એઇડ્ઝ

(acquired immuno-deficiency syndrome-AIDS)

માનવપ્રતિરક્ષા-ઊણપકારી વિષાણુ(human immuno deficiency virus, HIV)ના ચેપથી થતો રોગનો છેલ્લો તબક્કો. AIDSઉપાર્જિત પ્રતિરક્ષા ઊણપ સંલક્ષણનું અંગ્રેજી મૂળાક્ષરોથી બનાવેલું સંક્ષિપ્ત નામ છે. શરીરની ચેપજન્યરોગોનો પ્રતિકાર કરનાર તંત્રને પ્રતિરક્ષા તંત્ર (immune system) કહે છે. તેવી ક્ષમતાને પ્રતિરક્ષા (immunity) કહે છે. તે 2 પ્રકારની છે : રસાયણો દ્વારા થતી પ્રતિરક્ષા અને કોષો દ્વારા (કોષવાહી, પ્રતિરક્ષા). અગાઉ કોષવાહી પ્રતિરક્ષા(cell-mediated)ની ઊણપનું કોઈ જાણીતું કારણ ન હોય તેવા સંજોગોમાં થતા સંજોગપ્રાપ્ત (opportunistic) ચેપનો ઉપદ્રવ માલૂમ પડતાં AIDSનું નિદાન થતું. 1984માં HIVને AIDSનો કારણરૂપ વિષાણુ હોવાનું દર્શાવાયું હોવા છતાંય અને તેના પછી થતી અસ્વસ્થતા, આનુષંગિક ચેપ, ગાંઠ કે ચેતાતંત્રીય રોગની પૂરતી સમજ છતાંય AIDSની એક ચોક્કસ વ્યાખ્યા કરવાને બદલે તેને HIV સંબંધિત રોગના એક તબક્કા રૂપે સમજવાનું સૂચવાય છે. HIVનો ચેપ લાગ્યા પછી 23 મહિને તેની નિદાન-કસોટીઓ દ્વારા HIV સામેના પ્રતિદ્રવ્યોનો નિર્દેશ કરી શકાય છે, 8થી 10 વર્ષે તેનાં ચિહ્નો અને લક્ષણો એઇડ્ઝ-સંબંધિત લક્ષણસંકુલ (AIDS-related complex) રૂપે સ્પષ્ટ થાય છે અને તે પછીનાં 23 વર્ષે એઇડ્ઝનો છેલ્લો તબક્કો જોવા મળે છે. જોકે લોહી કે લોહીનાં ઘટકો દ્વારા ફેલાયેલ HIVનો ચેપ ઝડપથી ARC અને AIDSમાં પરિણમે છે. સન 1993માં એઇડ્ઝની વ્યાખ્યામાં સુધારો કરવામાં આવેલો હતો. પુખ્ત કે યુવાન વયની HIVનો ચેપ ધરાવતી બધી જ વ્યક્તિઓનો તેમાં સમાવેશ કરાયો હતો. તે ઉપરાંત એવું દર્શાવાયું હતું કે CD4+T કોષોની સંખ્યા 200/ઘનમિલિ.થી ઓછી હોય તો ન્યૂમોસિસ્ટિસ કેરિનાઈ નામના ચેપ સામેનો પ્રતિરોધ (પૂર્વનિવારક ઉપચાર, prophylaxis) પણ કરવો. આ ઉપરાંત ફેફસાંનો ક્ષયરોગ, વારંવાર થતો જીવાણુજન્ય ન્યુમોનિયા તથા ગર્ભાશયગ્રીવા(મુખ)ના આક્રમક કૅન્સરને પણ એઇડ્ઝ-સૂચક વિકારોની યાદીમાં સમાવિષ્ટ કરાયા છે.

આકૃતિ 1

કારણવિદ્યા (aetiology) : HIV એક લેન્ટીવિષાણુ જૂથનું નિવર્તનીયક-વિષાણુ (retrovirus) છે (આકૃતિ 1). માણસને અસરગ્રસ્ત કરતા ચાર નિવર્તનીયક-વિષાણુઓનાં 2 જૂથ છે : (અ) માનવ ટી-લસિકાપોષ્ય (અથવા રુધિરકૅન્સરી) વિષાણુઓ I અને II (human T-lymphotrophic or leukaemia virus I અને II, HTLV I અને II) તથા (આ) HIV1 અને HIV2. વિશ્વભરમાં એઇડ્ઝનું કારણ HIV1 છે; જ્યારે પશ્ચિમી આફ્રિકામાં HIV2નો ઓછો વ્યાધિકારક (pathogenic) ચેપ જોવા મળે છે.

HIV 120થી 250 નેનોમિટર વ્યાસનો RNAની એક શૃંખલાના બનેલા મધ્યદળ(core)વાળો વિષાણુ છે. તેના મધ્યદળ અથવા જનીનકાય(genome)માં નિવર્તનીય લિપ્યંતરક (reverse transcriptase) નામનો ઉત્સેચક, મધ્યદળનું પ્રોટીન અને આવરણ બનાવતા ગ્લાયકોપ્રોટીનો છે. તેનાં અન્ય જનીનો HIVના વિષાણુઓનું ઉત્પાદન, ચેપકારકતા અને સ્વયંજનન(replication)નું નિયંત્રણ કરે છે. જનીનોના દરેક છેડાને અંતે નિયમનકારી શૃંખલાઓ છે. T4 લસિકાકોષમાં પ્રવેશ્યા પછી વિષાણુ તેની કોષરુગ્ણક (cytopathic) અસરોને કારણે તેનું મૃત્યુ નિપજાવે છે. HIV એ કોષાંતરીય પરોપજીવી છે.

રૉબર્ટ ગેલો અને લુક મૉન્તેનિયર (એઇડ્ઝનો વિષાણુ શોધનાર વૈજ્ઞાનિકો)

રૉબર્ટ ગેલો તથા લુક મૉન્તેનિયર(આકૃતિ 1)ને અલગ અલગ સંશોધન દ્વારા એઇડ્ઝનો વિષાણુ શોધનારા ગણવામાં આવે છે. 1970માં ગેલોએ માણસના રુધિર કૅન્સરના કોષોમાં નિવર્તનીય લિપ્યંતરક દર્શાવ્યો અને 1980માં HTLV2 પણ શોધ્યો. તેમને અનેક પારિતોષિકોથી નવાજવામાં આવ્યા છે. તેઓ એઇડ્ઝના વિષાણુને HTLV જૂથનો માનતા અને તેનું 1984માં નિદર્શન કરીને તેને HTLV3 કહ્યો. આ અગાઉ 1983માં ફ્રાન્સની પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ એઇડ્ઝનો વિષાણુ શોધ્યો, તેનું સંવર્ધન કર્યું, તેનો જનીની નકશો તૈયાર કર્યો તથા તેને લસિકાગ્રંથિવર્ધન-સંબંધિત વિષાણુ(lymphodenupathy-associated virus, LAV)નું નામ આપ્યું. તેમણે ગેલોની કરતાં પહેલાં એઇડ્ઝના વિષાણુ સામેનાં પ્રતિદ્રવ્યોનું નિદર્શન કરતી કસોટી તૈયાર કરીને તેના પેટન્ટ માટે અરજી પણ કરી.

પોતાને એઇડ્ઝના વિષાણુ વિશે 2 વર્ષ અગાઉથી માહિતી હતી એવું જાહેર કરીને ગેલોએ વિવાદ સર્જ્યો. કાયદાકીય સંઘર્ષ શરૂ થયો; પરંતુ 1987ના માર્ચની 23મી તારીખે ગેલો અને મૉન્તેનિયરે ફ્રૅન્કફર્ટની એક હૉટલમાં મળીને એઇડ્ઝના વિષાણુની શોધના સન્માન માટે સહભાગીદારી સ્વીકારી. ત્યારબાદ HTLV3 અથવા LAVને બદલે HIVના નામથી ઓળખવામાં આવે છે. આ વિવાદ અને સમાધાનનું એટલું તો મહત્ત્વ થઈ પડ્યું હતું કે 1987ના માર્ચની 31મી તારીખે વૉશિંગ્ટનમાં યુ.એસ.ના પ્રમુખ રોનાલ્ડ રીગન તથા ફ્રાન્સના વડાપ્રધાન જેક શિરાકે (Jacques Chirac) એક સમારંભમાં HIVની શોધ અંગેની સંયુક્ત સહમતીની જાહેરાત કરી.

ફેલાવો : તેના વર્ષ દરમિયાન નવા ઉમેરાતા દર્દીઓનો વસ્તીમાંનો દર (incidence) તથા વર્ષ દરમિયાન બધા જ નવા અને જૂના હયાત દર્દીઓનો વસ્તીમાંનો દર (prevalence) વધતો રહ્યો છે. યુ.એસ.માં 1981ના ઉનાળામાં 31 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે 1990ના મધ્યમાં આશરે 1,22,000 વ્યક્તિઓ તે રોગની અસર નીચે હતી. સન 1995માં આંકડો વધીને 5,01,310 થયો જેમાં 99 % (4,94,493) વ્યક્તિઓ યુવાન અથવા પુખ્ત વયની હતી. ત્યારે 3,11,381 વ્યક્તિના મૃત્યુનું કારણ એઇડ્ઝ હતો. તેમાં મૃત્યુદર 62 % જેટલો હતો, જેમાંના 60 % પ્રથમ 3 વર્ષમાં અને 90 % પ્રથમ 8 વર્ષમાં મૃત્યુ પામ્યા હતા. એઇડ્ઝનો હાલ વિશ્વવ્યાપી રોગચાળો (epidermic) ચાલે છે અને લગભગ દરેક દેશમાં તેના દર્દીઓ નોંધાયા છે. મુખ્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં યુ.એસ., પશ્ચિમ યુરોપ, મધ્ય-આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં મુખ્યત્વે બ્રાઝિલ તથા કૅનેડાનો સમાવેશ થાય છે.

