ઍવિસીનિયા : દ્વિદળી વર્ગમાં આવેલા ઍવિસીનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Avicennia officinalis Linn. (બં., હિં. બીના, બાની; ગુ. તવરિયા, તીવાર; તા. કાંડલ; મલા. ઓયેપાતા, મ. તીવાર; અં. વ્હાઇટ મૅન્ગ્રોવ) છે. ભારતમાં આ ઉપરાંત, A. alba Blume (બં. બીન) અને A. marina Vierh (તા. વેંકેદાન; તે. મડા; ગુ. મકાડ, ભૂરાડી) થાય છે. આ જાતિઓ ઉષ્ણકટિબંધીય ચેર(મૅન્ગ્રોવ)નાં જંગલોનું એક અત્યંત મહત્વનું ઘટક બનાવે છે. તેઓ લવણોદભિદ (halophyte) વનસ્પતિઓ છે.

ઍવિસીનિયા(Avicennia officinalis)નું થડ અને શ્વસનમૂળો

ઍવિસીનિયા ક્ષુપ કે નાનું વૃક્ષસ્વરૂપ ધરાવે છે અને ભારત અને આંદામાનના દરિયાકિનારે દલદલભૂમિમાં કે ભરતીજન્ય ખાડીઓ(tidal creeks)માં થાય છે. સુંદરવનોમાં તે 12 મી.થી 18 મી. ઊંચું અને 3.6 મી.થી 4.5 મી.ના ઘેરાવાવાળું થડ ધરાવતું મોટું વૃક્ષ છે અને દક્ષિણ-પૂર્વ દરિયાકિનારે (કૉરોમન્ડલ) તે ઝાડવા સ્વરૂપે જોવા મળે છે. તેની છાલ કાળી, સફેદ કે કાબરચીતરી હોય છે. પર્ણો ચર્મિલ (coriaceous), સાદાં, સંમુખ, 5.0 સેમી.થી 7.5 સેમી. લાંબાં, ઉપવલયી-લંબચોરસ (elliptic-oblong) કે પ્રતિઅંડ-લંબચોરસ (obovate-oblong), ઉપરની સપાટીએ અરોમિલ અને નીચેની સપાટીએ ઘનરોમિલ (tomentose) હોય છે. પુષ્પો ધૂમિલ (dingy) પીળા રંગનાં, નાના મુંડક (head) કે ત્રિશાખી તોરા (corymb) સ્વરૂપે જોવા મળે છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનું, 2.5 સેમી.થી 3.75 સેમી. લાંબાં, અંડાકાર, ચપટાં અને ચાંચવાળાં હોય છે.

તેનાં મુખ્ય મૂળ ઉપર ઉદભવતાં પાર્શ્વીય મૂળો પરથી ઉત્પન્ન થતાં અભૂવર્તી ઉપમૂળો જમીનમાંથી ખીલાઓની જેમ બહાર નીકળે છે, તેમને શ્વસનમૂળ (pneumatophore) કહે છે. તેના ઉપર આવેલાં હવાછિદ્રો દ્વારા તે મૂળને ઑક્સિજનની જરૂરિયાત પૂરી પાડે છે.

તેનું કાષ્ઠ (વજન 647 કિગ્રા.થી 929 કિગ્રા./ઘનમીટર) ખૂબ બરડ અને સ્થૂલ દાણાદાર (coarse grained) હોય છે. તેનો ઉપયોગ સસ્તા પાટડા, બારી-બારણાંનાં ચોકઠાં અને ચોખા માટે સાંબેલાં બનાવવામાં થાય છે. તેનો બળતણ તરીકે પણ ઉપયોગ થાય છે. કાષ્ઠીય ભસ્મ કપડાં ધોવામાં વપરાય છે. તેને રંગો સાથે મિશ્ર કરતાં રંગો વધારે ર્દઢતાથી ચોંટે છે.

તેની છાલ સંકોચક (astringent) છે અને 5 % જેટલું ટેનિન ધરાવે છે. છાલમાંથી લીલી, કડવી અને સુગંધિત રાળ સ્રવે છે. રાળનો સર્પદંશમાં અને ગર્ભનિરોધ માટે ઉપયોગ થાય છે. છાલમાં ટ્રાઇએકૉન્ટેનોલ અને ટ્રાઇટર્પિનોઇડો (જેમ કે, b-એમાયરિન, બિટ્યુલિન, બિટ્યુલિનિક ઍસિડ, ટેરેક્સેરોલ અને ટેરેક્સેરોન) હોય છે.

કાચાં ફળોનો ગર શીતળાને લીધે ત્વચા ઉપર ઉત્પન્ન થયેલા વ્રણની રુઝ લાવવામાં ઉપયોગી છે. ભારત અને ફિલિપાઇન્સમાં તેનાં ફળો અને કાચાં બીજનો પોટીસ તરીકે ઉપયોગ થાય છે. મીંજમાં લેપેચોલ [2-હાઇડ્રૉક્સિ-3-(3-મિથાઇલ-2-બ્યુટેનાઇલ)-1, 4 નેપ્થાક્વિનોન] હોય છે, જે અર્બુદરોધી (antitumor) સક્રિયતા દાખવે છે.

પર્ણોમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે અને તેનો ઢોરોના ચારા તરીકે ઉપયોગ થાય છે. વનસ્પતિનો ગુંદર અને ફળો ખોરાક તરીકે વપરાય છે.

A. marina vierh.નું કાષ્ઠ સખત હોય છે અને તે હોડી બનાવવામાં ઉપયોગી છે. તેનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. વનસ્પતિનો રસ ગર્ભસ્રાવી (abortifacient) છે. તેની છાલનો ઉપયોગ ચર્મશોધન(tanning)ના હેતુઓ માટે થાય છે. તે 12.5 % ટેનિન ધરાવે છે.

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