ઍલ્યુમિનિયમ બ્રૉન્ઝ

January, 2004

ઍલ્યુમિનિયમ બ્રૉન્ઝ : ઍલ્યુમિનિયમ(4.15 %)યુક્ત તાંબાની લગભગ મૃદુ પોલાદ જેટલી મજબૂત અને ક્ષારણ(corrosion)રોધી મિશ્રધાતુ. તેમાં અન્ય ધાતુઓ પણ ઓછા વધતા પ્રમાણમાં ઉમેરેલી હોય છે. બ્રૉન્ઝ એટલે તાંબા તથા કલાઈની મિશ્રધાતુ. કલાઈના બદલે બીજી ધાતુઓ ઉમેરવાથી જે તે બ્રૉન્ઝ મળે છે. ઍલ્યુમિનિયમ બ્રૉન્ઝનો રંગ ઝાંખો નહિ પડે એવો સોનેરી હોઈ તે અલંકારો અને શિલ્પમાં વપરાય છે. આ મિશ્રધાતુને રેણ કરી શકાય છે અને તેનું સંધાન પણ શક્ય છે. 8 % ઍલ્યુમિનિયમવાળી મિશ્રધાતુમાંથી ગરમ કર્યા વગર પણ તેનાં પતરાં, નળીઓ વગેરે બનાવી શકાય છે. ઍલ્યુમિનિયમનું પ્રમાણ વધારવાથી આ બ્રૉન્ઝમાં જુદા જુદા ગુણધર્મો મળે છે અને તેના ઉપયોગમાં પણ વિવિધતા આવે છે. 8 % ઉપરાંત ઍલ્યુમિનિયમવાળી મિશ્રધાતુ જેમાં મૅંગેનીઝ તથા લોખંડ પણ હોય છે તેને ગરમ કરીને જ તેમાંથી પતરાં, નળીઓ વગેરે બનાવી શકાય છે. તેમાં નિકલ ઉમેરવાથી ગૅસ ટર્બાઇનની બ્લેડો બનાવવા માટે તે અનુકૂળ બને છે. 10 % ઍલ્યુમિનિયમવાળી મિશ્રધાતુને ઢાળી શકાય છે અને તેમાંથી વહાણના પ્રણોદક (propeller) બનાવાય છે. સામાન્ય રીતે ઍલ્યુમિનિયમ બ્રૉન્ઝનો ઉપયોગ યંત્રોના ભાગો, અચુંબકીય સાંકળો, ઓજારો, કાગળ બનાવવાનાં યંત્રો અને ઍસિડની અસર નહિ થતી હોવાથી સાધનોના અમ્લમાર્જન(pickling)માં કરવામાં આવે છે.

જગદીશ જ. ત્રિવેદી

પ્રવીણસાગર સત્યપંથી