ઍથેની : યુદ્ધ, કલા અને કારીગીરીની ગ્રીક દેવી. ગ્રીક નગરરાજ્ય ઍથેન્સનું નામ આ દેવીના નામ પરથી પડ્યું છે. ગ્રીક પુરાણો પ્રમાણે પોતાનું સ્થાન ભયમાં ન મુકાય માટે ઝિયસ તેની માતા મેટીસને ગળી ગયો; પરંતુ ઝિયસના માથામાંથી ઍથેની પુખ્ત વયની હોય તે રીતે જન્મી. યુદ્ધની દેવી હોવાને કારણે તે ન્યાય અને કૌશલ્ય ઉપર ભાર મૂકતી. તે બખ્તર અને ઢાલ ધારણ કરતી. ગ્રીક મહાકાવ્ય ઇલિયડમાં દર્શાવ્યા મુજબ ટ્રોજન યુદ્ધમાં તે ગ્રીકોને પક્ષે હતી અને ગ્રીક યોદ્ધાઓને તે પોરસ ચડાવતી હતી તેમ મનાય છે.

જ. જ. જોશી