એકેગરે ઓજ (જ. 19 એપ્રિલ 1832, મેડ્રિડ, સ્પેન; અ. 4 સપ્ટેમ્બર 1916 મેડ્રિડ, સ્પેન) : પોતાના પૂરા નામ ઓજ એકેગરે ઈ એકેગરે(Jose Echegaray Y Echegaray)ના પ્રથમ બે શબ્દોથી સ્પેનના સાહિત્યમાં ખૂબ જાણીતા બનેલા નાટ્યકાર. જીવનના આરંભનાં વર્ષોમાં એ ઇજનેરીના વિદ્યાર્થી હતા અને થોડો સમય તેમણે આલ્મેરિયા અને ગ્રેનેદામાં ઇજનેર તરીકે કામ પણ કરેલું. પછીથી એમણે મેડ્રિડ યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી. આ ઉપરાંત એમણે પોતાના સુદીર્ઘ આયુકાળમાં અન્ય અનેક કામગીરીઓ અને પ્રવૃત્તિઓ કરેલી. પોતાના દેશના રાજકારણમાં એમણે સક્રિય ભાગ લીધેલો અને શિક્ષણ, કૃષિ, ઉદ્યોગ અને નાણાખાતાના પ્રધાન તરીકેની ફરજો બજાવેલી. 1873માં રાજકીય કારણોસર એમને દેશનિકાલ કરવામાં આવેલા.

એકેગરે ઓજ

ગઈ સદીના સ્પૅનિશ સાહિત્યમાં લગભગ ત્રણ દશકા સુધી એ છવાઈ ગયા હતા. એમણે પોતાની લેખનકારકિર્દીનો આરંભ માત્ર શોખ ખાતર જ કરેલો. પરંતુ એમની જાજરમાન પ્રતિભાએ એમને થોડા સમયમાં જ સ્પેનના મહત્વના નાટ્યકાર તરીકે પ્રસ્થાપિત કરી દીધા.

‘ધી ઇલિજિટિમેટ ડૉટર’ (1865) એ તેમનું પ્રથમ નાટક, પણ ઉપનામથી લખાયેલ ‘બુક ઑવ્ એકાઉન્ટ્સ’ (1874) એ તેમનું પ્રથમ મહત્વનું નાટક લેખાય છે. ‘ધ લાસ્ટ નાઇટ’ (1874) અને ‘ધ ઍવેન્જર્સ વાઇફ’ (1874) જેવાં નાટકોમાં નવ્ય રોમૅન્ટિક પરંપરા જળવાઈ રહે છે. તેના પગલે પગલે આવે છે  ‘ધી સ્વૉડ્ઝ હૅન્ડલ’ (1874) તથા તેમની ઉત્તમ કૃતિ મનાતું ‘મૅડમૅન ઑર સૅન્ટ’ (1877) તથા ‘ધ સ્ટેક ઍન્ડ ધ ક્રૉસ’ (1877) અને ‘કૉન્ફિલ્કટ ઑવ્ ડ્યૂટીઝ’.

ઇબ્સનનો પ્રભાવ ઝીલીને લખાયેલાં નાટકોમાં ‘ધ ગ્રૅન્ડ ગૅલિયૉટો (1881); તેમની સૌથી સફળ કૃતિ ‘ટુ ફૅનેટિસિઝમ્સ’ (1887); ‘સન ઑવ્ ડૉન જુઆન’ (1892), ‘ધ મૅડ ગૉડ’ (1900) મુખ્ય છે. ‘ડાઉટ’, ‘ધ સ્પિગમૅટા’, ‘સ્પૉટ ધૅટ ક્લિન્સ’, ‘ધ ડિસ્ટર્બ્ડ વુમન’ (1904), ‘બાઇ ડિન્ટ ઑવ્ ક્રૉલિંગ’ (1995), ‘ડેથ ઑન ધ લિપ્સ’ એ તેમની અન્ય નાટ્યકૃતિઓ છે. તેમનાં અન્ય લખાણોમાં લેખો, વિજ્ઞાન વિશેના લોકભોગ્ય નિબંધો, ‘સાયન્ટિફિક વલ્ગેરિઝેશન, (1910) અને સંસ્મરણોનો સમાવેશ થાય છે.

1904માં એમને એમના નાટ્યસાહિત્ય માટે ફ્રાન્સના સર્જક ફ્રેદેરિ મિસ્રાલ સાથે નોબેલ પારિતોષિક એનાયત થયું અને ફરી સૌનું ધ્યાન એમના તરફ દોરાયું.

એમની ભાવના અને વિચારણાની વાહક પાત્રસૃષ્ટિ સાથે સુગ્રથિત વસ્તુસંયોજના લઈ આવતી એમની નાટ્યકૃતિઓએ સ્પૅનિશ નાટકની રોમૅન્ટિક પરંપરાનું પુનર્વિધાન કર્યું છે. સ્પેનના તે પ્રથમ નોબેલ પુરસ્કારવિજેતા સાહિત્યસર્જક છે.

ધીરુ પરીખ