તે લૈંગિક (sexual) સંસર્ગ દ્વારા ફેલાય છે; તેથી ઉપદંશ (syphilis) તથા જનનાંગો પરનાં ચાંદાં(ulcer)વાળા દર્દીમાં તેનું પ્રમાણ વધુ હોય છે. લોહી, લોહીના ઘટકો તથા દૂષિત (contaminated) સોય દ્વારા નસોમાં અપાતી એટલે કે શિરામાર્ગી (intravenous) દવાઓ ચેપનું વહન કરે છે. 30 %થી 40 % કિસ્સાઓમાં HIV- ચેપગ્રસ્ત માતાના ગર્ભમાં તેનો ચેપ ફેલાય છે. તેવી જ રીતે તે સ્તન્યપાની માતાના દૂધ દ્વારા શિશુમાં પણ પ્રવેશે છે. મચ્છર કે જંતુના ડંખ કે સાહજિક સંસર્ગથી તે ફેલાતો નથી. યુ.એસ.માં ઉપલબ્ધ આંકડાઓ પ્રમાણે 60 % દર્દીઓ સજાતીય (homosexual) કે વિજાતીય લૈંગિક સંસર્ગવાળા, 27 % દર્દીઓ શિરામાર્ગી ઇન્જેક્શન દ્વારા નશીલી દવાઓ લેનારા તથા 1 % દર્દીઓ માતૃપક્ષી રુધિરસ્રાવતા(haemophilia)ને કારણે વારંવાર લોહી કે લોહીના ઘટકો મેળવનારા હોય છે. બાકીના 2 % દર્દીઓમાં લોહી/લોહીના ઘટકો મેળવનારા અન્ય દર્દીઓ હોય છે. ફક્ત 5 % કિસ્સામાં અન્ય લિંગની રોગગ્રસ્ત વ્યક્તિ સાથેના લૈંગિક સંસર્ગથી ચેપ લાગ્યો હતો. સજાતીય સંસર્ગવાળી વ્યક્તિઓમાં તેનું પ્રમાણ ઘણું ઊંચું છે. હાલમાં લૈંગિક સંસર્ગ કરતાં દૂષિત ઇન્જેક્શન-સોયને કારણે તેના ચેપનો ફેલાવો વધ્યો હોવાથી તેનો વ્યાપ ઝડપથી વધવા માંડ્યો છે. 13 વર્ષથી નાના 80 % દર્દીઓને આ રોગ તેમની માતા પાસેથી મળેલો હોય છે, જ્યારે 16 % લોહી કે લોહીના ઘટકો દ્વારા ફેલાયેલો હોય છે. યુ.એસ.માં સજાતીય લૈંગિક સંસર્ગવાળી વ્યક્તિઓમાં તથા નશીલી દવાઓ વાપરનારામાં તેનો નવસંભાવ્ય દર (incidence) વધતો રહ્યો છે. જ્યારે લોહી/લોહીના ઘટકો મેળવતી વ્યક્તિઓમાં આ દર સ્થાયી સ્થિતિ પર પહોંચ્યો છે. હાલ દર 40,000થી 2,50,000 લોહીની બૉટલોમાંથી કોઈ એક દ્વારા તેનો ચેપ ફેલાવાની શક્યતા રહે છે. ગુજરાતમાં વિવિધ રુધિર-બૅંકો લોહીની દરેક બૉટલનું વિતરણ કરતાં પહેલાં HIVના ચેપ અંગેનું પરીક્ષણ કરે છે. ચેપગ્રસ્ત લોહી કે લોહીના ઘટકો મેળવતા લગભગ બધા જ દર્દીઓને HIVનો ચેપ લાગે છે. ઇન્જેક્શન-સોય કે લૈંગિક સંસર્ગથી ફેલાતો ચેપનો દર ઓછો રહે છે. લૈંગિક સંસર્ગ દ્વારા પુરુષોમાંથી સ્ત્રીઓમાં તેનો ફેલાવો વધુ રહે છે, જ્યારે સ્ત્રીઓમાંથી પુરુષોમાં તેનો ફેલાવો પ્રમાણમાં ઓછો રહે છે.

ઉત્તર-પૂર્વ ભારતમાં નસ દ્વારા લેવાતી દવાના વ્યસનીઓમાં તેનું પ્રમાણ વધારે છે; જ્યારે ભારતના અન્ય ભાગોમાં મુખ્યત્વે વેશ્યાઓ અને કૉલગર્લના સંસર્ગમાં લાવતી વ્યભિચારિતા(promiscuity)થી અને પૂર્વતપાસણી ન કરાઈ હોય એવું લોહી ચઢાવવાથી HIVના ચેપનો ફેલાવો થાય છે. સગર્ભા સ્ત્રીઓમાં હાલ તેનું પ્રમાણ ઓછું છે પરંતુ હિમોફિલિયા અને થેલેસિમિયાના બાળદર્દીઓને વારંવાર લોહીના ઘટકો આપવાની જરૂરિયાતને કારણે તેમનામાં તેનું જોખમ વધુ રહે છે. ભારતમાં એઇડ્ઝના ફેલાવાની શરૂઆતની તવારીખી સારણી 1માં આપી છે :

સારણી 1 : ભારતમાં એઇડ્ઝની શરૂઆતની તવારીખી

સમયગાળો સૌપ્રથમ બનતો પ્રસંગ
એપ્રિલ, 1986 ચેન્નઈની 10 વેશ્યાઓનાં જૂથોમાં HIV-પ્રતિદ્રવ્યોનું
નિર્દેશન
મે, 1986 એઇડ્ઝના છેલ્લા તબક્કાનો પ્રથમ દર્દી મુંબઈમાં નોંધાયો.
(યુ.એસ.માં અપાયેલા લોહી દ્વારા ફેલાયેલો ચેપ)
ડિસેમ્બર, 1986 તમિલનાડુના જાતીય રોગોના નિદાન સારવાર કેન્દ્રમાં
HIV-પ્રતિદ્રવ્ય ધરાવતો પુરુષ નોંધાયો
જુલાઈ, 1987 વેલોરમાં HIV-પ્રતિદ્રવ્ય ધરાવતો સૌપ્રથમ રક્તદાતા
નોંધાયો. તેની જ પત્નીમાં HIVનો રોગ ફેલાયેલો નોંધાયો.
(પતિ-પત્નીમાં નોંધાયેલો ચેપનો ફેલાવો)
ઑક્ટોબર, 1987 તેમના જ નવજાત બાળકમાં HIV-પ્રતિદ્રવ્યનું નિર્દેશન
થયું
એપ્રિલ, 1988 કોઈ ભારતીયમાં ભારતમાં જ પ્રાપ્ત ચેપથી HIV રોગનાં
લક્ષણો જોવાયાં
જાન્યુઆરી, 1989 ભારતમાં બનેલા લોહીના ઘટકમાં HIV-પ્રતિદ્રવ્યો
હોવાની સાબિતી. લોહીના ઘટકો બનાવતી કંપનીઓના
રક્તદાતાઓમાં HIV ચેપનું ઘણું મોટું પ્રમાણ છે તેનો
નિર્દેશ
જાન્યુઆરી, 1990 ઉત્તર-પૂર્વ ભારતમાં નસ દ્વારા દવા લેવાની
વ્યસનાસક્તિવાળી વ્યક્તિઓના જૂથમાં HIV-
પ્રતિદ્રવ્યોનું નિર્દેશન

વિશ્વભરમાં જૂન, 1995 સુધીમાં HIV ચેપ ધરાવતા દર્દીઓની નોંધાયેલી સંખ્યા 185 લાખ જેટલી થયેલી હતી, જેમાંના 45 લાખ  દર્દીઓને એઇડ્ઝ થયેલો હતો.

સારણી 2માં વિશ્વના વિવિધ ભાગોમાં HIVનો ચેપ લાગવાનાં વિવિધ કારણોની સંખ્યાત્મક તુલના આપેલી છે. અમેરિકામાં 1981માં એઇડ્ઝનો પ્રથમ દર્દી નોંધાયો. ત્યારબાદ વિશ્વમાં એક વાવડ રૂપે ફેલાતો રહ્યો છે. હાલ એક અંદાજ પ્રમાણે દરરોજ 16,000 વ્યક્તિઓને તેનો ચેપ લાગે છે. સન 1999માં WHO/UNAIDSના અંદાજ મુજબ વિશ્વમાં 336 લાખ દર્દીઓ અને 163 લાખ મૃત્યુનું કારણ એઇડ્ઝ હતું.

સારણી 2 : વિશ્વના વિવિધ ભાગોમાં HIVનો ચેપ લાગવાનાં કારણોની સંખ્યાત્મક તુલના (ટકામાં)

ક્રમ ભૌગોલિક
વિસ્તાર
વિજાતીય
લૈંગિક વ્યવહાર
સજાતીય
લૈંગિક વ્યવહાર
લોહી
ચડાવવાથી
નસ વાટે (નશાકારક)
દવાઓ લેવાથી
અન્ય અથવા
અજ્ઞાત
કુલ
1 ઉત્તર અમેરિકા 10 56 2 27 5 100
2 પશ્ચિમ યુરોપ 14 47 2 33 4 100
3 પૂર્વ યુરોપ 10 80 2 5 3 100
4 દક્ષિણપૂર્વ ભૂમધ્ય પ્રદેશ 26 35 18 22 5 100
5 લૅટિન અમેરિકા 24 54 6 11 5 100
6 કેરેબિયન 75 10 5 9 1 100
7 સબ-સહારા-આફ્રિકા 93 <1 4 <1 1 100
8 ઉત્તરપૂર્વ એશિયા 50 20 10 20 0 100
9 દક્ષિણપૂર્વ એશિયા 70 8 6 14 2 100
10 ઓશિયાના 6 87 2 3 2 100

જાણકારીનો વ્યાપ અને યોગ્ય પ્રતિરોધાત્મક (prophylactic) પગલાંને કારણે અમેરિકામાં HIVનો ચેપ લાગવાનાં કારણોનું પ્રમાણ બદલાવા પામ્યું છે. (સારણી 3)

સારણી 3 : સન 198187 અને 1994માં અમેરિકામાં HIVના ચેપનાં કારણોમાં આવેલો બદલો

કારણવિદ્યાલક્ષી  પરિબળો ફેરફાર % તફાવત
જૂથ પરિબળ    
1 લિંગ પુરુષ ઘટ્યો છે. 11
સ્ત્રી વધ્યો છે. + 126
2 ઉંમર 30થી 39 વર્ષ સમાન. ± 0
3 જાતિ અમેરિકન શ્વેત ઘટ્યો છે. 31
અમેરિકન નિગ્રો વધ્યો છે. + 54
4 સંક્રમણ ઇન્જેક્શન વધ્યો છે. + 57
(infection) વિજાતીય સંબંધ વધ્યો છે. + 312
પદ્ધતિ સજાતીય સંબંધ ઘટ્યો છે. 32
સંભવિત જાતીય સંબંધ વધ્યો છે. + 271
માતૃપક્ષી રુધિરસ્રાવિતા
(haemophilia)
 
ઘટ્યો છે.
 

