી પાક) (સીમાવર્તી પાક)
સીઓ-1 ચોમાસું બહુવર્ષાયુ, 2.5 કિગ્રા. 56
આશરે 10-15 વર્ષ 1 વૃક્ષ/વર્ષ
ઉત્તરપ્રદેશ ટી-3 જુલાઈની શરૂઆતમાં ફેબ્રુઆરી-માર્ચ કે જુલાઈમાં વાવેતર 1,120-1,340 52
કે સપ્ટેમ્બરને અંતે માર્ચ-એપ્રિલ કર્યું હોય તો 8 અને
સપ્ટેમ્બરમાં વાવેતર
કર્યું હોય તો 6 માસ
તરાઈ-4 ઉપર મુજબ ઉપર મુજબ ઉપર મુજબ 1,100-1,400 53
કાલ્પી-6 ઉપર મુજબ ઉપર મુજબ ઉપર મુજબ 1,100-1,400 51.5
પશ્ચિમ બંગાળ બી-1 મે-જૂન ઑગસ્ટ-સપ્ટેમ્બર 4 280 45-52

અંતરે શુદ્ધ કે મિશ્ર પાકને આધારે વાવેતર કરવામાં આવે છે. ગુજરાતમાં બહુવર્ષાયુ પાક ખરીફ તરીકે અને એકવર્ષાયુ પાક ‘રવિ’ તરીકે વાવવામાં આવે છે.

Phytophthora colocasiae Racib. નામની ફૂગ દ્વારા રોપાનો સુકારો લાગુ પડે છે. આ ફૂગ બટાટા, ટમેટાં, રીંગણ અને તલને પણ ચેપ લગાડે છે. ભેજવાળી અને નીચાણવાળી જમીનમાં આ રોગ જલદી પ્રસરે છે. બોર્ડો મિશ્રણના છંટકાવથી રોગનું નિયંત્રણ થાય છે. Melamspora ricinii (Biv.) Pass. એરંડાને ગેરુનો રોગ લાગુ પાડે છે. સલ્ફરના છંટકાવ દ્વારા ગેરુનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.

Alternaria ricinii (Yoshii) Hansford દ્વારા સુકારો થાય છે. આ ફૂગ પ્રકાંડ, પર્ણો, પુષ્પવિન્યાસ અને ફળને ચેપ લગાડી પાકને નુકસાન પહોંચાડે છે. નીચું તાપમાન અને વાતાવરણમાં વધારે પડતો ભેજ રોગનું ઝડપી પ્રસારણ કરે છે.

Cercospora ricinella Sacc. & Berl.થી પાનના ટપકાનો રોગ થાય છે. બોર્ડો-મિશ્રણ કે અન્ય કૉપરયુક્ત ફૂગનાશકો દ્વારા રોગનું નિયંત્રણ થાય છે. Phyllostica bosensis Bose & Mathur Sphaceloma ricinii અને Xanthomonas ricinicola દ્વારા પાનનાં ટપકાં અને Leveillula taurica (Lev.) Arn. દ્વારા ભૂકી છારાનો રોગ થાય છે.

એરંડાને લાગુ પડતા કીટકોમાં અર્ધકુંડલક (semilooper) Achoea lanata L. ભારત દેશમાં ખૂબ ગંભીર જીવાત છે. તેની ઇયળો પર્ણો ખાય છે અને કેટલીક વાર પાકને અત્યંત નુકસાન પહોંચાડે છે. 10 % ડી.ડી.ટી. કે બી.એચ.સી.નો કે 0.03 % એન્ડ્રિનના છંટકાવ દ્વારા કીટ-નિયંત્રણ થાય છે.

ફળવેધક ઇયળ, Dichrocrosis puncitiferalis Guen. ફળ અને પ્રરોહનો ખોરાક તરીકે ઉપયોગ કરી પાકના ઉત્પાદન પર ગંભીર અસર કરે છે. મેલેથિયોન 0.1 % અને પેરાથિયોન 0.05 % દ્વારા તેના ઉપદ્રવ (infestation) ઉપર નિયંત્રણ મેળવી શકાય છે અને ઉત્પાદન વધારી શકાય છે. કાષ્ઠની ભસ્મ, કૅલ્શિયમ આર્સેનેટનાં કે ગેમેક્સનનાં છંટકાવની પણ ભલામણ કરવામાં આવે છે.

