ઍલર્જી, ઔષધીય : દવાની ઍલર્જી (વિષમોર્જા) થવી તે. શરીરના પ્રતિરક્ષાતંત્ર (immune system) દ્વારા થતી પ્રતિક્રિયાને કારણે દવાની ઍલર્જી થાય છે. ક્યારેક દવા પ્રતિજન(antigen)રૂપે, અથવા શરીરમાંના પ્રોટીન સાથે સંયોજાઈને અર્ધપ્રતિજન(hapten)રૂપે, કાર્ય કરીને લસિકાકોષો (lymphocytes) દ્વારા ઉત્પન્ન થતાં પ્રતિદ્રવ્યો (antibiodes) સાથે પ્રતિક્રિયા કરે છે અથવા વિવિધ મારક કોષો વડે કોષીય (cellular) પ્રતિરક્ષાની પ્રક્રિયા ઉત્પન્ન કરાવે છે. આવી પ્રતિરક્ષાની પ્રક્રિયા મૂળભૂતરૂપે જે-તે બાહ્ય પદાર્થ(દા.ત. દવા)નો નાશ કરી તેની ઝેરી અસરથી શરીરને મુક્ત રાખવા માટે પ્રયોજાય છે. ક્યારેક તેની શરીરના કોષો પર જોખમી અસર પણ થાય છે. આવી જોખમી અસર, ફરીથી તે દવાને બહુ ઓછી માત્રા(dose)માં લેવામાં આવે તો પણ થઈ આવે છે. તેને અતિસંવેદનશીલતા અથવા અતિપ્રતિગ્રાહ્યતા (hypersensitivity) કહે છે. તેને જ વિકારયુકત પ્રતિક્રિયાશીલતા (altered reactivity, allergy), ઍલર્જી અથવા વિષમોર્જા કહે છે. દવાની જાણીતી આડઅસર જો ખૂબ જ ઓછી માત્રાએ જોવા મળે તો તેને ઔષધ-અસહ્યતા (drug intolerance) કહે છે. ક્યારેક વ્યક્તિના બંધારણની વિશિષ્ટતાને કારણે જો તે કોઈ દવા સામે અસામાન્ય પ્રતિક્રિયા દર્શાવે તો તેને વ્યક્તિ-વિશિષ્ટતાજન્ય (idiosyncratic) આડઅસર ગણવામાં આવે છે. દા.ત., ગ્લુકોઝ – 6 – ડીહાઇડ્રોઝિનેઝની ઊણપવાળા દર્દીમાં પ્રાઇમાક્લીન નામની દવાથી રક્તકોષલયી પાંડુતા (haemolytic anaemia) થાય છે. કેટલીક દવાઓની અન્ય બિનજરૂરી અસરો હોય છે. તેને આડઅસરો કહે છે તથા દવાની માત્રા અતિશય વધી જાય તો તેમની ઝેરી અસરો (ઔષધ-વિષાક્તતા, drugtoxicity) પણ થાય છે. ઔષધ-અસહ્યતા, વ્યક્તિ-વિશિષ્ટતાજન્ય આડઅસરો, જાણીતી આડઅસરો અને ઔષધ-વિષાક્તતાને ઍલર્જીના ચોક્કસ નિદાન માટે અલગ તારવવાં જરૂરી છે.

સૈદ્ધાંતિક રીતે કોઈ પણ દવા ઍલર્જિક પ્રતિક્રિયા કરી શકે પરંતુ ડિજિટાલિસ અને ટેટ્રાસાઇક્લિનની ઍલર્જી ભાગ્યે જ જોવા મળી છે. જ્યારે પેનિસિલિન તથા અન્ય ઍન્ટિબાયૉટિક, સલ્ફોનેમાઇડ અને ફિનાયલબ્યુટેઝોન જેવા પ્રતિશોથી (antiinflammatory) ઔષધની ઍલર્જીનું પ્રમાણ ઘણું હોય છે. અગાઉ જે દવાની કે જે જૂથની દવાની ઍલર્જી થઈ હોય તે દવા ફરીથી આપવાથી તેની ઍલર્જી થવા સંભવ છે. રક્તકોષભક્ષિતા (lupus erythematosus) નામના રોગથી પીડાતા દર્દીમાં પણ દવાઓની ઍલર્જીનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. દવાઓની 15 % જેટલી અસ્વીકાર્ય અસરો એલર્જિક પ્રતિભાવ હોય છે.

સારણી 1 : કેટલીક દવાઓ સામેનીએલર્જિકપ્રતિક્રિયાઓ
(ક) નિશ્ચિત પ્રતિરક્ષાતંત્રીય સંલક્ષણો :
(1) તત્કાલ ઍલર્જી (IgE દ્વારા) : (i) પેનિસિલિન વડે તત્કાલ

ઉદભવતી અતિસંવેદનશીલતા (anaphylaxis), ઇન્સ્યુલિન

દ્વારા ઉત્પન્ન થતો ત્વકીય શોફ (wheal) અને રતાશ (flare)

(2) કોષવિષતાવાળી (cytotoxic) પ્રતિક્રિયાઓ : (i) પેનિસિલિનથી

રક્તકોષલયી પાંડુતા (haemolytic anaemia), (ii) ક્વિનિન

અને ક્વિનિડીનથી ગઠનકોષઅલ્પતા (thrombocytopenia),

(iii) ફિનાયલ બ્યુટેઝોનથી કણિકાકોષ-અલ્પતા (granulocytopenia)

(3) પ્રતિરક્ષાસંકુલજન્ય વાહિનીશોથ (immune  complex

induced vasculitis) (i) સીરમ વ્યાધિ (serum sickness).