40

રુધિરપ્રતિસરણ (blood
transfusion)
 
ઘટ્યો છે.
 

62

5 માતામાંથી
ગર્ભમાં સંક્રમણ
 
સમાન
 

± 0

ભારતમાં એઇડ્ઝ : ભારતમાં HIV-પ્રતિદ્રવ્ય ધરાવતી વ્યક્તિઓનું વર્ગીકરણ સારણી 4માં દર્શાવ્યું છે :

સારણી 4 : ભારતમાં HIV-પ્રતિદ્રવ્ય ધરાવતી વ્યક્તિઓનું વર્ગીકરણ

(October, 1985થી 31 October, 1990)

ક્રમ જોખમગ્રસ્ત જૂથ પુરુષો સ્ત્રીઓ કુલ
1. વિજાતીય વ્યભિચારીઓ 777 1,291 2,068
2. સજાતીય લૈંગિક સંસર્ગ 6 0 6
3. રક્તદાતાઓ 657 3 660
4. પારગલન(dialysis)વાળા દર્દીઓ 6 0 6
5. સગર્ભા સ્ત્રીઓ 10 10
6. લોહી/લોહીના ઘટકો મેળવતા દર્દીઓ 57 7 64
7. નસ દ્વારા દવા લેતી
વ્યસનાસક્ત વ્યક્તિઓ 834 27 861
8. AIDSના દર્દીનાં સગાંઓ 13 20 33
9. શંકાસ્પદ ARC કે AIDSના
દર્દીઓ
 

30

 
10

40

10. અન્ય 159 43 202
સરવાળો (અ) 2,539 1,411 3,950
11. પરદેશી વિદ્યાર્થીઓ 71 14 85
અન્ય 36 11 47
સરવાળો (આ) 107 25 132
કુલ (અ + આ) 2,646 1,436 4,082

ભારતમાં ICMR દ્વારા ઑક્ટોબર, 1985માં HIV-પ્રતિદ્રવ્યધારીઓને શોધી કાઢવાનો કાર્યક્રમ ઘડી કઢાયો હતો અને 1986 સુધીમાં 43 કેન્દ્રો અને પાંચ વિશિષ્ટ તપાસકેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં હતાં. 1987માં 4 મહાનગરોમાં રક્તદાતાઓની સમૂહ પ્રારંભિક તપાસણી (screening) શરૂ કરાવી હતી. 1990માં વધુ કેન્દ્રો સ્થાપીને તેને જિલ્લા કક્ષા સુધી લઈ જવાઈ છે. ભારત સરકાર તથા રાજ્ય સરકારોનાં આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ ખાતાં દ્વારા ભારતમાં હાલ 10 જેટલાં કેન્દ્રો એઇડ્ઝના દર્દીની સારવાર માટે, તબીબી અને પરાતબીબી તાલીમ માટે અને સંશોધન માટે સ્થપાયાં છે. HIV-ચેપગ્રસ્ત હોય પરંતુ એઇડ્ઝનાં લક્ષણો વગરના હોય તેવાઓ માટે આરોગ્યશિક્ષણ અપાય છે. પશ્ચિમ ભારતમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ વાયરૉલૉજીમાં વેસ્ટર્ન બ્લૉટ પદ્ધતિ દ્વારા નિદાનનિશ્ચયન કરવામાં આવે છે. ભારતમાં 1989થી ઔષધ-નિયંત્રક(drug controller)ના આદેશ મુજબ લોહીના ઘટકોનું ઉત્પાદન કરનારાઓ માટે તેમના લોહીના ઉત્પાદિત ઘટકો HIV-પ્રતિદ્રવ્ય વગરના છે તેવું સાબિત કરવું ફરજિયાત બનાવાયું છે.

ભારતમાં એઇડ્ઝનો પહેલો દર્દી 1986માં નોંધવામાં આવ્યો. હાલ ભારતનાં બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની હાજરી નોંધવામાં આવેલી છે. 2થી 3 વર્ષના ગાળામાં વધુ જોખમવાળાં જૂથો(વેશ્યાઓ, તેમના ગ્રાહકો, લૈંગિક સંક્રામક રોગના દર્દીઓ તથા નશીલી દવાના વ્યસનીઓ)માંથી તે સામાન્ય પ્રજામાં ફેલાય છે. તે જેમ જેમ ગૃહિણીઓને અસર કરતો જાય તેમ તેમ તે સગર્ભાવસ્થાના અધોમાર્ગી સંક્રમણ (vertical transmission) રૂપે ગર્ભ તથા નવા જન્મેલાં શિશુઓમાં પણ ફેલાય છે. ભારતમાં એઇડ્ઝ-HIVનું ચેપ-પ્રમાણ ઓછું હોય તોપણ વધુ વસ્તીને કારણે તેનું ભારણ વધી જાય છે. જે રાજ્યોમાં તેનો ઉપદ્રવ વહેલો શરૂ થયો હતો, તેમાં હાલ દર્દીની સંખ્યાનું ભારણ અનુભવાઈ રહ્યું છે. ભારતમાં હાલ 15થી 49 વર્ષના વયજૂથમાં તેનું પ્રમાણ 0.7 % જેટલું છે.

સન 1986માં HIV/AIDS સતત મોજણી(surveillance)નો હેતુ તેના ચેપનો ભૌગોલિક ફેલાવો જાણવાનો તથા તેના ફેલાવાની પદ્ધતિ સમજવાનો હતો. તે સમયે ભારતભરમાં આવેલાં. 62 કેન્દ્રો અને 9 સંદર્ભ-કેન્દ્રો દ્વારા માહિતી મળતી હતી. તે સમયે વિજાતીય લૈંગિક સંબંધને કારણે ફેલાવો થતો હતો તેવું મુખ્યત્વે જોવા મળ્યું હતું. એક વખત વ્યાપક ફેલાવો જાણ્યા પછી તેના ફેલાવામાં આવતા ફેરફારને સતત નોંધવું જરૂરી બન્યું હતું. તેથી ‘રાષ્ટ્રીય HIV કસોટી નીતિ’ ઘડી કાઢવામાં આવી. તેની અંતર્ગત સન 1994થી 55 અને સન 1998થી 180 દ્વારક સ્થાનો (sentinel sites) દ્વારા સતત મોજણી કરવામાં આવી રહી છે. તેમના દ્વારા મળેલી માહિતીને આધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 3 કક્ષાઓમાં વહેંચવામાં આવેલાં છે.

કક્ષા 1 : મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મણિપુર અને નાગાલૅન્ડ, જેમાં પૂર્વપ્રસૂતિ સગર્ભાવસ્થા(antenatal period)માંની સ્ત્રીઓમાં 1 %થી વધુ દરે HIV ચેપ જોવા મળેલો છે.

કક્ષા 2 : ગુજરાત, ગોવા અને પોંડિચેરી, જેમાં વધુ જોખમગ્રસ્ત જૂથોમાં HIVનો ચેપદર 5 %થી વધુ છે, પરંતુ પ્રસૂતિપૂર્વ સગર્ભાવસ્થામાં તે 1 %થી ઓછો છે.

કક્ષા 3 : અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કે જ્યાં ચેપદર જોખમગ્રસ્ત જૂથોમાં 5 %થી ઓછો અને પ્રસૂતિપૂર્વ સગર્ભાવસ્થામાં પણ 1 %થી ઓછો છે.

મુખ્ય 7 મેટ્રોશહેરોમાં પ્રસૂતિપૂર્વ સગર્ભાવસ્થાનાં કેન્દ્રોમાં પણ ચેપદર જુદો જુદો જોવા મળેલો છે – મુંબઈ 2 %, હૈદરાબાદ, બૅંગલોર અને ચેન્નઈમાં 1 %થી વધુ અને કૉલકાતા, અમદાવાદ અને દિલ્હીમાં 1 %થી ઓછો. આ સ્થળોએ મુખ્યત્વે લિંગકર્મીઓ (sex workers) અને તેમના ગ્રાહકોમાં તેમનો ફેલાવો વધતો રહ્યો છે. મણિપુરમાં મુખ્યત્વે ફેલાવો નશીલી દવાઓના વ્યસનીઓમાં વધે છે. ભારતના વિવિધ ભાગોમાં જુદા જુદા પ્રકારે HIVનો ચેપ વાવડ(epidemic)ના રૂપે ફેલાયો છે તે આનાથી સ્પષ્ટ થયેલું છે.

ધંધાદારી લિંગકર્મીઓ(commercial sex workers)માં HIVના ચેપના ફેલાવાનું નિયંત્રણ વધુ સફળતા પામ્યું છે. તેથી જોઈ શકાય છે કે સેનાગાચી(કૉલકાતા)માં નિરોધનો ઉપયોગ 0 % (1992)થી વધીને 70 % (1993–94) થયો છે અને સન 1998માં પણ જળવાઈ રહેલો હતો.

