એપિસોમ : બૅક્ટેરિયામાં આવેલું બહિરંગસૂત્રીય જનીનિક તત્વયુક્ત દેહકણ (plasmid). સૌપ્રથમ જૅકૉબ અને વૉલમેને (1958) Escherichia coli નામના બૅક્ટેરિયમમાં તેનું સંશોધન કર્યું. E. coliમાં આવેલ F-કારક અને ફેઝ l જેવી DNA ધરાવતા કણો માટે તેમણે ‘એપિસોમ’ નામ આપ્યું. બૅક્ટેરિયાના સામાન્ય રંગસૂત્ર ઉપરાંતનું તે વધારાનું જનીનદ્રવ્ય છે. તે બૅક્ટેરિયલ વિકૃતિ દ્વારા ઉત્પન્ન થતું નથી, પરંતુ બહારથી પ્રવેશ પામે છે. બૅક્ટેરિયામાં એપિસોમનો પ્રવેશ ચેપી (infectious) છે અને તે કાં તો સંયુગ્મન દ્વારા કોષસંપર્ક વડે કે બહિર્કોષીય વાઇરલ કણો દ્વારા પ્રવેશે છે. F-કારક લગભગ 30 માઇક્રોન લાંબા વર્તુલાકાર દ્વિકુંતલમય DNAનો બનેલો હોય છે અને લગભગ એક લાખ જેટલી ન્યૂક્લિયોટાઇડની જોડ ધરાવે છે. બૅક્ટેરિયલ રંગસૂત્ર તેનાથી લગભગ 40 ગણું મોટું હોય છે. તે બૅક્ટેરિયાના રસસ્તર (plasma membrane) સાથે ચોંટેલું હોય છે અથવા તેનું રંગસૂત્ર સાથે વિલયન (integration) થયેલું હોય છે. આમ તે સ્વાયત્ત હોય છે. અન્ય ઉદાહરણોમાં એફ-ઘટક, આર.ટી.એફ. (resistance transfer factor), કોલ પ્લાસ્મિડ અને પેનિસિલિનેઝ પ્લાસ્મિડ છે. હવેનાં વર્ષોમાં ‘એપિસોમ’ શબ્દને બદલે ‘પ્લાસ્મિડ’ શબ્દ વપરાય છે. તે યજમાન રંગસૂત્રની બહાર આવેલું કોઈ પણ સ્વપ્રજનન કરી શકતું કોષીય તત્ત્વ છે. તેનું વિલયન યજમાન રંગસૂત્ર સાથે થાય કે ન પણ થાય.

બૅક્ટેરિયાના રસસ્તર સાથે સંકળાયેલા એપિસોમ ધરાવતા કોષોને F+ કહે છે; જ્યારે રંગસૂત્ર સાથે વિલયન પામેલા એપિસોમ ધરાવતા કોષોને Hfr (high frequency) કહે છે. કોષના સંયુગ્મન (conjugation) દરમિયાન એપિસોમ ધરાવતા બૅક્ટેરિયાનું વર્તન નર તરીકેનું હોય છે. આવા કોષોનું સંયુગ્મન એપિસોમ વગરના ‘F કોષો’ તરીકે ઓળખાતા કોષો સાથે થાય છે. આ પ્રકારના સંયુગ્મનમાં F+ દાતા કોષો અને F ગ્રાહક કોષો ગણાય છે. E. coli, Salmonella અને Pseudomonas જેવા બૅક્ટેરિયામાં આ પ્રકારનું સંયુગ્મન જોવા મળે છે.

એપિસોમના મોટા ભાગના પુરાવાઓ ફક્ત બૅક્ટેરિયાના અભ્યાસ પરથી પ્રાપ્ત થયા છે. આવી જ રચનાઓ ડ્રોસોફિલા નામની ફળમાખી અને મકાઈમાં જોવા મળી છે. રંગસૂત્રોમાં રંગસૂત્રકેન્દ્ર (centromere) અને તારાકેન્દ્ર (centriole) પોતે જ એપિસોમ હોય અથવા એપિસોમમાંથી ઉત્પન્ન થયાં હોય.

એપિસોમની બીજી સામૂહિક રચનાઓને આર. ટી. એફ. કહે છે. તે પોષક કોષોમાં રોગપ્રતિકારક તરીકે પુરવાર થઈ છે.

ઓમપ્રકાશ સક્સેના

અનુ. અનિલ પંડ્યા

હરિવદન હીરાલાલ પટેલ