દા.ત., પેનિસિલિન, સલ્ફોનેમાઇડ વગેરેથી તાવ, ચામડી પર

સ્ફોટ (rash), રુધિરછાંટ (purpura), સાંધાનો દુ:ખાવો,

લસિકાગ્રંથિવર્ધન (lymphadenopathy)

(4) વિલંબિત (delayed) અતિસંવેદનશીલતા : (i) ચામડી પર

ચોપડવાની દવાથી થતો સંસર્ગ ત્વકીયશોથ (contact

dermatitis)

(ખ)  આશંકિત પ્રતિરક્ષાતંત્રીય સંલક્ષણો (અજ્ઞાત પ્રક્રિયા) :
(1) ચામડી પર જુદા જુદા પ્રકારના સ્ફોટ (rash) : વિવિધ ઔષધો
(2) સ્ટીવન-જૉનસનનું સંલક્ષણ : સલ્ફોનેમાઇડ, પેનિસિલિન,

ફેનિટોઇન, ફિનાયલબ્યુટેઝોન

(3) તાવ : ઍન્ટિબાયૉટિક, ક્વિનિડિન, મિથાઇલ ડોપા,

એલોપ્યુરિનોલ, પ્રોકેનેમાઇડ

(4) ફેફસીશોથ (pneumonitis) : લોફલરનું સંલક્ષણ
(5) રક્તદોષભક્ષિતા (lupus erythematosus) : પ્રોકેનેમાઇડ,

હાઇડ્રેલેઝિન, આઇસોનીએઝેડ

(6) યકૃતના કાર્યમાં વિક્ષેપ : (i) ક્લોરત્રોમેઝિનથી પિત્તમાર્ગમાં

અવરોધ, (ii) મિથાઇલ ડોપાથી યકૃતશોથ (hepatitis)

(7) મૂત્રપિંડના કાર્યમાં વિક્ષેપ : મેથિસિલન, ફ્રુસેમાઇડ તથા

એલોપ્યુરિનોલથી અંતરાલીય મૂત્રપિંડશોથ (interstitial

nephritis)

(8) લસિકાગ્રંથિવર્ધન : ફેનિટોઇન, સલ્ફોનેમાઇડ.

મોટાભાગની દવાઓના અણુઓ નાના હોવાથી તે ઍલર્જી કરતા નથી. દવાની ઍલર્જીનાં ચિહનો અને લક્ષણો અન્ય પ્રકારની ઍલર્જી જેવાં જ હોય છે. (જુઓ : ઍલર્જી). દવાની ઍલર્જી મુખ્યત્વે ચામડી પરના વિવિધ પ્રકારના સ્ફોટરૂપે જોવા મળે છે. ઘણી વખત ચળ (ખૂજલી) પણ આવે છે. ઘણી દવાઓને લીધે છાંટ અને ફોલ્લીઓ (maculopapules), નાના અને મોટા ફોલ્લાઓ તથા ખરજવું થાય છે, જ્યારે ગંડકારી રક્તિમા (erythema nodosum) કે વિવિધરૂપી (multiform) રક્તિમા ફેનિટોઇન અને સલ્ફોનેમાઇડથી થાય છે. પ્રકાશ-સંવેદનશીલતા (photosensitization) ક્લોરપ્રોમેઝિન, સલ્ફોનેમાઇડ વગેરે ઔષધોથી થાય છે. ક્યારેક ફક્ત તાવ જ દવાની ઍલર્જીરૂપે જોવા મળે છે. વિવિધ દવાઓની ઍલર્જી થાય ત્યારે લોહીમાંના ઇઓસીનરાગી શ્વેતકોષોની સંખ્યા વધે છે. (ઇઓસીનકોષિતા, eosinophilia) તત્કાલ થતી ઍલર્જીની તાત્કાલિક સારવાર જીવન બચાવવા માટે જરૂરી છે. દવાની ઍલર્જીની સારવારના મુખ્ય સિદ્ધાંતો અન્ય ઍલર્જીની સારવાર જેવા જ છે. દવાનો ઉપયોગ બંધ કરી જરૂર પડ્યે હિસ્ટામિનરોધી દવાઓ, એડ્રિનાલિન કે કૉર્ટિકોસ્ટિરોઇડ અપાય છે. જે દવાની ઍલર્જીની અગાઉથી માહિતી હોય તે કદી આપવી ન જોઈએ એવું સૂચવાય છે. પેનિસિલિન, લોહ જેવી દવાઓ ઇન્જેક્શન દ્વારા આપવાની હોય તો તેને સૌપ્રથમ થોડીક ‘કસોટી માત્રા’ (test dose)રૂપે આપ્યા પછી જો તેની ઍલર્જી ન હોય તો જ તે અપાય છે. ક્યારેક આવી કસોટી વખતે પણ જીવનને જોખમી આઘાતની સ્થિતિ સર્જાય છે.

શિલીન નં. શુક્લ

હસમુખ ચીમનલાલ મહેતા