ઍલર્જી : શરીરની પેશીઓને હાનિકારક પ્રતિરક્ષાલક્ષી પ્રતિક્રિયાઓ (immune reactions). શરીરની આ વિકારયુક્ત પ્રતિક્રિયાશીલતા-(altered reactivity)ના અંગ્રેજી શબ્દો પરથી વોન પિર્કેએ ‘ઍલર્જી’ શબ્દ બનાવ્યો હતો. કોઈ સમયે કોઈ બાહ્યપદાર્થના સંસર્ગમાં અવાય ત્યારે તેને ઓળખીને તેનો નાશ કરવા શરીર વિશિષ્ટ રસાયણો બનાવે છે. આવા સમયે બહારના દ્રવ્યને પ્રતિજન (antigen) અને તેનો પ્રતિકાર કરતા રસાયણને પ્રતિદ્રવ્ય (antibody) કહે છે. જે પ્રતિજનને કારણે વિકારયુક્ત પ્રતિક્રિયા થાય તેને વિષમોર્જન (allergen) કહે છે. તેથી તેને વિષમોર્જા પણ કહેવાય છે. પ્રતિજન (ઍલર્જન) અથવા વિષમર્જનના શરીરમાંના બીજી વખતના પ્રવેશ સમયે અગાઉના પ્રવેશના સમયે જે વિશિષ્ટ પ્રતિરક્ષા ગ્લોબ્યુલિનોનાં બનેલાં પ્રતિદ્રવ્યો (antibodies) બનાવવાની પ્રક્રિયા થઈ હોય તે સ્મૃતિકોષો (memory cells) તરીકે ઓળખવામાં આવતા લસિકાકોષો-(lymphocytes)માં ફરીથી શરૂ થાય છે. આમ ફરીથી પ્રતિજન અને પ્રતિદ્રવ્ય વચ્ચે પ્રક્રિયા થાય છે (જુઓ : આરોગ્ય અને રોગપ્રતિરોધ, અતિસંવેદનશીલતા, આઘાત, અતિપ્રતિગ્રાહ્યતાજન્ય). મૂળભૂત રીતે પ્રતિરક્ષાલક્ષી પ્રતિક્રિયાઓ શરીરમાં પ્રવેશતા હાનિકારક બાહ્ય પદાર્થોની નાની માત્રાને પણ ઓળખી કાઢીને તેમને રાસાયણિક રીતે બિનકાર્યશીલ કરી તેમનો નાશ કરવા માટે યોજાયેલી હોય છે. બહારથી પ્રવેશતા ચેપ કરતા જીવાણુઓ અને અન્ય સૂક્ષ્મજીવો, અન્ય વ્યક્તિની પેશી (દા.ત., લોહી, મૂત્રપિંડ) કે પ્રોટીન, ઔષધો કે ઝેરના મોટા કે નાના અણુઓને તથા કદાચ કૅન્સરની શરૂઆત કરતા શરીરના પોતાના કોષોને ઓળખીને તેમને બિનઅસરકારક કરવા માટે પ્રતિરક્ષાતંત્ર (immune system) કાર્યરત રહે છે. ક્યારેક પ્રતિરક્ષાલક્ષી પ્રક્રિયાઓ શરીરને હાનિકારક પણ નીવડે છે. શરીરની પેશીને હાનિકારક 6 પ્રતિરક્ષાલક્ષી પ્રતિક્રિયાઓ છે.

સારણી 1 : એલર્જિક અથવા હાનિકારક પ્રતિરક્ષાલક્ષી પ્રતિક્રિયાઓ
ક્રમ પ્રકાર
પ્રકાર 1 તત્કાલ અતિસંવેદનશીલતા (immediate

hypersensitivity), reagin – આધારિત IgE

પ્રકારનાં પ્રતિદ્રવ્યો.

પ્રકાર 2 કોષવિષતાજન્ય (cytotoxic) પ્રતિક્રિયા, IgG

અને IgM પ્રકારનાં પ્રતિદ્રવ્યો.

પ્રકાર 3 પ્રતિરક્ષાલક્ષી સંકુલજન્ય અથવા આર્થસ

(immune complex or Arthus) પ્રતિક્રિયા.