ઉપરાંત, Euproctis lunata Wlk., Prodenia litura, F., Parasa lepidacrum અને Notolophus pasticus W. નામના કીટકોની ઇયળો પર્ણો અને તરુણ પ્રરોહને નુકસાન પહોંચાડે છે.

સફેદ માખી (Trialeurodes ricini Misra) બિહાર, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં થતી જીવાત છે અને તેની ઇયળો અને પુખ્તો પર્ણોનો રસ ચૂસે છે. મેલેથિયોનના છંટકાવથી તેનું નિયંત્રણ થાય છે.

એરંડા ઉપર થતું જેસિડ (jassid), Empoasca flavescens Fb. પર્ણો અને તરુણ પ્રરોહમાંથી રસ ચૂસે છે. ગરમ ઋતુમાં ઉપદ્રવ લઘુતમ અને ઠંડી ઋતુમાં મહત્તમ હોય છે. ફળ-નિર્માણ પૂર્વે ડી.ડી.ટી.નો છંટકાવ અને 15 દિવસના અંતરે 0.14 % ટેલોડ્રિનનો છંટકાવ કીટનિયંત્રણ કરે છે.

લાલ ઇતરડી(Tetranychus telarius L.)ની વસાહતો પર્ણોનો રસ ચૂસે છે. તેના નિયંત્રણ માટે સલ્ફર છાંટવામાં આવે છે. Ratylenchus reniformis Linford & Olivera દક્ષિણ ભારતની મૃદામાં થતું સૂત્રકૃમિ છે. તેના દ્વારા વૃદ્ધિ કુંઠિત થાય છે અને વનસ્પતિ પશ્ચક્ષય(dieback)નાં ચિહ્નો દર્શાવે છે. Asphondylis ricini Mani નામની પિટિકા માખીના મેગટ નરપુષ્પો અને ફળ ઉપર આક્રમણ કરે છે. માખી બહાર નીકળતાં ફળો અને નરપુષ્પો ખીલ્યા સિવાય જ ખરી પડે છે.

એરંડાના બીજનો ભારતમાં આશરે 95 % જેટલો ઉપયોગ તેલ મેળવવા માટે થાય છે. તેનો સ્વચ્છક (clarifying agent) તરીકે અને ઔષધ તરીકે અને વિવિધ ઔદ્યોગિક નીપજોના ઉત્પાદનમાં ઉપયોગ થાય છે. બીજનો ખોળ ખાતર તરીકે ઉપયોગી છે, પરંતુ ઢોરોના ખાણ તરીકે તે ઉપયોગી નથી, કારણ કે તે વિષાક્ત ઘટકો ધરાવે છે. એરંડાના બીજમાં લિપિડનું વિઘટન કરતો અસરકારક ઉત્સેચક રહેલો છે. તેનો લિપિડ અને ગ્લિસરાઇડોના જલાપઘટનમાં ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે.

પૂર્વ નાઇજિરિયાના ભાગોમાં તેનાં બીજ ખાસ કરીને અછતમાં ખોરાક તરીકે વપરાય છે. ઉત્તરપ્રદેશમાં બીજનો જલીય નિષ્કર્ષ શેરડીના રસમાંથી બનાવાતા ગોળના સ્વચ્છક તરીકે ઉપયોગી છે.

