એવિસીનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર – લેમીએલીસ, કુળ – એવિસીનિયેસી. ગર્ભવિદ્યાકીય વિશિષ્ટ લક્ષણોને લઈને સ્વામી અને પદ્મનાભને પ્રજાતિ – Avicenniaને વર્બિનેસી કુળમાંથી અલગ કરી તેને એવિસીનિયેસી કુળનો દરજ્જો આપ્યો છે.

આ કુળ એકપ્રજાતીય (monogeneric) છે અને તેનું વિતરણ ઉષ્ણ પ્રદેશોના દરિયાકિનારે પંકિલ ભૂમિમાં ‘મૅન્ગ્રૉવ’ તરીકે થયેલું જોવા મળે છે. તે ચારથી પાંચ જાતિઓ ધરાવે છે. ભારતમાં તેની બે જાતિઓ થાય છે : (1) Avicennia officinalis Linn. (તીવાર, યરિયાન) અને (2) A. alba Blume (તીવાર). તે ક્ષુપ અથવા નાના સદાહરિત વૃક્ષસ્વરૂપે થાય છે. તેના પ્રકાંડની જાડાઈમાં વૃદ્ધિમૂળ એધાની ફરતે નવી એધાઓના સમકેન્દ્રિત રીતે પુનરાવર્તિત નિર્માણ દ્વારા થાય છે. મૂળતંત્ર ઉપરથી અસંખ્ય શ્વસનમૂળો (pneumatophores) ઉદભવે છે. પ્રકાંડ ચોરસ અને રૂપેરી રોમો વડે આચ્છાદિત હોય છે. પર્ણો સાદાં, સંમુખ, અખંડિત, ચર્મિલ અને અનુપર્ણીય (estipulate) હોય છે. પુષ્પો પીળાં, અદંડી, નિપત્રી (bracteate) મુંડક(head)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે અને અગ્રસ્થ ત્રિશાખી લઘુપુષ્પગુચ્છ (panicle) બનાવે છે. પુષ્પ અનિયમિત, દ્વિલિંગી, અધોજાયી અને નિપત્રી હોય છે. તે નિપત્રિકાઓ પણ ધરાવે છે. વજ્ર 5 વજ્રપત્રોનું બનેલું હોય છે અને તેનો પુષ્પદલવિન્યાસ (aestivation) કોરછાદી (imbricate) હોય છે. દલપુંજ 5 અસમાન દલપત્રોનું બનેલું હોય છે. દલપુંજનલિકા પહોળી અને ટૂંકી હોય છે. પુંકેસરચક્ર 4 પુંકેસરોનું બનેલું હોય છે. આ પુંકેસરો દલપુંજનલિકાની ગ્રીવા સાથે જોડાયેલાં હોય છે. સ્ત્રીકેસરચક્ર દ્વિયુક્તસ્ત્રીકેસરી ઊર્ધ્વસ્થ બીજાશયનું બનેલું હોય છે. બીજાશય અપૂર્ણપણે ચતુષ્કોટરી હોય છે. અંડકો નિલંબી (pendulous) હોય છે અને ચાર અક્ષીય (axial) પાંખો વચ્ચે ગોઠવાયેલાં હોય છે. પરાગવાહિની લાંબી અથવા ટૂંકી અને પરાગાસન દ્વિશાખી હોય છે. ફળ પ્રાવર પ્રકારનું, ચપટું, દ્વિકપાટી (2-valved) અને એકબીજમય હોય છે. તે ઘણી વાર જરાયુજ (viviparous) અને સમંતર્વલિત (conduplicate) હોય છે. ભ્રૂણ બે બીજાવરણો દ્વારા અપૂર્ણપણે આવરિત હોય છે. બીજપત્રો મોટાં અને ઊભાં વળેલાં હોય છે.

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