ઍલેકસાંદ્રે બિથેન્તે

January, 2004

ઍલેકસાંદ્રે બિથેન્તે (Aleixandre Vicente) (જ. 26 એપ્રિલ 1898, સેવિલે; અ. 13 ડિસેમ્બર 1984, મૅડ્રિડ) : 1977નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર સ્પૅનિશ કવિ. બાળપણ મલાગામાં વિતાવીને 1909માં સ્પેનના પાટનગર મૅડ્રિડમાં આવ્યા. 1925માં કિડનીનો ક્ષય થવાથી જીવનપર્યંત બીમાર રહ્યા. સ્પૅનિશ કવિ લૂઈ દે ગોન્ગોરાના ત્રણસોમી પુણ્યતિથિએ સ્થપાયેલ, ગાર્સિયા લૉર્કાની ‘જનરેશન ઑવ્ 1927’ના સભ્ય હતા. તેમનો પ્રથમ કાવ્યગ્રંથ ‘એંબિટો’ (1928, ‘ઇન્વાઇન્મેન્ટ’) પ્રસિદ્ધ થયો. 1933માં તેમના કાવ્યસંગ્રહ ‘ડિસ્ટ્રક્શન ઑવ્ લવ’ માટે તેમને સ્પેનનું રાષ્ટ્રીય પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું હતું. તેમની કાવ્યરચના પર પરાવાસ્તવવાદી (surrealist) આંદોલનનો પ્રભાવ છે. સ્પૅનિશ આંતરવિગ્રહ દરમિયાન તેઓ બીજા લેખકોની જેમ દેશ છોડી પરદેશ ગયા ન હતા. જનરલ ફ્રાંકોનું સ્પેનમાં શાસન આવતાં પાંચ વર્ષ સુધી તેમની કૃતિઓના પ્રકાશન પર પ્રતિબંધ મુકાયો હતો. ‘શૅડો ઑવ્ પૅરડાઇઝ’ (1944) તેમની સૌથી વધુ પ્રખ્યાત કૃતિ છે. સ્પૅનિશ આંતરવિગ્રહ (1936-1939) બાદ તરત લખાયેલી આ કૃતિ ‘એ ક્લેક્ટિવ એલિજી’ સૈનિકોના સામૂહિક મૃત્યુ વિશેની કરુણપ્રશસ્તિ છે. 1949થી તેઓ સ્પૅનિશ એકૅડેમીના સભ્ય બન્યા. ‘સ્ટોરી ઑવ્ ધ હાર્ટ’ કાવ્યસંગ્રહ(1954)માં કવિ માનવજીવનનું મહત્વ ઉપસાવે છે. ‘ઇન અ વાસ્ટ ડૉમેઇન’ (1962) કાળ, મૃત્યુ અને માનવીની એકતાના વિષયો ચર્ચે છે. ‘પોએમ્સ ઑવ્ કન્ઝ્યુમેશન’ (1968) અને ‘ડાયલૉગ્ઝ ઑવ્ ઇન્સાઇટ’(1974)ની કવિતામાં કવિએ મૃત્યુ, જ્ઞાન અને અનુભવ વિશે પ્રૌઢાવસ્થામાં કરેલું આધ્યાત્મિક સંશોધન છે.

બિથેન્તે ઍલેક્સાંદ્રે

અત્યંત મૌલિક અને ગહન કવિતાના સર્જન ઉપરાંત ઍલેક્સાંદ્રેએ ગદ્યમાં લખેલ ‘મીટિંગ્સ’(1958)માં પરિચિત લેખકમિત્રોનાં પ્રેમનીતર્યાં શબ્દચિત્રો છે.

નોબેલ પારિતોષિકના સ્વીકાર બાદ સ્પેનના રાજા જુઆન કાર્લોસે તેમને મળવા ગયા હતા અને તેમને ‘ધ ગ્રાંડ ક્રૉસ ઑવ્ ધ ઑર્ડર ઑવ્ કાર્લોસ III’થી સન્માન્યા હતા. સ્પૅનિશ કવિઓ અને દક્ષિણ અમેરિકાના સ્પૅનિશભાષી સાહિત્યકારો પર તેમનો સારો પ્રભાવ છે.

કૃષ્ણવદન જેટલી