એમ્પસન, વિલિયમ (સર)

January, 2004

એમ્પસન, વિલિયમ (સર) (જ. 27 સપ્ટેમ્બર 1906, હાઉડન, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 15 એપ્રિલ 1984, લંડન) : બ્રિટિશ કવિ અને વિવેચક. વીસમી સદીના અંગ્રેજી વિવેચનસાહિત્ય પર તેમનો પ્રભાવ વિશિષ્ટ ગણાય છે. તેમનું કાવ્યસર્જન બુદ્ધિગમ્ય અને તત્વમીમાંસાથી ભરપૂર છે. કેંબ્રિજની વિંચેસ્ટર કૉલેજ અને મૅગ્ડેલીન કૉલેજમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. ગણિતશાસ્ત્ર અને અંગ્રેજી સાહિત્ય લઈને તેમણે ઉપાધિઓ મેળવી. આઈ. એ. રિચર્ડ્ઝ તેમના ગુરુ હતા. એમ્પસન્સ પોએમ્સ’(1935)નાં કાવ્યો તેમણે કૉલેજના અભ્યાસ દરમિયાન રચેલાં. આ કાવ્યોમાં તેમણે વિજ્ઞાન અને તકનીકી વિષયોની પરિભાષામાં રૂપકો યોજ્યાં છે. માનવજાતની આકારણી કરતી વખતે તેમનો અભિગમ નિરાશાવાદી રહ્યો છે. કવિ જૉન ડનની પ્રબળ અસર તેમનાં કાવ્યોમાં છે. સમકાલીન રાજકીય સંદર્ભો વગરની આ કવિતા આત્મનિમજ્જનની કવિતા બની છે. કવિએ ક્યાંક ક્યાંક સમજૂતી આપી હોવા છતાં આ કાવ્યો દુર્બોધ છે.

‘સેવન ટાઇપ્સ ઑવ્ ઍમ્બિગ્યૂઇટી’ (1930, સંશોધિત આવૃત્તિ : 1953) વીસમી સદીના વિવેચનસાહિત્યનો મહત્ત્વનો ગ્રંથ ગણાય છે. મૂળમાં આ ગ્રંથ તો પોતાના ગુરુ રિચર્ડ્ઝના વિચારોના પૃથક્કરણ સ્વરૂપે લખાયો છે. અર્થની અનિશ્ચિતતા અથવા અર્થની વિવિધ છાયાઓ કવિતા માટે દોષ નહિ, પણ ઘરેણું બને છે એમ તેમનું માનવું છે.

1931થી 1940 સુધી એમ્પસન ‘યુનિવર્સિટી ઑવ્ ટોકિયો’માં અંગ્રેજી સાહિત્યના પ્રાધ્યાપક હતા. ઇંગ્લૅન્ડમાં રહી તેમણે અનેક અધિકરણો, પુસ્તકોની સમાલોચનાઓ અને કાવ્યો લખેલાં. પાછળથી તેઓ ચીનમાં બેજિંગ નૅશનલ યુનિવર્સિટીમાં જોડાયા હતા. ચીન-જાપાન યુદ્ધ સમયે અન્ય પ્રાધ્યાપકોની સાથે ચીનના અંતરિયાળ પ્રદેશમાં જઈને અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન ચાલુ રાખેલું. ‘ધ ગૅધરિંગ સ્ટૉર્મ’ (1940), ‘કલેક્ટેડ પોએમ્સ’ (1949; સંવર્ધિત આવૃત્તિ 1955) તેમના નોંધપાત્ર કાવ્યસંગ્રહો છે.

બી.બી.સી.માં દ્વિતીય વિશ્વયુદ્ધ વેળાએ તેમણે ચીન માટેના વૃત્તાંતનિવેદકની ફરજ બજાવેલી. બેજિંગ નૅશનલ યુનિવર્સિટીમાં 1947થી 1952 સુધી પુન: પ્રાધ્યાપક તરીકે નિમાયા હતા. 1948, 1950 અને 1954માં ઓહાયોના ગૅંબિયરની કેનિયન કૉલેજમાં ઉનાળુ પાઠ્યક્રમો ભણાવેલા અને તેમનાં વ્યાખ્યાનોમાં એમ્પસન અને રિચર્ડ્ઝના નવ્યવિવેચન(new criticism)ના પાયા બંધાયેલા. અમેરિકાની શેફીલ્ડ યુનિવર્સિટીમાં 1953થી 1971 (છેલ્લે પ્રોફેસર ઇમેરિટસ તરીકે) અધ્યાપન કરેલું. 1979માં બ્રિટને તેમને ‘સર’નો ઇલકાબ આપી નવાજેલા.

‘સમ વર્ઝન્સ ઑવ્ પૅસ્ટોરલ’ (1935) તથા અમેરિકામાં ‘ઇંગ્લિશ પોએટ્રી’(1938)ના શીર્ષકથી પ્રસિદ્ધ થયેલ ‘ધ સ્ટ્રક્ચર ઑવ્ કૉમ્પ્લેક્સ વર્ડ્ઝ’(1951)માં પોતાના વિવેચનની વિભાવનાને તેમણે સ્પષ્ટ કરી આપી છે. પાછળના તેમના વિવેચન વિશેના વિચારો ‘મિલ્ટન્સ ગૉડ’(1961)માં પ્રસિદ્ધ થયા હતા. ‘યુઝિંગ બાયૉગ્રાફી’ (1984) તેમના વિવેચનાત્મક નિબંધોનું મરણોત્તર પ્રકાશન છે.

મહેશ ચોકસી

વિ. પ્ર. ત્રિવેદી