બીજનો 25 % ભાગ બીજાવરણ દ્વારા અને 75 % ભાગ મીંજનો બનેલો છે. સમગ્ર બીજના એક રાસાયણિક વિશ્લેષણ મુજબ, તે પાણી 5.1 %-5.6 %, પ્રોટીન 12 %-16 %, તેલ 45.0 %-50.6 %, નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 3.1 %-7.0 %, અશુદ્ધ રેસો 23.1 %થી 27.2 % અને ભસ્મ 2.0 %-2.2 % ધરાવે છે. બીજમાં રહેલા કુલ પ્રોટીનના આશરે 60 % પ્રોટીન ગ્લોબ્યુલિનો છે. બીજમાં ફૉસ્ફરસ દ્રવ્ય વિપુલ હોય છે અને 90 % જેટલું ફાઇટિનના સ્વરૂપમાં હોય છે. ફૉસ્ફોટીડીલ ઇથેનોલ ઍમાઇનના બનેલા ફૉસ્ફોલિપિડો (0.12 %) પણ તે ધરાવે છે. યુરિક ઍસિડ (6 મિગ્રા./100 ગ્રા.) અને હાઇડ્રૉસાયનિક ઍસિડ (7 પી.પી.એમ., CNના સ્વરૂપમાં) પણ તેનાં ઘટકો છે. બીજાવરણમાં એક કડવું ઘટક, રાળ, રંજકદ્રવ્યો, રિસિનિન આલ્કેલૉઇડ અને ઘટ્ટ ઘેરા લીલા રંગનું તેલ હોય છે.

એરંડાના બીજમાં લિપેઝ ઉપરાંત, એમાઇલેઝ, ઇન્વર્ટેઝ, માલ્ટેઝ, એન્ડોટ્રિપ્સિન, ગ્લાયકોલિક ઍસિડ ઑક્સિડેઝ, રીબોન્યુક્લિયેઝ અને મેદદ્રાવ્ય ઝાયમોજન હોય છે. અંકુરિત બીજમાં કેટાલેઝ પેરૉક્સિડેઝ અને રીડક્ટેઝ હોય છે.

બીજ 2.8 %થી 3.0 % જેટલાં વિષાક્ત ઘટકો ધરાવે છે. બીજની વિનાશક માત્રા (સંખ્યામાં) આ પ્રમાણે છે : મનુષ્ય 2.5થી 6 (20 સુધી), સસલું 4, ઘેટું 5, ઘોડાઓ 6, ડુક્કર 7, કૂતરાઓ 11, મરઘી અને બતક 80. બીજમાં મુખ્ય વિષાક્ત ઘટક આલ્બુમિન, રિસિન છે. રિસિન કરતાં મંદ વિષાક્ત આલ્કેલૉઇડ રિસિનિન પણ બીજમાં મળી આવે છે, જે શક્તિશાળી એલર્જન તરીકે વર્તે છે. રિસિનનો સમૂહન(agglutination)નો ગુણધર્મ તેના જલીય દ્રાવણને ઉકાળીને ઘટ્ટ બનાવતાં નાશ પામે છે. પોટૅશિયમ પરમૅંગેનેટની ચિકિત્સા આપતાં તે વિષાક્તતા અને પ્રતિજનિક (antigenic) અસર ગુમાવે છે. રિસિન બે ઘટકોનો બનેલો હોય છે. એક ઘટક વિષાક્ત હોવા છતાં રુધિરકણસમૂહન(haemagglutination)ની સક્રિયતા દાખવતો નથી, જ્યારે બીજો ઘટક વિપુલ પ્રમાણમાં રુધિરકણસમૂહ ની સક્રિયતા જ દર્શાવે છે. રિસિનિન (C8H8O2N2; 1-મિથાઇલ-3-સાયનો-4 મિથોક્સિ-2-પાયરિડોન) જલદ્રાવ્ય આલ્કેલૉઇડ છે અને મોટેભાગે બીજાવરણમાં મળી આવે છે. તે પર્ણો અને પ્રકાંડમાં પણ હોય છે. તે સ્વાદે થોડું કડવું હોય છે અને તેનાથી ગળામાં ઉત્તેજના થાય છે.