સારણી 5 : HIVનો વધુ વ્યાપ ધરાવતા ભારતના જિલ્લાઓ

  રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ જિલ્લાઓ
1 આંધ્રપ્રદેશ (7 જિલ્લાઓ) હૈદરાબાદ, વિશાખાપટનમ્, ગન્ટુર, પૂર્વ

ગોદાવરી, ચિત્તોર, કુમૂલ, વારંગલ

2 ગોવા (1 જિલ્લો) ઉત્તર ગોવા
3 ગુજરાત (4 જિલ્લાઓ) અમદાવાદ, સૂરત, વડોદરા, રાજકોટ
4 કર્ણાટક (19 જિલ્લાઓ) બૅંગલોર, મૈસૂર, ધારવાડ (હુબલી), બેલગામ,
ગુલબર્ગા, દક્ષિણ કનાડા (મૅંગલોર), ઉડિપી,
બિજાપુર, શ્યામરાજનાથ (કોલ્લેગલ)
5 મહારાષ્ટ્ર (12 જિલ્લાઓ) નાગપુર, સાંગ્લી, પૂને, ઔરંગાબાદ, ચંદ્રાપુર,
લાતુર, કોલ્હાપુર, નાસિક, સતારા, સોલાપુર,
થાણે, મુંબઈ
6 મણિપુર (3 જિલ્લાઓ) ઇમ્ફાલ, ચુરાચાંદપુર, બિષ્નુપુર
7 નાગાલૅન્ડ (2 જિલ્લાઓ) કોહિમા, તુએન્સાંગ
8 તમિલનાડુ (6 જિલ્લાઓ) મદુરાઈ, ત્રિચિ, સાલેમ, નામક્કાઈ,

થિરુનેવેલી, ચેન્નઈ

HIVના ચેપના ફેલાવામાં સક્રિય વિવિધ પરિબળો અને ભારતના વિવિધ ભાગોમાં લૈંગિકતા સંબંધી વિવિધ પ્રકારનાં મૂલ્યો, રૂઢિઓ, સાંસ્કૃતિક ગુણધર્મો અને સામાજિક વર્તનને કારણે તેના વસ્તીપ્રમાણ (prevalence) વિશે નિશ્ચિત અંદાજ બાંધવો મુશ્કેલ ગણાય છે. તેને કારણે વિવિધ પ્રતિનિધિસંસ્થાઓ(agencies)એ વિવિધ અંદાજો બાંધેલા છે; જેમકે, સન 1990 અને 1993માં વિશ્વઆરોગ્ય સંસ્થાના મતે ભારતમાં HIVના ચેપગ્રસ્તોની સંખ્યા 50,000થી 2 લાખ હતી; જ્યારે તેણે સને 1996ના મધ્યમાં આ આંકડો 20થી 50 લાખનો જણાવ્યો હતો. સન 1998ના મધ્યમાં રાષ્ટ્રીય એઇડ્ઝ નિયંત્રણ સંસ્થા(National AIDS Control Oganisation, NACO)ની ધારણા મુજબ ભારતમાં 35 લાખ દર્દીઓ હશે. હાલ એવી સમજણ પ્રવર્તે છે કે તે શહેરી વિસ્તારો અને પુરુષોમાં વધુ છે અને 2થી 5 વર્ષના ગાળામાં અનુક્રમે ગામડાં અને સ્ત્રીઓને અસરગ્રસ્ત કરશે.

એઇડ્ઝ અંગેની સતત મોજણીમાં દ્વારકકેન્દ્રો ઉપરાંત HIVના ચેપના જે કોઈ કિસ્સા નોંધાયા હોય તેમનો અભ્યાસ કરાય છે. માર્ચ 2000માં એઇડ્ઝના 11,251 દર્દીઓની NACO સાથે નોંધણી થયેલી હતી. તેથી સમજી શકાય છે કે નોંધવામાં આવેલા દર્દીઓની સંખ્યા ખરેખરી સંખ્યાથી ઘણી ઓછી છે. ભારતમાં નોંધયેલા કિસ્સાઓ પરથી કેટલાંક તારણો કાઢી શકાયાં છે : (1) તે સક્રિય લૈંગિકતાની વય(15થી 44 વર્ષ)માં વધુ જોવા મળે છે (89 %). (2) તે મુખ્યત્વે વિજાતીય લૈંગિક વ્યવહારથી ફેલાય છે. (80.86 %) જ્યારે રુધિરપારસરણ(blood transfusion)થી 5.52 % નસ દ્વારા લેવાતી નશીલી દવાઓ વડે 5.30 %માં, પરિજન્મ સંક્રમણ રૂપે 0.72 %માં અને અન્ય રીતે 7.6 %માં ફેલાય છે. માતામાંથી ગર્ભમાં કે જન્મ સમયે શિશુમાં ચેપ ફેલાય તેને પરિજન્મ સંક્રમણ (perinatal transmission) કહે છે. (3) પુરુષ અને સ્ત્રી દર્દીઓ વચ્ચેનો ગુણોત્તર-પ્રમાણ 4 : 1(78.6 % અને 21.4) છે. (4) મુખ્ય પ્રસંગલાભી ચેપ (opprtunitic infection) તરીકે ક્ષયરોગ જોવા મળે છે. તેથી ભવિષ્યમાં HIV અને ક્ષયરોગના સંયુક્ત વાવડ જોવા મળે તેવું થાય.

સારણી 6 : ભારતમાં સન 2000 સુધીમાં રાજ્ય પ્રમાણે વિવિધ દ્વારકકેન્દ્રોમાં HIV/AIDSના વસ્તીપ્રમાણ(prevalence)નું મધ્યસ્થ (median) મૂલ્ય

રાજ્ય અને

કેન્દ્રશાસિત

પ્રદેશ

લૈંગિક સંક્રામક
(sexually trans-
mitted) ચેપ
અંગેનાં દ્વારકકેન્દ્ર
મધ્યસ્થ
મૂલ્ય
પ્રસૂતિપૂર્વ
(antenatal)
તપાસનું
દ્વારકકેન્દ્ર
મધ્યસ્થ મૂલ્ય નસ વાટે લેવાતી
નશીલી દવાના
વ્યસનીઓની
સારવારનું દ્વારકકેન્દ્ર
મધ્યસ્થ
મૂલ્ય
ધંધાદારી
લિંગકર્મી
માટેનું
કેન્દ્ર

મધ્યસ્થ

મૂલ્ય

 1. આંધ્રપ્રદેશ

3

30.0 6 2.6

 2. અરુણાચલપ્રદેશ

2

0.1 1 0.0

 3. આસામ

2

0.61 2 0.0

 4. બિહાર

8

0.5 3 0.1

 5. દિલ્હી

3

3.26 3 0.25 1 5.0

 6. ગોવા

2

12.02 2 1.17 1

53.2

 7.  ગુજરાત

6

4.65 6 0.5

 8.  હરિયાણા

4

2.75 3 0.0

 9.  હિમાચલપ્રદેશ

5

0.4 4 0.89

10. જમ્મુ-કાશ્મીર

2

0.4 3 0.12

11. કર્ણાટક

7

12.8 6 1.68 1 4.32

12. કેરળ

3

5.2 3 0.0

13. મધ્યપ્રદેશ

8

1.6 6 0.12

14. મહારાષ્ટ્ર

7

18.4 11 1.12

15. મુંબઈ

2

33.33 5 2.0 1 23.68 1

58.67

16. મણિપુર

2

11.60 5 0.75 3 64.34

17. મેઘાલય

2

0.00 2 0.00 1 1.41

18. મિઝોરમ

1

2.00 2 0.37 1 9.61

19. નાગાલૅન્ડ

1

6.9 4 1.35 1 7.03

20. ઓરિસા

4

2.6 2 0.27

21. પંજાબ

2

0.8 2 0.00

22. રાજસ્થાન

4

2.84 4 0.25

23. સિક્કિમ

1

0.00 2 0.00

24. તમિલનાડુ

3

18.80 6 1.00 1 26.70

25. ત્રિપુરા

3

16.8 6 1.0 1 26.7

26. ઉત્તરપ્રદેશ

7

1.8 6 0.12

27. પશ્ચિમબંગાળ

5

1.96 4 0.5

28. આંદામન-નિકોબાર

1

1.20 3 0.25

29. ચંડીગઢ

2

3.25 1 0.80

30. દાદરા-નગરહવેલી

1 0.00

31. દમણ અને દીવ

2 0.00

32. લક્ષદ્વીપ

1

0.00 2 0.00

33. પોંડિચેરી

3

4.1 1 0.25

સારણી 7 : 31મી ઑક્ટોબર 2001 સુધી ભારતમાં નોંધાયેલા

HIV/AIDSના દર્દીઓનું લિંગ, વય અને વિસ્તાર (રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ) પ્રમાણે પૃથક્કરણ

પરિમાણ/ઘટક સંખ્યા
કુલ સંખ્યા 29,007
પુરુષો 22,023
સ્ત્રીઓ 6,984
0–14 વર્ષ 1,085
15–29 વર્ષ 11,163
30–44 વર્ષ 14,354
45 કે વધુ 2,405
આંધ્રપ્રદેશ 1,107
આસામ 125
અરુણાચલપ્રદેશ 0
આંદામાન-નિકોબાર 15
બિહાર 82
ચંડીગઢ 407
દિલ્હી 624
દમણ-દીવ 1
દાદરા-નગરહવેલી 0
ગોવા 56
ગુજરાત 1,156
હરિયાણા 189
હિમાચલપ્રદેશ 91
જમ્મુ-કાશ્મીર 2
કર્ણાટક 1,174
કેરળ 267
લક્ષદ્વીપ 0
મધ્યપ્રદેશ 749
મહારાષ્ટ્ર 6,768
ઓરિસા 82
નાગાલૅન્ડ 199
મણિપુર 1,010
મિઝોરમ 20
મેઘાલય 8
પોંડિચેરી 141
પંજાબ 135
રાજસ્થાન 348
સિક્કિમ 4
તમિલનાડુ 13,533
ત્રિપુરા 0
ઉત્તરપદેશ 389
પશ્ચિમબંગાળ 725
અમદાવાદ મ્યુ. કૉર્પોરેશન 180

દ્વારકકેન્દ્રની સતત મોજણી થતી રહે છે અને તેથી સન 2000માં 57 નવાં કેન્દ્રો ખોલવામાં આવ્યાં અને 5 બંધ કરવામાં આવ્યાં. તેથી કુલ દ્વારકકેન્દ્રની સંખ્યા 232 થઈ છે. તેમાં 109 લૈંગિક ચેપનાં દવાખાનાં, 110 પ્રસૂતિપૂર્વ સારવારકેન્દ્રો, 11 નશીલી દવાના વ્યસનીઓનાં સારવારકેન્દ્રો વગેરેનો સમાવેશ થાય છે. સન 2000ના આંકડાઓએ એ પણ દર્શાવ્યું છે કે પુરુષ દર્દી  સ્ત્રી દર્દી વચ્ચેનો ગુણોત્તર 4 : 1નો રહેલો છે. શહેરગ્રામ વિસ્તારો વચ્ચેનો ગુણોત્તર સંબંધ 8 : 1 છે; પરંતુ જ્યાં વધુ વ્યાપક ચેપ છે તેવાં રાજ્યોમાં તે વધીને 3 : 1નો થયેલો છે.

