એમ્બ્લમ બુક

January, 2004

એમ્બ્લમ બુક : પ્રતીકાત્મક ચિત્રોનો સંગ્રહ. ચિત્રો સાથે મુક્તકો અને પદ્યમાં લખાયેલાં વિવરણો તેમ જ ઘણી વખત ગદ્ય ટીકા પણ અપાતાં મૂળ મધ્યકાલીન રૂપકમાળામાંથી ઉદભવેલો આ પ્રકાર ઈસવી સનના સોળમા શતકના ઇટાલીમાં ચિત્રાત્મક-સાહિત્યિક પ્રકાર તરીકે વિકસ્યો અને તે પછી સત્તરમી સદીમાં સમસ્ત યુરોપમાં તે લોકપ્રિય બન્યો હતો. નેધરલૅન્ડમાં આરંભ થયા પછી ઇંગ્લૅન્ડ સહિતના અન્ય દેશોમાં પ્રસરેલો આ આલેખ-વિશેષ, પાર્થિવ અથવા દૈહિક પ્રેમ તેમ જ ધાર્મિક વા દૈવી પ્રેમ – એમ બંને રીતના સંસ્કારપ્રવાહોને ઝીલતો રહ્યો છે. અંગ્રેજીમાં ફ્રાંસિસ કવાર્લ્સનો ‘એમ્બ્લમ્સ’ (1635) નામક સંગ્રહ મુખ્ય છે.

દિગીશ મહેતા