પ્રકાર 4 ટી. કોષીય વિલંબિત (delayed)

અતિસંવેદનશીલતા

પ્રકાર 5 ઉત્તેજક (stimulating) પ્રતિદ્રવ્યો
પ્રકાર 6 પ્રતિદ્રવ્યઆધારિત કોષવિષતા (antibody

dependent cell-medialed cytotoxicity,

ADCC)

પહેલો પ્રકાર, તત્કાલ અતિસંવેદનશીલતા : પેશીમાંના માસ્ટકોષોની સપાટી પર પ્રતિજન – પ્રતિદ્રવ્યની પ્રતિક્રિયા થાય ત્યારે ઉત્સેચકોનું ઉત્તેજન થવાથી માસ્ટકોષોમાંના હિસ્ટામિન સીરોટોનિન (SHT) એસ.આર.એસ.-એ (slow reacting substance-A) તથા કાઇનિન જેવાં પ્રક્રિયકો(reagents)ની કણિકાઓ છૂટી પડે છે અને તેથી દમ, હેફીવર તથા તત્કાલ અતિસંવેદનશીલતાજન્ય આઘાત (anaphylactic shock) જેવા વિકારો થાય છે. કેટલીક વ્યક્તિઓમાં આ પ્રકારની પ્રતિક્રિયા થવાની વારસાગત પૂર્વભૂમિકા (predisposition) હોય છે. આવી વ્યક્તિને પ્રતિક્રિયાશીલ (atopic) અને આવી પૂર્વભૂમિકાને પ્રતિક્રિયા (atopy) કહે છે. પ્રતિજનના શરીરપ્રવેશના માર્ગને આધારે તત્કાલ અતિસંવેદનશીલતાના બે જુદા જુદા પ્રકાર હોય છે – સ્થાનિક અને વ્યાપક (systemic). જ્યારે પરાગરજનું પ્રતિજન આંખમાં પડે ત્યારે નેત્રકલાશોથ (conjuctivitis) થાય અને આંખ લાલ થઈ જાય તથા તેમાં ખૂજલી ઊઠે; તે નાકમાં જાય તો છીંક આવે અને નાકમાંથી પાણી પડે (નાસિકાસ્રાવ, rhinorrhoea) અથવા શ્વાસનળીમાં તે પ્રવેશે તો દમનો હુમલો થઈ આવે. આ બધા સ્થાનિક તત્કાલ અતિસંવેદનશીલતાના પ્રકારો છે. પેનિસિલિન કે અન્ય પ્રાણીના સીરમ(serum)ના ઇન્જેક્શનથી અથવા જંતુના ડંખથી શરીરમાં પ્રવેશતા ઍલર્જન વ્યાપક પ્રતિક્રિયા અને આઘાત સર્જે છે. (તત્કાલ અતિસંવેદનશીલતાજન્ય આઘાતની આકૃતિ સાથે ચર્ચા માટે જુઓ વિ.કો. ખંડ 1માં ‘આઘાત, તત્કાલ અતિપ્રતિગ્રાહ્યતાજન્ય; માણસમાં ફક્ત IgE પ્રકારનાં રીએજીનિક) પ્રતિદ્રવ્યો જ આ પ્રકારની અતિશય ઝડપથી અને જીવનને ખૂબ જ જોખમકારક પ્રતિક્રિયા કરે છે. ચામડીમાં પ્રવેશતા પ્રતિજન સ્થાનિક જલશોફ (સોજો, weal) અને રક્તિમા (flare) કરે છે, તેથી લાલ ઊપસેલાં ચકામાં થાય છે. તેને શીળસ (writicaria) કહે છે. તે ઘણી વખતે વ્યાપક પ્રતિરક્ષાલક્ષી પ્રતિક્રિયારૂપે પણ જોવા મળે છે તથા ક્યારેક બિનપ્રતિરક્ષાલક્ષી પ્રતિક્રિયારૂપે પણ જોવા મળે છે.