આયુર્વેદ અનુસાર ધોળો અને રાતા એરંડો એમ એરંડાની બે જાત થાય છે. ધોળો એરંડો તીખો, તીક્ષ્ણ, ગરમ, ગુરુ, મધુર, કટુ, વૃષ્ય, જડ, સ્વાદુ અને સારક છે; તથા વાયુ, ઉદાવર્ત, કફ, તાવ, ઉધરસ, ઉદરરોગ, સોજો, શૂળ, દમ, આનાહવાયુ, કોઢ, વર્ધ્મ (બદ), ગુલ્મ, બરોળ, આમપિત્ત, પ્રમેહ, ઉષ્ણતા, વાતરક્ત, મેદ અને અંડવૃદ્ધિનો નાશ કરે છે. રાતો એરંડો તૂરો, રસકાળે તીખો, લઘુ અને કડવો છે; તથા વાયુ, કફ, દમ, ઉધરસ, કૃમિ, અર્શ, વર્ધ્મ રોગ, રક્તદોષ, પાંડુ, ભ્રાંતિ અને અરુચિનો નાશ કરે છે. બાકીના ગુણ ધોળા એરંડા જેવા છે. બંનેનાં પર્ણો વાતપિત્તને વધારનાર અને મૂત્રકૃચ્છ, વાયુ, કફ અને કૃમિનો નાશ કરે છે. તેના કોમળ અંકુર ગુલ્મ, બસ્તિ શૂળ, કફ, કૃમિ, વાયુ અને સાત પ્રકારના વૃદ્ધિરોગોનો નાશ કરે છે. તેનાં ફળ વાયુ, કફ, પિત્ત અને મૂત્રકૃચ્છનો નાશ કરે છે; વળી રક્તદોષ અને પિત્તને વધારે છે. તેના બીજના ગોળા અગ્નિદીપક, અતિ ઉષ્ણ, તીખા, મીઠા, ખારા, સ્નિગ્ધ, સારક, મતભેદક અને લઘુ છે તેમજ ગુષ્મ, શૂળ, કફ, યકૃત, વાતોદર, પ્લીહા અને વાતાર્શનો નાશ કરે છે. એરંડ તેલ (એરંડિયું) મધુર, સારક, ઉષ્ણ, ગુરુ, રુચિકર, સ્નિગ્ધ અને કડવું છે અને વર્ધ્મ, ઉદરરોગ, ગુલ્મ, વાયુ, કફ, સોજો, વિષમજ્વર અને કમર, પીઠ, પેટ, ગુદાના શૂળનો નાશ કરે છે.

એરંડ તેલથી આંતરડાની શ્લેષ્મકલા મૃદુ બને છે. મળની ગાંઠો ઢીલી થઈને નીચે સરકે છે. એરંડિયાની ક્રિયા ગ્રહણી (આંતરડાનો પ્રારંભનો 12 આંગળ ભાગ) પર વિશેષ રૂપે થાય છે; યકૃત ઉપર બિલકુલ ક્રિયા થતી નથી. એરંડિયું સવારે ખાલી પેટે આપવું જોઈએ; તેમ જ સાથે આદુનો રસ મેળવાય તો વધારે ગુણ કરે છે. આંત્રપુચ્છના રોગમાં શરૂઆતમાં અપાય તો શસ્ત્રક્રિયાની જરૂર રહેતી નથી; અથવા એરંડ તેલ અને હિંગના પાણીની બસ્તિ અપાય તોપણ ઉદરપીડા જાય છે.

વાતરોગમાં એરંડિયું ઉત્તમ ગુણકારી છે. કમરની પીડા, પડખાની પીડા, હૃદયશૂળ, સંધિશોથ, આમવાત, કફશૂળ – આ બધા રોગોમાં સૂંઠની સાથે એરંડિયું અપાય છે તેમજ દર્દવાળા ભાગ પર એરંડિયાની માલિશ કરાય છે. સ્તનો પર ગાંઠ થાય તો તેના ઉપર એરંડિયું ચોળી એરંડાનું પાન બાંધવાથી ગાંઠ વિખેરાઈ જાય છે અને ધાવણ વધારે આવે છે. સ્તનોની ડીંટડીની આસપાસ ચીરા પડ્યા હોય તો એરંડિયું લગાડવાથી ચીરા જલદી મટી જાય છે.

બળદેવભાઈ પટેલ

સરોજા કોલાપ્પન