આકૃતિ 2 : HIVનું જીવનચક્ર

વ્યાધિકરણ : છાતીમાં આવેલી વક્ષસ્થ (thymus) ગ્રંથિમાં વિકસેલા T4-જૂથના લસિકાકોષો(lymphocytes)નાં કાર્ય અને સંખ્યામાં HIV-ચેપને કારણે ઘટાડો થવાથી કોષીય અથવા કોષવાહી પ્રતિરક્ષાની ઊણપ ઉદભવે છે. તેને કારણે T4/T8 લસિકાકોષોનો ગુણોત્તર પણ વિષમ બને છે. તેથી ચેપ અને ગાંઠ જેવા સંજોગપ્રાપ્ત રોગો થાય છે. જોકે કાપોસીનું સાર્કોમા તથા ચેતાતંત્રીય (neurological) વિકારોનું કારણ પૂરેપૂરું સમજાવેલું નથી. (પ્રતિરક્ષાતંત્ર અને તેના વિકારોને ગુ. વિ. ખંડ1માં ‘અલ્પપ્રતિગ્રાહકરણ’, ‘અતિસંવેદનશીલતા’ તથા ‘આઘાત, અતિપ્રતિગ્રાહ્યતાજન્ય’માં તથા ખંડ2માં ‘આરોગ્ય અને રોગપ્રતિરોધ’માં તથા આ ખંડમાં ‘ઍલર્જી’ અને ‘ઍલર્જી, ઔષધીય’માં ચર્ચવામાં આવ્યા છે.) T4-લસિકાકોષોની સપાટી પર CD4નો અણુ આવેલો છે, જે HIVના સ્વીકારક (receptor) તરીકે કાર્ય કરે છે. T4-લસિકાકોષો ઉપરાંત એકકેન્દ્રીકોષ (monocyte) અને મહાભક્ષીકોષ (macrophage) સહિતના શરીરના અન્ય કોષો પણ CD4 સ્વીકારક ધરાવે છે અને તેથી તેઓ પણ HIVથી ચેપગ્રસ્ત થાય છે. સ્વીકારક સાથે જોડાયેલો HIV લસિકાકોષમાં પ્રવેશીને પોતાના નિવર્તનીય લિપ્યંતરક ઉત્સેચક(reverse transcriptase enzyme)ની મદદથી પોતાના જ RNAના સંબંધક લિપ્યંતરિત DNA બનાવે છે. (આકૃતિ 2). તે લિપ્યંતરિત DNA લસિકાકોષના DNAમાં ભળીને લસિકાકોષના જીવનકાળ દરમિયાન ‘પૂર્વવિષાણુ’ (provirus) તરીકે રહે છે. પૂર્વવિષાણુ કાર્યાન્વિત થઈને જેટલા લિપ્યંતરી RNA બનાવે છે તે બધા જ નવા HIVનાં જનીનકાય (genome) તરીકે કાર્ય કરે છે. નવા બનેલા HIV આશ્રયદાતા લસિકાકોષની સપાટી પર કળીઓની માફક ફૂટી નીકળે છે અને તેને કારણે લસિકાકોષની દીવાલ તૂટી પડે છે. આમ એક HIVમાંથી ઘણા HIV ઉત્પન્ન થાય છે તથા દર્દીના કોષનો નાશ થાય છે. નવા HIV ફરીથી વધુ નવા કોષોમાં પ્રવેશે છે અને પોતાનું જીવનચક્ર ચાલુ રાખે છે. T4-લસિકાકોષો ઉપરાંત T4-લસિકાકોષોના પૂર્વગકોષો (precurssors) અને તેમને માટે CD4નો પુરવઠો ઉત્પન્ન કરતા કોષો પણ ચેપગ્રસ્ત થાય છે અને તેમનો નાશ થાય છે. ચેપગ્રસ્ત અને આસપાસના ચેપમુક્ત કોષો વચ્ચેના સંબંધમાર્ગોને કારણે પણ ચેપમુક્ત કોષો પણ નાશ પામે છે. આમ પ્રતિરક્ષાલક્ષી કોષોના નાશને કારણે કોષીય પ્રતિરક્ષાની ઊણપ ઉદભવે છે. વળી HIVના આવરણમાંના પ્રોટીન સામેનાં પ્રતિદ્રવ્યો પણ ચેપમુક્ત કોષોના II વર્ગની પેશીની મહત્તમ સંગતક્ષમતા (major histocom-patability)ના અણુ સાથે પ્રતિપ્રક્રિયા (cross-reaction) કરીને પણ પ્રતિરક્ષાની ઊણપ સર્જે છે.

આકૃતિ 3 : શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવવામાં
T4-લસિકાકોષોનું પ્રદાન

HIVનો ચેપ લાગવાને કારણે T4-લસિકાકોષોની સંખ્યામાં એકદમ છતાં મંદથી મધ્યમતીવ્ર પ્રમાણમાં ઘટાડો થાય છે. સામાન્ય રીતે આવો ઘટાડો વર્ષો સુધી સ્થિર રહે છે; પરંતુ કેટલાંક વર્ષો પછી તે સંખ્યામાં કોઈ પણ ચિહ્ન વગર (insidious) સતત વધતો હોય એવો ઘટાડો થાય છે. જોકે કેટલાક દર્દીઓમાં શરૂઆતથી જ T4-લસિકાકોષોની સંખ્યામાં એકદમ અને અતિશય પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે. જ્યારે તેમની સંખ્યા 200 કોષ/માઇક્રોલિટર કે તેથી ઓછી થાય ત્યારે ન્યૂમોસિસ્ટિસ કેરિનાઈ જેવા સંજોગપ્રાપ્ત ચેપનો ઉપદ્રવ થાય છે અને આમ T4-લસિકાકોષોની આટલી સંખ્યા ખરાબ અંતાનુમાન કે પૂર્વાનુમાન(prognosis)ની દ્યોતક છે. શરીરમાં જ્યારે દર 10 કે 100 T4-લસિકાકોષો ચેપગ્રસ્ત હોય ત્યારે માંડ દર હજાર કે દસ હજાર કોષોએ એક કોષમાં HIV-પૂર્વવિષાણુ દર્શાવી શકાય છે. HIV-ગ્રસ્ત કોષોમાં જ્યારે પૂર્વવિષાણુ સુષુપ્ત હોય ત્યારે તેને કાર્યાન્વિત કરનાર પરિબળો હજુ સંપૂર્ણપણે જાણીતાં થયાં હોતાં નથી; પરંતુ તે અર્બુદ-કોષનાશી આલ્ફા ઘટક (tissue necrosis factora, TNMa), ઇન્ટરલ્યુકિન 6 (IL6) તથા કણિકાકોષ-મહાભક્ષીકોષ કોષપુંજ ઉત્તેજક ઘટક (granulocyte-macrophage-colony stimulating factor, GM CSF) હશે એવું માનવામાં આવે છે.

T4-લસિકાકોષો સમગ્ર પ્રતિરક્ષાતંત્રનું ઉત્તેજન અને નિયમન કરે છે. (આકૃતિ 3). તેથી તેમના સંખ્યાના ઘટાડાને કારણે કુદરતી મારક કોષો (natural killer cells) વિષાણુ-વૈશિષ્ટિક કોષવિષી (viral specific cytotoxic) ટી-કોષો, બી-કોષો તથા એકકેન્દ્રી કોષો-(monocytes)ના કાર્યમાં ઘટાડો થાય છે.

એઇડ્ઝના દર્દીમાં બી-લસિકાકોષનું ઉત્તેજન બહુકોષગોત્રીય (polyclonal) હોય છે. તેથી લોહીમાં વિવિધ પ્રતિરક્ષા(ગામા)-ગ્લૉબ્યુલિનો અને પ્રતિરક્ષા-સંકુલો (immune complexes) જોવા મળે છે. બી-લસિકાકોષોના વિકારને કારણે રાસાયણિક (humoral) પ્રતિરક્ષા પણ ઘટે છે અને તેથી ખાસ કરીને બાળદર્દીઓમાં જીવાણુઓના ચેપ જોવા મળે છે. બહુકોષગોત્રીય પ્રતિરક્ષાગ્લૉબ્યુલિનોમાં વિશિષ્ટતા(specificity)નો અભાવ હોવાથી ચેપનો પ્રતિકાર બરાબર થતો નથી. HIV બી-લસિકાકોષોને ચેપગ્રસ્ત કરતા નથી માટે તે કોષોમાં થતા વિકારનું કારણ સમજાયું નથી. અસ્થિમજ્જામાંના એકકેન્દ્રીય કોષોના પૂર્વગકોષો ચેપગ્રસ્ત થાય છે, માટે કેટલાક લોહીના વિકારો જોવા મળે છે. પેશીઓમાં મહાભક્ષી કોષોમાં ઈજા કર્યા વગર HIV રહી શકે છે. તેથી તે કોષો તેમનાં સંગ્રહસ્થાન(reservoir)નું કાર્ય કરે છે. એકકેન્દ્રી કોષ મહાભક્ષી કોષના જૂથના મગજમાંના સૂક્ષ્મ-અંતરાલીય કોષો(microglial cells)માં તથા મગજની આસપાસ રહેલા પ્રવાહી(CSF)માં HIV જોવા મળ્યા છે; પરંતુ ચેતાકોષો(neurons)માં તે જોવા મળ્યા નથી. કદાચ ચેપગ્રસ્ત સૂક્ષ્મ-અંતરાલીય કોષોના ઝેરી કોષક્રિયકો (cytokines) મગજના અને માનસિક વિકારો કરે છે એમ મનાય છે.

