ઍડિસન, જોસેફ (જ. 1 મે 1672, મિલ્સ્ટન, વિલ્ટશાયર; અ. 17 જૂન 1719, લંડન) : અંગ્રેજ નિબંધકાર, કવિ, નાટ્યકાર અને ગ્રીક તથા લૅટિન સાહિત્યના મર્મજ્ઞ રાજનીતિજ્ઞ. ‘ટૅટલર’ અને ‘સ્પેક્ટૅટર’ સામયિકોના માર્ગદર્શક અને સહાયક-લેખક. અનૌપચારિક નિબંધ- (familiar essay)ના પ્રવર્તકોમાંના એક. પિતા રેવરંડ લૅન્સલૉટ એડિસન, આર્ચડેકન ઑવ્ કૉવેન્ટ્રી અને લિચફીલ્ડના ડીન. શિક્ષણ ઍમેસબરી, સૅલિસબરી અને લિચફીલ્ડની ‘ગ્રામર સ્કૂલ’માં. લંડનના ચાર્ટર હાઉસમાં 14 વર્ષની વયે સભ્ય તરીકે નોંધણી. મૅઝૅલ કૉલેજ, ઑક્સફર્ડમાં અભ્યાસ. 1699-1703 દરમિયાન યુરોપનો પ્રવાસ.

‘ધ કૅમ્પેન’ (1705) બ્લેનહિમની લડાઈમાં થયેલ ઇંગ્લૅન્ડના વિજયની યશોગાથાનું ‘હિરોઇક કપ્લેટ’ છંદમાં રચાયેલું કાવ્ય છે. આ કૃતિઓથી રાજકારણ અને સાહિત્યમાં તેમની પકડ સુર્દઢ બની. 1705માં કમિશનર ઑવ્ એક્સાઇઝ તરીકે તેમની નિયુક્તિ થઈ. 1708થી મૃત્યુ પર્યન્ત વિગ પક્ષ તરફથી પાર્લમેન્ટના સભ્ય રહ્યા. 1709માં લૉર્ડ વૉર્ટનના મુખ્ય સચિવ તરીકે આયર્લૅન્ડ ગયા. ‘કિટ-કૅટ ક્લબ’ના સભ્ય થયા. સ્ટીલના ‘ધ ટૅટલર’ સામયિકમાં 1709-11 સુધી તેમણે લેખો લખ્યા. ત્યારપછી એડિસન અને સ્ટીલે સાથે મળીને ‘સ્પેક્ટૅટર’ સામયિક શરૂ કર્યું. ‘ગાર્ડિયન’માં પણ તેઓ અવારનવાર લખતા. તેમનાં શ્રેષ્ઠ લખાણો ‘ટૅટલર’માં જોવા મળે છે. ‘ધ વિઝન ઑવ્ મિરઝા’ તેમનો નોંધપાત્ર નિબંધ છે. ‘ચેવી ચેઝ’ અને ‘ધ ચિલ્ડ્રન ઇન ધ વુડ’માં બૅલડ કાવ્યપ્રકારનો સૌપ્રથમ મહિમા કર્યો. ‘ડાયલૉગ્ઝ અપૉન ધી યૂસફુલનેસ ઑવ્ ઍન્શન્ટ મેડલ્સ’ તેમનું મરણોત્તર પ્રકાશન છે. ‘કૅટો’ બ્લૅન્ક વર્સમાં લખાયેલ કરુણાંતિકા છે. ડ્રુઅરી લૅનમાં તે 1713માં ભજવાયેલું. તેનો અનુવાદ યુરોપની અનેક ભાષાઓમાં થયો છે. મહાન ફ્રેન્ચ તત્વજ્ઞ વૉલ્તેરે તેને અંગ્રેજી ભાષાની સર્વોત્તમ કરુણાંતિકા તરીકે નવાજેલું. આ જ વર્ષમાં કાઉન્ટેસ ઑવ્ વૉરવિક સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. આ અરસામાં તેમણે રાજકીય સામયિક ‘ધ ફ્રી હોલ્ડર’ શરૂ કર્યું. તે પછી સ્ટીલ સાથે ‘ધી ઓલ્ડ વિગ’ પણ તેમણે શરૂ કરેલું. ઍડિસનના પોતાના કહેવા મુજબ ઘર અને ગ્રંથાલયો, શાળા અને કૉલેજમાંથી તત્વજ્ઞાનને ક્લબ અને લોકવૃંદ તથા ચા-કૉફીના ટેબલ ઉપર લઈ જવાનું કામ તેમણે કર્યું છે. સમર્થ વિવેચક બૉનામી ડૉબ્રીએ તેમને ‘પ્રથમ વિક્ટૉરિયન’ કહીને નવાજ્યા છે.

વિ. પ્ર. ત્રિવેદી