ચામડીના સ્તરોમાં ઇન્જેક્શન દ્વારા પેનિસિલિન જેવાં ઔષધોને ખૂબ થોડી માત્રામાં આપીને ત્યાંની સ્થાનિક પ્રતિક્રિયાનો અભ્યાસ કરીને જે તે વ્યક્તિને પેનિસિલિનની કે અન્ય ઔષધની ઍલર્જી છે કે નહિ તે જાણી શકાય છે.

બીજો પ્રકાર, કોષવિષતાજન્ય પ્રતિક્રિયા : ક્યારેક પ્રતિજન-પ્રતિદ્રવ્ય વચ્ચેની પ્રક્રિયા જે કોષની સપાટી પર થાય તે કોશનો નાશ કરે છે. દા.ત., વિધાયક કુમ્બ્સ(Coombs)ની કસોટીવાળી રક્તકોષલયી પાંડુતા (haemolytic anaemia), કેટલાક પ્રતિરક્ષાલક્ષી સ્વકોષઘ્ની રોગો (autoimmune diseases), ગુડપાશ્ચરનું સંલક્ષણ; આ પ્રકારના પ્રતિદ્રવ્યોને સીરમમાં દર્શાવવા માટે ઇન્ડાઇરેક્ટ ઇમ્યુનોફ્લોરેસન્સ ટેકનિક, કોમ્પિમેન્ટ ફિક્સેશન ટેસ્ટ, પ્રેસિપિટેશન ટેસ્ટ, લેટેક્સ પાર્ટિકલ એગ્લુટિનેશન ટેસ્ટ જેવી કસોટીઓ ઉપલબ્ધ છે.

ત્રીજો પ્રકાર, પ્રતિરક્ષાલક્ષી સંકુલજન્ય (આર્થસ) પ્રતિક્રિયા : જ્યારે પ્રતિજન-પ્રતિદ્રવ્યો એક બીજા સાથે સંયોજાઈને સંકુલો બનાવે અને તે પેશીમાં જમા થાય ત્યારે પ્રતિરક્ષાપૂરકો(complements)ની હાજરીમાં સોજો આવે અને કેટલાક કોષો જમા થાય છે તેમજ પેશીના કોષોને ઈજા પહોંચે છે અથવા તે મૃત્યુ પામે છે. સગુચ્છી મૂત્રપિંડીશોધ (glomerulonephritis) નામના રોગમાં બાઉમેનની કોથળીની તલીય કલા (basement membrane) પર આ પ્રકારનાં પ્રતિરક્ષા સંકુલોને જમા થયેલાં દર્શાવી શકાય છે. સ્ટ્રેપ્ટોકોકલ જીવાણુના ચેપ પછી તથા વ્યાપક રક્તકોષભક્ષિતા(systemic lupus erythematosus)માં જ્યારે મૂત્રપિંડમાં સગુચ્છી મૂત્રપિંડશોથ થાય છે ત્યારે પ્રતિરક્ષાલક્ષી સંકુલો કારણભૂત હોય છે. વિવિધ સૂક્ષ્મજીવો અને દવાઓ પણ આ પ્રકારની પ્રતિક્રિયા સર્જે છે. સીરમવ્યાધિ (serum sickness) પણ આ જ પ્રતિક્રિયાનું ઉદાહરણ છે.

ચોથો પ્રકાર, ટીકોષીય વિલંબિત અતિસંવેદનશીલતા : આ પ્રતિક્રિયામાં પ્રતિરક્ષાલક્ષી (immuno) – ગ્લોબ્યુલિન કાર્યરત નથી હોતું તેથી તેને કોષીય પ્રતિરક્ષા પણ કહે છે. ક્ષય, બ્રુસેલોસિસ, ઊંટાટિયું, ઉપદંશ (syphilis) જેવા રોગોમાં ટી-લસિકાકોષો દ્વારા રોગ કરતા સૂક્ષ્મજીવોનો પ્રતિકાર કરાય છે; તે સમયે ઉદભવતી શોથજન્ય (inflammatary) પ્રતિક્રિયા રોગનાં ચિહનો અને લક્ષણો કરે છે. પોતાના જ કોષોનો નાશ કરીને રોગ કરતા પ્રતિરક્ષાલક્ષી સ્વકોષઘ્ની (autoimmune) વિકારો પણ આ જ પ્રકારની પ્રતિક્રિયાના પરિણામરૂપે જોવા મળે છે, દા.ત., હાશિમોટોનો ગલગ્રંથિશોથ (thyroiditis).