એઇડ્ઝના દર્દીને કાપોસીનો સાર્કોમા (યમાર્બુદ), બી-કોષી લસિકાર્બુદ (lymphoma), હૉજકિનનો રોગ તથા કેટલાક ચોક્કસ કાર્સિનોમા (કર્કાર્બુદ) થાય છે. માનવકોષોના DNA પર અસર કરીને HIV તેમની સંખ્યાવૃદ્ધિ કરતો નથી; પરંતુ તેનાથી ચેપગ્રસ્ત કોષો દ્વારા કોષોની સંખ્યાવૃદ્ધિ કરાવતા કોષક્રિયકોનું ઉત્પાદન વધે છે. અન્ય કોષક્રિયકો અતિ-અપચયી શરીરક્ષીણતા (hypercatabolic cachexia) કરે છે. જોકે AIDSના દર્દીને થતા કૅન્સરનું કારણ સંપૂર્ણપણે સમજી શકાયું નથી.

HIV-ચેપની સામે પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ રૂપે પ્રતિદ્રવ્યો અને પ્રતિરક્ષાલક્ષી કોષો દર્શાવવામાં આવ્યા છે; પરંતુ તેમનો નિદાન-ચિકિત્સીય ઉપયોગ નિશ્ચિત કરી શકાયો નથી.

લક્ષણો અને ચિહનો : HIVના ચેપથી થતા વ્યાધિકરણને ચાર જુદાં જુદાં જૂથમાં વર્ગીકૃત કરાય છે :

 

સારણી 8 : HIVના ચેપથી થતા વ્યાધિકરણનું વર્ગીકરણ

જૂથ 1 : ઉગ્ર ચેપ (acute infection)
જૂથ 2 : લક્ષણ-ચિહનોરહિત ચેપ
જૂથ 3 : સતત વ્યાપક લસિકાગ્રંથિવર્ધન (lymphadenopathy)
જૂથ 4 : અન્ય રોગ
ઉપજૂથ  અ : શરીરવ્યાપી (constitutional) રોગ
ઉપજૂથ  આ : ચેતાતંત્રીય (neurologic) રોગ
ઉપજૂથ  ઇ : આનુષંગિક ચેપી રોગ
ઉપજૂથ  ઈ : આનુષંગિક ગાંઠો (અર્બુદો)
ઉપજૂથ  ઉ : અન્ય વ્યાધિઓ

મોટાભાગના દર્દીઓ HIVનો ચેપ લાગવા છતાં લાંબા સમય સુધી કોઈ પણ અસ્વસ્થતા અનુભવતા નથી. પરંતુ 3થી 6 અઠવાડિયાંમાં કેટલાકને તાવ ચઢવો, ઠંડી લાગવી, સાંધા દુખવા, સ્નાયુ કળવા, ત્વકીય છાંટ અને ફોલ્લીઓનો સ્ફોટ થવો (macculo-papular rash) કે શીળસ થવું, પેટમાં ચૂંક ઊપડવી, ઝાડા થવા તથા ચેપરહિત (aseptic) મેનિન્જાઇટિસ (તાનિકાશોથ) થવો વગેરે અસ્વસ્થતા થાય છે (જૂથ 1). આ ચિહનો બેથી ત્રણ અઠવાડિયાંમાં આપોઆપ શમે છે. પરંતુ પ્રતિરક્ષાલક્ષી કસોટીઓમાં પરિવર્તન (seroconverstion) 8થી 12 અઠવાડિયે આવે છે અને ત્યારે લોહીમાં HIV-પ્રતિદ્રવ્યો જોવા મળે છે. લક્ષણ-ચિહનરહિત ગાળો સરેરાશ 8થી 10 વર્ષ સુધી લંબાતો હોવા છતાં (જૂથ 2) પ્રથમ 3 વર્ષમાં પ્રતિરક્ષાતંત્રમાં ઊણપ થવા માંડે છે અને પ્રથમ 7 વર્ષમાં 75 % દર્દીઓને કોઈક પ્રકારની અસ્વસ્થતા થવા માંડે છે. માત્ર 36 % દર્દીઓને પૂર્ણવિકસિત એઇડ્ઝ થાય છે. કેટલાંક અન્ય લક્ષણોરહિત દર્દીઓમાં સતત અને વ્યાપક લસિકાગ્રંથિવર્ધન (જૂથ 3) થાય છે. કદાચ આ તબક્કામાં વિષાણુજન્ય ચેપને રોકવા માટે ટૂંકજીવી પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ ઉદભવતો હશે એમ મનાય છે.

T4-લસિકાકોષોની સંખ્યા 200/માઇક્રોલિટરથી ઓછી હોય અને થાક, તાવ, વજનનો ઘટાડો, ચામડીમાં સતત સ્ફોટ, મોઢામાં કેશીય શ્વેતચકતી (hairy leukoplakia), હર્પિસ સીમ્પકેસનો ચેપ અને મોઢામાં ફૂગનો ચેપ(thrush)માંથી એક કે બે ચિહનો હોય તો તેને શરૂઆતનો એઇડ્ઝ-સંબંધિત લક્ષણસંકુલ (AIDS-related complex, ARC) અથવા શરીરવ્યાપી રોગ (જૂથ 4-અ) કહે છે. જો ઉપર જણાવેલાં ચિહનોમાંથી બે કે વધુ ચિહનો હોય તો તેને ARC કહે છે. ARCનું વ્યવસ્થિત વર્ગીકરણ કરી શકાયેલું નથી.

HIVથી ચેપગ્રસ્ત દર્દીઓના 80 %  90 % દર્દીઓમાં ચેતાતંત્રમાં પેશીવિકૃતિ (histopathologic abnormality) થઈ હોય છે અને 40 %થી 60 % દર્દીઓ મસ્તિષ્કરુજા (encephalopathy), કરોડરજ્જુરુજા (myelopathy) કે ચેતારુજા(neuropathy)થી પીડાય છે. (જૂથ 4-આ). સંજોગપ્રાપ્ત ચેપ કે કૅન્સર પણ ચેતાતંત્રને અસરગ્રસ્ત કરે છે.

HIVના ચેપના દર્દીઓમાં સૌથી વધુ (80 %) જોવા મળતાં ચિહનો જૂથ 4ઈ (આનુષંગિક ચેપી રોગો)નાં છે. (જુઓ સારણી 8.) તેમાં પણ ન્યૂમોસિસ્ટિસ કેરીનાઈથી થતો ન્યુમોનિયા મુખ્ય છે. દર્દીને તાવ આવે છે, શ્વાસ ચઢે છે અને પ્રાણવાયુની ઊણપ થાય છે. ચિહનો ધીમે ધીમે દેખા દે છે અને તેથી નિદાન મોડું થાય છે. ઍક્સ-રે-ચિત્રણમાં અંતરાલીય ભરાવો (interstitial infiltrates) અથવા પોલાણ (cavity) જોવા મળે છે અથવા કોઈ જ ચિહન હોતું નથી. ફેફસાંનું જીવપેશી-પરીક્ષણ (biopsy) નિદાન માટે ઉપયોગી છે.

આનુષંગિક કૅન્સરો (જૂથ 4-ઈ) તથા અલ્પગઠનકોષિતા (thrombocytopenia) તથા અંતરાલીય ફેફસીશોથ (interstitial pneumonia) જેવા પ્રકીર્ણ રોગો (જૂથ 4-ઉ) પણ જોવા મળે છે.  ક્યારેક એઇડ્ઝના દર્દીમાં પ્રથમ ચિહન રૂપે કાપોસી(kaposi)નો સાર્કોમા (યમાર્બુદ) પણ જોવા મળે છે. તેમાં નસોના અંતશ્છદ(endothetium)ના કોષો સહિતના વિવિધ કોષોની સંખ્યાવૃદ્ધિ (proliferation) જોવા મળે છે. HIV કોષોનું સીધેસીધું કૅન્સરીકરણ (malignant transformation) કરતો નથી તેમજ તે પ્રતિરક્ષા-ઊણપને કારણે પણ થતું નથી. ચેપગ્રસ્ત કોષોના કોષક્રિયકો વૃદ્ધિકારક ઘટકો રૂપે કાર્ય કરીને કોષોની સંખ્યાવૃદ્ધિ કરાવે છે. કાપોસીનું સાર્કોમા 34 % સજાતીય સંભોગ કરનારા એઇડ્ઝના દર્દી પુરુષો અને 10 % વિજાતીય સંભોગશીલ એઇડ્ઝના દર્દીઓમાં જોવા મળે છે. તે ચહેરા અને અન્ય ભાગ પરની ચામડી અને અવયવો પર ફોલ્લીઓ અને ચકતીઓ (plaques) રૂપે ધીમે અથવા ઝડપથી વધીને ગંઠિકાઓ(nodules)ના રૂપમાં વિકસે છે. તે લસિકાગ્રંથિઓ અને લસિકાવાહિનીઓને અસરગ્રસ્ત કરીને ચહેરા અને અન્ય સ્થળે લસિકાજલના સોજા (lymphoedema) કરે છે. અન્નમાર્ગ, ફેફસાં તથા અન્ય અવયવોને પણ તે અસરગ્રસ્ત કરે છે.

આકૃતિ 4 (અ) અને 4 (આ) : (1) SDS પત્ર પર HIV શુદ્ધ અર્ક(extract)માંના પ્રોટીન-પ્રતિજનોનું અલગીકરણ, (2) નાઇટ્રોસેલ્યુલોઝના પટલ પર પ્રોટીન-પ્રતિજનોના પટ્ટા, (3) નાઇટ્રોસેલ્યુલોઝના પટલનું નાની પટ્ટીઓમાં વિભાજન, (4) દર્દીના સીરમવાળી કસનળીમાં બોળેલી પટ્ટી, (5) HIV-પ્રતિદ્રવ્યોનું અંકિત પ્રતિદ્રવ્યો અને ઉત્સેચકની મદદથી નિર્દેશન.

