ઍલ્યુરાઇટીસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક પ્રજાતિ. પૂર્વ એશિયા અને મલેશિયાના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થાય છે અને બીજમાંથી મળતા શુષ્કન તેલ માટે ઉગાડવામાં આવે છે. Aleurites fordii Hemsl. (તુંગ ઑઇલ ટ્રી), A. moluccana (Linn.) Willd. (જંગલી અખરોટ, તુંગતેલ જેવું જ તેલ ઉત્પન્ન કરે છે) અને A. montana E. H. Wils(વુડ-ઑઇલ ટ્રી)નું ભારત સહિત કેટલાક ઉષ્ણ અને ઉપોષ્ણ દેશોમાં વાવેતર થાય છે.

A. moluccana (Linn.) Willd., syn. A. triloba J. R. & G. Frost. (સં. અક્ષોટ; મ. અકરોડ; બં., હિં. જંગલી અખરોટ; અં. કેન્ડલનટ ટ્રી, ઇન્ડિયન વૉલ્નટ ટ્રી) સદાહરિત, આશરે 20 મી. ઊંચું સુંદર વૃક્ષ છે અને ઇંડો-મલેશિયન પ્રદેશનું મૂલનિવાસી છે. ભારતમાં તે પ્રાકૃતિક બન્યું છે અને દક્ષિણ ભારત અને આસામમાં વન્ય સ્થિતિમાં મળી આવે છે. પ્રરોહો અને કુમળાં પર્ણો તારાકાર સૂક્ષ્મ રોમિલ (stellately puberulous) કે ધનરોમિલ (tomentose) હોય છે. પર્ણો લાંબા (પર્ણ) દંડ ધરાવે છે. તેઓ બહુસ્વરૂપી (polymorphous), અંડાકારથી માંડી ભાલાકાર કે પહોળાં અસમચતુર્ભુજ (rhomboid), કુંઠાગ્ર (obtusely) કે તીક્ષ્ણ અને 3-7 ખંડી હોય છે. પુષ્પો સફેદ, ટૂંકા દંડવાળાં અને ધન રોમિલ પરિમિત (cymose) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ 4 સેમી.થી 5 સેમી. વ્યાસવાળાં, ઉપ-ગોલાકાર (sub-globose), રસાળ, લીસાં, જેતૂન (olive) રંગનાં હોય છે અને એક કે બે કઠણ બીજ ધરાવે છે. બીજનું બીજાવરણ ખાંચવાળું અને સખત કવચ જેવું હોય છે. ફળ 30-40 વર્ષે બેસે છે. કાચાં ફળ કઠણ હોવાથી લોકો તેને મીઠામાં આથે છે. તેને શેક્યા પછી અખરોટ જેવો સ્વાદ આવે છે. એક વૃક્ષ 45 કિગ્રા.થી 57 કિગ્રા. જેટલાં બીજ આપે છે. બીજને અંગ્રેજીમાં વૉલ્નટ (Walnut) કહે છે. શુષ્ક બીજના વજનના 64 %થી 68 % કવચ અને 32 %થી 36% મીંજ હોય છે. વાયુ-શુષ્ક મીંજમાંથી 57 %થી 69 % જેટલું તેલ મળે છે, જેને લુબાંગ તેલ કે કૅન્ડલનટ ઑઇલ કે ઇંડિયન વૉલ્નટ ઑઇલ કહે છે. ચીન અને ફિલિપાઇન્સમાં આ તેલનું બહોળા પ્રમાણમાં નિષ્કર્ષણ કરવામાં આવે છે.

તેનું તેલ સાબુ, વાર્નિશ અને રંગરોગાનો બનાવવામાં વપરાય છે. મીંજની લૂગદીમાંથી મીણબત્તીઓ બનાવવામાં આવે છે, તેથી તેનું નામ કૅન્ડલનટ ટ્રી છે.

આયુર્વેદ અનુસાર તે મધુર, કિંચિત્ ખાટું, સ્નિગ્ધ, શીતળ, ધાતુવૃદ્ધિકર, ઉષ્ણ, રુચિપ્રદ, કફપિત્તકર, જડ, પ્રિય, બલકર અને મલબંધકર છે; અને વાત, પિત્ત, ક્ષય, વાયુ, હૃદ્-રોગ, રક્તદોષ, રક્તવાત અને દાહનો નાશ કરે છે. તે એક મેવો હોવાથી પાક બનાવવામાં તેનો ઘણો ઉપયોગ થાય છે. તેનો હરસ અપસ્માર અને વાયુથી આવેલા સોજા ઉપર; સ્તનમાં દૂધ ઉત્પન્ન કરવા માટે, અર્શ અને કૃમિ ઉપર અને રેચક તરીકે ઉપયોગી છે. તેલ સંધિવા અને ચાંદા પર લગાડવામાં આવે છે.

તેનો ખોળ 46.2 % જેટલું પ્રોટીન ધરાવે છે, પરંતુ ઝેરી હોય છે. તેથી તેનો ઉપયોગ ખાતર તરીકે થાય છે.

પર્ણો અને તરુણ શાખાઓનો ઉપયોગ ઘાસપાત છાદન-(mulching)માં થાય છે. પર્ણો તીવ્ર સંધિવામાં લગાડાય છે. ફળમાંથી કાળો અને મૂળમાંથી બદામી રંગ પ્રાપ્ત થાય છે. જાવામાં તેનાં કાચાં કે શેકેલાં બીજ ખવાય છે, પરંતુ કાચાં બીજ ખાવાં જોખમી હોય છે.

ફળ બલ્ય છે અને હૃદય અને રુધિરના રોગોમાં વપરાય છે. તે વાતહર અને કફહર છે અને મસા, જલભીતિ (hydrophobia) અને દાદરમાં ઉપયોગમાં લેવાય છે. છાલ અને પુષ્પોનો દમ, દાહ (sore), ચાંદાં અને અર્બુદ(tumour)માં ઉપયોગ થાય છે.

કાષ્ઠ પોચું હોય છે અને તેમાંથી ખોખાં, દીવાસળીઓ અને કાગળનો માવો બનાવાય છે. તેની છાલમાંથી લગભગ 5.22 % જેટલું ટેનિન મળી આવે છે

સરોજા કોલાપ્પન

બળદેવભાઈ પટેલ