એચેબૅ, ચિનુઆ (જ. 16 નવેમ્બર 1930, ઑગિડી, નાઇજિરિયા; અ. 21 માર્ચ 2013, બૉસ્ટન, માસાચુસેટસ, યુ. એસ.) : નામાંકિત નવલકથાકાર. તેમણે ઇબાદન યુનિવર્સિટી કૉલેજમાંથી 1953માં અંગ્રેજી સાથે સ્નાતકની પદવી મેળવી. 1954માં તેમણે પ્રસારણ-સેવાની કારકિર્દી અપનાવી, અને વિદેશ પ્રસારણ વિભાગના નિયામક બન્યા.

1967-70ના નાઇજિરિયાના આંતરવિગ્રહ દરમિયાન તેઓ બિયૅફ્રાની સરકારની નોકરીમાં હતા. ત્યારબાદ તેમણે અમેરિકાની અને નાઇજિરિયાની યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય કર્યું. સાથોસાથ તેમણે કેવળ અંગ્રેજી ભાષામાં લેખનકાર્ય કર્યું. તેમની નવલકથાઓ દ્વારા તેઓ ખ્યાતિ પામ્યા.

1958માં તેમની પ્રથમ નવલકથા ‘થિંગ્સ ફૉલ ઍપાર્ટ’ પ્રગટ થઈ હતી. તેમાં રુઢિચુસ્ત ઈબૉ સમાજનું લાગણીવેડા કે ભાવનાવિવશતા વિનાનું તાર્દશ આલેખન કરાયું છે. આ કૃતિએ આફ્રિકન સાહિત્યમાં નવો સૂર અને નવી તાઝગી પ્રગટાવ્યાં. તે કથા 40 ઉપરાંત ભાષાઓમાં અનૂદિત થઈ છે. તેમની અન્ય ઉલ્લેખનીય કૃતિઓમાં ‘એરો ઑવ્ ગૉડ’ (1964); ‘ઍન્ટહિલ્સ ઑવ્ સેવન્ના’ (1989) જે ‘બૂકર પ્રાઇઝ’ માટેની યાદીમાં સામેલ હતી, તેમજ ‘એ ટ્રિબ્યૂટ ટુ જેમ્સ બાલ્ડવિન’(1989)નો સમાવેશ થાય છે.

તેમણે ટૂંકી વાર્તાઓ, કાવ્યો અને બાળસાહિત્યનું સર્જન કર્યું છે. યુદ્ધ દરમિયાનના અનુભવોના આધારે પ્રગટ થયેલો તેમનો નિબંધસંગ્રહ ‘બિવૅર સોલ બ્રધર’ (1971) ખૂબ જાણીતો છે. અગ્રગણ્ય આફ્રિકન નવલકથાકાર તરીકે તેમને અનેક પારિતોષિક પ્રાપ્ત થયાં છે.

કૃષ્ણવદન જેટલી

મહેશ ચોકસી