નિદાન [આકૃતિ 4 () અને 4 ()] : ચોથા અથવા છેલ્લા જૂથના દર્દીઓનું એઇડ્ઝના દર્દી તરીકે નિદાન કરાય છે. જોકે બધા જ તબક્કા કે જૂથના દર્દીઓને ‘HIVથી ચેપગ્રસ્ત’ હોવાનું નિદાન કરવું વધુ યોગ્ય ગણાય. પરીક્ષણશાળાની વિવિધ કસોટીઓ દ્વારા નિદાન કરી શકાય છે. તેમાં ઉત્સેચક-સંબંધિત પ્રતિરક્ષાશોષી આમાપન (enzyme-linked immunosorbent assay, ELISA) દ્વારા HIV-પ્રતિદ્રવ્ય(antibody)નું નિર્દેશન કરવાની કસોટી સૌથી વધુ વપરાય છે (જુઓ : આમાપન). જોકે તેમાં ઘણાં ખોટાં વિધેયાત્મક (positive) અથવા નિદાનસૂચક પરિણામો આવે છે. પુન:સંયોજિત (recombitant) DNA પ્રોટીન અથવા સંશ્લેષિત (synthetic) પેપ્ટાઇડને પ્રતિજન (antigen) તરીકે વાપરતી બીજી પેઢીની ELISA-કસોટીમાં ખોટાં પરિણામનું પ્રમાણ ઘટ્યું છે. દરેક વિધેયાત્મક ELISA- કસોટીવાળા દર્દીને વેસ્ટર્ન બ્લૉટ કસોટી, ઇમ્યુનોફ્લોરેસન્સ એસે (IFA) અથવા રેડિયોઇમ્યુનોપ્રેસિપિટેશન એસે (RIPA) દ્વારા તપાસીને નિદાનને સુનિશ્ચિત કરાય છે. 95 % દર્દીઓમાં ચેપ લાગ્યા પછી પ્રતિદ્રવ્ય ઉત્પન્ન થતાં 5 મહિના લાગે છે. જોકે ક્યારેક આ ગાળો 3થી 4 વર્ષનો પણ હોય છે. આવા સંજોગોમાં ચેપ લાગ્યાનાં 2 અઠવાડિયાં પછી વિષાણુના p24 મધ્યદળીય પ્રતિજન(core antigen)નું આમાપન કરી શકાય છે. આ પ્રતિજન HIV-પ્રતિદ્રવ્ય ઉત્પન્ન થાય ત્યારપછી લોહીમાં દર્શાવી શકાતું નથી. ELISA તથા વેસ્ટર્ન બ્લૉટ પદ્ધતિઓ દ્વારા anti-gp 41/120 અને anti-p24 એમ બે પ્રકારનાં પ્રતિદ્રવ્યો દર્શાવી શકાય છે. વેસ્ટર્ન બ્લૉટ પદ્ધતિમાં ઓછામાં ઓછાં બે પ્રતિદ્રવ્યોના પટ્ટા (bands) મળે તો HIVના ચેપનું નિદાન નિશ્ચિત ગણાય છે. જો એક જ પટ્ટો મળે તો 4 અઠવાડિયાં પછી બીજા લોહીના નમૂનાને તપાસવો જરૂરી લેખાય છે. વેસ્ટર્ન બ્લૉટ પદ્ધતિને HIVના ચેપના નિદાન માટે સચોટ ગણવામાં આવે છે. ARC કે AIDSનો તબક્કો જ્યારે શરૂ થાય ત્યારે પ્રતિદ્રવ્યોનું પ્રમાણ ઘટે છે અને ફરીથી HIV-પ્રતિજનને દર્દીના લોહીમાં દર્શાવી શકાય છે. પ્રતિદ્રવ્યોની હાજરી કોઈ પણ જાતનું રક્ષણ આપતી નથી. લોહીમાં પરિભ્રમણ કરતા લસિકાકોષોમાંથી વિષાણુને અલગ તારવીને ઇલેક્ટ્રૉન સૂક્ષ્મદર્શક વડે તપાસી શકાય છે. પોલિમરેઝ-શૃંખલા પ્રતિક્રિયા નામની પદ્ધતિ વડે જનીની બહુલીકરણ (gene amplification) દ્વારા T4-લસિકા-કોષોમાંથી HIV-પ્રતિજન લોહીમાં પ્રવેશે તે પહેલાં પણ તેને લસિકાકોષોમાં દર્શાવી શકાય છે.

બાળકોમાં એઇડ્ઝ : યુ.એસ.માં 1988ના મધ્યમાં 13 વર્ષ સુધીનાં 1,095 બાળકોમાં એઇડ્ઝ જોવા મળ્યો હતો, જે વધીને 1991 સુધીમાં 3,000 બાળકોમાં ફેલાયો હશે એવી માન્યતા છે. સામાન્ય રીતે તેમની માતામાંથી બાળકોને HIVનો ચેપ લાગે છે. ગર્ભાશયકાળ દરમિયાન ઓર (placenta) દ્વારા માતામાં જો HIV સામેનાં પ્રતિદ્રવ્યો હોય તો તે પણ ગર્ભમાં પ્રવેશે તેથી 15 મહિનાથી નાના બાળકમાં નિદાન માટેનાં લક્ષણો વિશિષ્ટ રૂપે જુદાં રાખવા પડે છે. પુખ્ત વ્યક્તિઓમાં એઇડ્ઝની નિશ્ચિત કરાયેલી વ્યાખ્યાની સરખામણીમાં ખૂબ જ મર્યાદિત વ્યાખ્યા વડે બાળકોમાં એઇડ્ઝનું નિદાન કરાય છે. હાલ વારંવાર થતા જીવનને જોખમી જીવાણુજન્ય ચેપી અથવા લસિકાકોષી અંતરાલીય ફેફસીશોથ(lymphocytic interstitial pneumonitis)થી પીડાતા બાળકની એઇડ્ઝના દર્દી તરીકે ગણના થાય છે. આ પ્રકારની ગણના દરેક સમયે આ જ રોગનું નિદાન બનતી નથી. લોહી કે લોહીના ઘટકો દ્વારા 20 % બાળકોમાં HIVનો ચેપ લાગે છે, જ્યારે મોટાભાગના કિસ્સાઓમાં (80 %) માતા દ્વારા ચેપનો ફેલાવો થાય છે. માતાના લોહીમાંનો HIV ઓર દ્વારા, જન્મસમયના સંસર્ગ દ્વારા અથવા સ્તન્યપાન (breast feeding) દ્વારા બાળકમાં ચેપ રૂપે પ્રવેશે છે. 50 % ચેપગ્રસ્ત માતાઓ તેમના બાળકમાં ચેપ ફેલાવે છે. મોટાભાગનાં બાળકોમાં ચેપનો ફેલાવો જન્મજાત (congenital) હોય છે, તેથી 50 % દર્દીઓ એક વર્ષથી નાના અને 82 % દર્દીઓની ઉંમર 3 વર્ષથી ઓછી હોય છે. ચેપ ફેલાયા પછી શરીરમાં વિષાણુઓ રોગનાં ચિહનો દર્શાવે ત્યાં સુધી સંખ્યાવૃદ્ધિ પામે છે. આ સમયને તેમનો સંવર્ધનકાળ (incubation period) કહે છે. પુખ્ત દર્દીઓમાં 3થી 6 અઠવાડિયે પ્રારંભિક ચિહનો જણાતાં હોય છે તથા ARC કે એઇડ્ઝનો તબક્કો 7થી 10 વર્ષે જોવા મળે છે. બાળકોમાં ગર્ભાશયકાળમાં ચેપ લાગતો હોવાથી વિષાણુનો બાળકોમાંનો સંવર્ધનકાળ નિશ્ચિત કરી શકાયો નથી. છતાં તે પુખ્ત વ્યક્તિઓમાં જોવા મળતા સંવર્ધનકાળને મુકાબલે ટૂંકો ગણાય છે.

આકૃતિ 5 : HIVનો સહજવિકાસ તથા તેના જુદા જુદા તબક્કાઓમાં
HIV-પ્રતિજન અને પ્રતિદ્રવ્યોનું પ્રમાણ


આકૃતિ 6 : ઍઝિડોથાયમિડીન (AZT) અને
થાયમિડીનના બંધારણની સમાનતા

જન્મસમયે લાગેલો ચેપ સરેરાશ 17 મહિનામાં અને લોહી દ્વારા ફેલાયેલા ચેપમાં સરેરાશ 24 મહિનામાં ARC કે એઇડ્ઝનો તબક્કો જોવા મળે છે. આમ, બાળકોમાં એઇડ્ઝનો રોગ પુખ્ત વ્યક્તિઓ કરતાં વધુ ઝડપથી વિકસે છે એમ મનાય છે તથા જન્મજાત ચેપવાળાં બાળકો લોહીના ઘટકો દ્વારા પ્રાપ્ત ચેપવાળાં બાળકો કરતાં વહેલાં એઇડ્ઝના તબક્કામાં પ્રવેશે છે. એઇડ્ઝનાં ચિહનો અને લક્ષણો કોઈ પણ ઉંમરે એકસરખાં હોય છે. બાળકોમાં જીવાણુજન્ય ચેપ વધુ જોખમી હોય છે તથા પુખ્ત દર્દીઓમાં ભાગ્યે જોવા મળતો લસિકાકોષીય અંતરાલીય ફેફસીશોથ પણ થાય છે. એઇડ્ઝના બાળદર્દીઓનો જીવનકાળ ટૂંકો હોય છે અને તેમનામાંના 75 % દર્દીઓ 2 વર્ષથી ઓછું જીવે છે. તેમની સારવારના સિદ્ધાંતો પુખ્ત વયના દર્દી જેવા જ હોય છે. એઇડ્ઝના દર્દીને અન્ય રોગોની સામે રક્ષણ આપતી રસીઓ આપવાની બાબતમાં હજુ સ્પષ્ટ એકમતી સધાઈ નથી. HIV-ચેપગ્રસ્ત માતાઓનું શિક્ષણ અને તબીબી સલાહ (medical counseling) બાળકોમાં આ રોગના ફેલાવાને અટકાવવામાં મદદરૂપ થઈ શકે.