પાંચમો પ્રકાર, ઉત્તેજક પ્રતિદ્રવ્યો : કોઈ IgG પ્રકારનાં પ્રતિદ્રવ્યો પોતાના શરીરના કોષોનો નાશ કરવાને બદલે તેના કાર્યનું ઉત્તેજન કરે તો આવાં ઉત્તેજક દ્રવ્યો તે કોષમાં અતિકાર્યતા(hyperactivity)નો વિકાર સર્જે છે, દા.ત., અતિગલગ્રંથિતા (thyrotoxicosis).

છઠ્ઠો પ્રકાર, પ્રતિદ્રવ્યઆધારિત કોષીય કોષવિષતા : શરીરના મારક (killer, k) કોષો લસિકાકોષો અથવા એકકેન્દ્રી કોષો (monocyte) જૂથના સભ્યો છે. મારક કોષોની સપાટી પર પ્રતિદ્રવ્યનો Fe ભાગ હોય છે જે, ‘મારવાલાયક’ નિશાન (target) કોષ પરના પ્રતિદ્રવ્યના વિશિષ્ટ સ્વીકારક તરીકે વર્તે છે. આ પ્રતિક્રિયામાં પ્રતિરક્ષાપૂરકો કાર્યરત હોતાં નથી. પ્રતિરક્ષાલક્ષી સ્વકોષઘ્ની વિકારો અને સીસ્ટીસોમિઆસીસના રોગમાં આ પ્રતિક્રિયા રોગનું કારણ છે.

અતિસંવેદનશીલતાના ઉપર ચર્ચેલા છ પ્રકારોમાંથી પ્રથમ અને ત્રીજા પ્રકારની પ્રતિક્રિયાઓ દવારૂપે, ખોરાક, શ્વાસ કે જંતુના ડંખ દ્વારા પ્રવેશેલા પ્રતિજનથી થાય છે ત્યારે તેને સામાન્ય વ્યવહારમાં ‘ઍલર્જી’ કહે છે. આઇવી (Ivy) નામનો ઝેરી પદાર્થ ચામડીમાં પ્રવેશે ત્યારે વિલંબિત કોષીય અતિસંવેદનશીલતા(ચોથો પ્રકાર)ની પ્રતિક્રિયા થાય છે અને તેને પણ ‘ઍલર્જી’માં આવરી લેવાય છે. ત્રીજા પ્રકારની અતિસંવેદનશીલતાજન્ય પ્રતિક્રિયાને આર્થસ-પ્રતિક્રિયા (arthus reaction) અથવા સીરમ વ્યાધિ (serum sickness) પણ કહે છે.

ઍલર્જી કરનારા પ્રોટીનયુક્ત પદાર્થો, વાયુઓ, દવાઓ તથા જંતુ કે સર્પદંશથી દૂર રહેવું જરૂરી ગણાય છે. એલર્જિક પ્રતિક્રિયા થઈ હોય ત્યારે એડ્રિનાલીન, હિસ્ટામિનરોધકો, કોર્ટિકોસ્ટીરોઇડ, પ્રાણવાયુ, ડેરિફાઈલીન, ડોપામિન, નસ વાટે યોગ્ય પ્રવાહીનો અંત:ક્ષેપ (infusion) વગેરે વિવિધ દવાઓ જીવન પરના તત્કાલ સંકટને દૂર કરે છે (જુઓ આઘાત, તત્કાળ અતિપ્રતિગ્રાહ્યતાજન્ય). ઍલર્જીની શક્યતા ઘટાડવા અલ્પસંવેદીકરણ (hyposensitization) કરાય છે (જુઓ – અલ્પપ્રતિગ્રાહીકરણ)

શિલીન નં. શુક્લ

ગૌતમ ભગત