સારવાર : HIVનો ચેપ લાગ્યા પછી પ્રથમ લક્ષણ ઉદભવતાં ઘણી વાર લાગે છે. ચેપ અને પ્રથમ લક્ષણ વચ્ચેના સમયને સંવર્ધનકાળ (incubation period) કહે છે. લાંબા સંવર્ધનકાળ દરમિયાન સંજોગપ્રાપ્ત ચેપને થતો અટકાવવા ઉપાયો યોજાય છે અને ત્યારબાદ જરૂર પડ્યે લાગેલા સંજોગપ્રાપ્ત ચેપ અથવા થયેલા કૅન્સરની સારવાર કરાય છે. એઇડ્ઝ કે ARCના દર્દીને સારવાર રૂપે ન્યૂક્લિયોસાઇડનો સમધર્મી ઝીડોવુડીન (3¢-ઍઝિડો  3¢-ડીઑક્સિથાયમિડીન, AZT) આપવામાં આવે છે (આકૃતિ 6). HIV સામે અન્ય અસરકારક વિવિધ ઔષધો વિકસ્યાં છે; જેમકે, લિમોવુડિન, સ્ટેવુડિન, નેવિરેપિન, ઇફાવિરેન્ઝ, ઇન્ડાવિર, નેલ્ફિનેવિર, રિટોનેવિર, ઍવેકેવિર, ડિડાનોસાઇન વગેરે. તેનાથી અસ્થિમજ્જાના કાર્યમાં વિક્ષેપ ઊભો થાય તો લોહી કે તેના ઘટકો આપવા પડે છે. ડીડીઑક્સિઇનોસિન (ddI) નામના એક અન્ય ન્યૂક્લિયોસાઇડના સમધર્મી પદાર્થની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. સંજોગપ્રાપ્ત ચેપની સારવારમાં વપરાતાં ઔષધો સારણી 9માં દર્શાવ્યાં છે. બાહ્ય દેખાવમાં તકલીફ ન ઊભી કરતી કાપોસી સાર્કોમાની ગાંઠોની કોઈ સારવાર કરવામાં આવતી નથી; પરંતુ જરૂર પડ્યે તેમને માટે વિકિરણ-ચિકિત્સા (radiotherapy) તથા આલ્ફા ઇન્ટરફેરોનનો ઉપયોગ કરાય છે.

સારણી 9 : એઇડ્ઝમાં થતા કેટલાક સંજોગપ્રાપ્ત ચેપી રોગો

ચેપકારક સજીવ રોગ ઔષધો
1. ન્યૂમોસિસ્ટિસ
કેરીનાઈ
ન્યુમોનિયા, ક્યારેક
વ્યાપક ચેપ
ટ્રાઇમિથોપ્રિમ અને
સલ્ફામિથોક્સેઝોલ
-પેન્ટામિડિન ઇસેસિયોનેટ
2. સાયટોમેગેલો
વિષાણુ
નેત્રપટલશોથ
(retinitis),
આંત્રશોથ (enteritis),
ન્યુમોનિયા, વ્યાપક ચેપ
ગેન્સીક્લોવીર
3. કૅન્ડિડા
આલ્બીકાન્સ
મોઢામાં ફૂગ,
અન્નનળીશોથ,
વ્યાપક ચેપ
કીટોકોનેઝોલ-
એમ્ફોટેરીસીન-બી-
સ્થાનિક ઔષધો
4. માયકો
બૅક્ટેરિયમ
એવિયમ-
ઇન્ટરસેલ્યુલર
વ્યાપક ચેપ -ક્ષય સામે વપરાતી 5
દવાઓનો સંયુક્ત પ્રયોગ
5. માયકો
બૅક્ટેરિયમ
ટ્યુબરક્યુલોસિસ
ફેફસાંનો કે વ્યાપક
ક્ષય
ક્ષય સામે વપરાતી 2 કે
3 દવાઓ
6. ક્રિપ્ટોકોકસ
નિયૉફૉર્માન્સ
મેનિન્જાઇટિસ,
વ્યાપક ચેપ
એમ્ફોટેરિસીન-બી
7. ટોક્ઝોપ્લાઝ્મા
ગોન્ડી
મસ્તિષ્કશોથ
(encephalitis)
પાયરીમિથાયિન
8. હર્પિસ
સિમ્પ્લેક્સ
શ્લેષ્મકલા
ચામડીનાં જોડાણો
પરનો સ્ફોટ, વ્યાપક ચેપ
એસાઇક્લોવીર
9. હર્પિસ ઝોસ્ટર ચામડી, વ્યાપક ચેપ એસાઇક્લોવીર
10. સાલ્મોનેલા વ્યાપક ચેપ, ઝાડા એમ્પિસીલીન, ક્વીનોલોન્સ

ઇન્ટરફેરોન(વિષાણુરોધક)ની HIV પર પણ અસર છે. કાપોસીના સાર્કોમા પર ક્યારેક વિનબ્લાસ્ટિન, ડૉક્સોરુબિસીન, ઇટોપોસાઇડ અને બ્લિયોમાઇસીન જેવાં કૅન્સરવિરોધી ઔષધો પણ ઉપયોગી રહે છે. લસિકાર્બુદ અને હૉજકિનના રોગોની પ્રમાણિત સારવાર એઇડ્ઝના દર્દીમાં પણ વપરાય છે. અસ્થિમજ્જાનું પ્રતિરોપણ, પેશીસંગત (histo-compatible) લસિકાકોષો, ઇન્ટરલ્યુકિન-2 તથા ગામા-ઇન્ટરફેરોન વડે પ્રતિરક્ષાઊણપને પૂરવા પ્રયત્ન કરાય છે.

અંતાનુમાન : સંપૂર્ણ સફળ વિષાણુઘ્ન (viricidal) ઔષધની ગેરહાજરીમાં હાલ એઇડ્ઝ મટી શકતો નથી. તેથી ચિહનો વિકસ્યાં હોય તેવા દર્દીનો જીવનકાળ ટૂંકો હોય છે. AZT વડે તે થોડો લંબાવી શકાય છે.

પ્રતિરોધ (prevention) : શિક્ષણ, વ્યાવસાયિક સલાહ, વર્તન-પરિવર્તન, સ્વૈચ્છિક HIV-ચેપની તપાસ વડે ‘કારણવિદ્યા’ અંતર્ગત ચર્ચેલા માર્ગે થતો HIVનો ફેલાવો અટકાવી શકાય. તેવી જ રીતે લોહી અને લોહીના ઘટકોની પૂર્વતપાસ તથા વાપરીને ફેંકી દઈ શકાય તેવી સોયો વડે જ ઇન્જેક્શન આપવા/લેવાનો આગ્રહ ઘણો ઉપયોગી ગણાય. આરોગ્ય કાર્યકરોએ તેમના કાર્યમાં ચીવટપૂર્વક જોખમી પેશી, પ્રવાહી કે ઇન્જેક્શનનાં સાધનોનો સંસર્ગ અટકાવવો જરૂરી લેખાય છે. HIV વિરુદ્ધની કેટલીક રસીઓ પૂર્વચિકિત્સીય તપાસના પ્રથમ તબક્કામાં છે. વાંદરાઓ પર સજીવ સિમિયન પ્રતિરક્ષા ઊણપ વિષાણુ(simian immunodeficiency virus, SIV)ના પ્રયોગે HIV વિરુદ્ધની રસી તૈયાર થશે એવી આશા જન્માવી છે. કચરા રૂપે મળતા HIVવાળા લોહી, વીર્ય કે અન્ય પ્રવાહી ધરાવતા પદાર્થોને ઉકાળવાથી તેમાંનો વિષાણુ એકાદ સેકન્ડમાં જ નાશ પામે છે. અથવા તો તેવા પદાર્થને 70 % ઇથેનૉલ, 2 % ગ્લુટારાલ્ડિહાઇડ, 5 % ફૉર્માલ્ડિહાઇડ, 10 % ક્લોરિન-સોડિયમ હાઇપોક્લોરાઇડ, 3 % હાઇડ્રોજન પેરૉક્સાઇડ, 35 % આઇસોપ્રોપાઇલ આલ્કોહૉલ, 0.5 % લાયસોલ કે 2.5 % ટ્વીન  20ના દ્રાવણથી સાફ કરવા સૂચવાય છે. દર્દીનાં લોહી, શારીરિક પ્રવાહીઓ તથા અન્ય પદાર્થોને ચેપવાહક માનીને તે અકસ્માતે પણ ઇન્જેક્શન દ્વારા, ચામડીમાં પડેલા ઘા દ્વારા, આંખ, મોં કે નાક દ્વારા શરીરમાં પ્રવેશે નહિ તેનું ધ્યાન રાખવાની ખાસ સૂચના અપાય છે. તે માટે હાથમોજાં (gloves), મહોરાં (masks) તથા નેત્રઢાલ (eyeshields) વપરાય છે. દર્દી માટે વપરાયેલી ઇન્જેક્શનની સોય અને સિરિન્જનો નાશ કરાય છે. દર્દીનું લોહી કે પ્રવાહી જેમાં ભર્યું હોય તે વાસણ પર પણ સ્પષ્ટ ચેતવણી ચોંટાડાય છે અને તે યોગ્ય રીતે બંધ કરાય છે. ઘરમાં રખાતી સામાન્ય સ્વચ્છતા તેનો ચેપ લાગતો મોટેભાગે અટકાવે છે. દર્દીના સંસર્ગમાં આવતાં કપડાંને હાથમોજાં પહેરીને જ સાફ કરાય છે. દર્દીના ભોજનનાં વાસણો સામાન્ય રીતે અલગ રાખવાની જરૂર ગણાતી નથી. આકસ્મિક રીતે સોય દ્વારા કે ઈજાગ્રસ્ત ચામડી કે શ્લેષ્મકલામાં ચેપવાહક લોહી કે પ્રવાહીનો સંસર્ગ થાય તો તે વિસ્તારને સાબુ અને પાણીથી ધોઈ નાંખીને આરોગ્ય-કાર્યકરે કે પરાતબીબી કાર્યકરે હૉસ્પિટલના વડાને તરત જાણ કરવી હિતાવહ ગણાય છે. તેની સંપૂર્ણ નિદાનલક્ષી તપાસ કરવી આવશ્યક છે, કેમ કે તાજા ચેપ પછી 2 અઠવાડિયે વિષાણુ-પ્રતિજન જોવા મળે છે. તેથી જો અકસ્માત પછી તરત જ પ્રતિજન કે પ્રતિદ્રવ્ય દર્શાવી શકાય તો તેનો ચેપ પહેલેથી લાગ્યો હશે તેમ સમજાય છે. જો તરત કરેલી કસોટીઓ નકારાત્મક પરિણામ દર્શાવે તો 1 મહિને, 3 મહિને, 6 મહિને તથા 12 મહિને ફરીથી કસોટીઓ કરવાની સૂચના અપાય છે.

શિલીન નં. શુક્લ

વી. પી. કોલાલી

અનિતા ભાદુરી