ઍટ્રિયસ, ટ્રેઝરી ઑવ્ (મીસિનિયા)

January, 2004

ઍટ્રિયસ, ટ્રેઝરી ઑવ્ (મીસિનિયા) : ઍગૅમેમ્નોનની કબર તરીકે પણ ઓળખાતી ગ્રીક ઇમારત. તે એજિયન સંસ્કૃતિની કબરોમાં સૌથી સુંદર છે. લગભગ ઈ. પૂ. 1325માં બંધાયેલી આ કબરનો મુખ્ય ભાગ આશરે 15 મી. વ્યાસના ઘેરાવાવાળો અને 13 મી. ઊંચો ઘુમ્મટ આકારનો છે. ઘુમ્મટનો ભાગ 34 વર્તુળાકાર થરોમાં બંધાયેલો છે. બધું જ બાંધકામ નળાકાર ખાડામાં, માટીના ઘાબા પર એવી રીતે થયેલું છે કે ઘુમ્મટની ટોચ ટેકરાવાળી જમીનના થર સુધી જ આવે. આને અડીને એક 8.2 મી.નો ચોખંડો ઓરડો ખરેખર કબર હતી. આ કબરમાં વપરાયેલ એક સ્તંભ અત્યારે બ્રિટિશ સંગ્રહસ્થાનમાં રાખવામાં આવેલો છે.

ડ્રોમોસ એટલે કે પ્રવેશમાર્ગ દ્વારા કબરમાં પ્રવેશ થતો. આ 6.4 મી. પહોળો અને 35 મી. લાંબો માર્ગ ટેકરીમાંથી કોતરવામાં આવતો, જેથી તેની ઊંચાઈ ક્યારેક 13.7 મી. જેટલી રહેતી. બંને બાજુની દીવાલો ઈંટ વડે ચણાતી અને તેની જાડાઈ ક્યારેક 3 મી. સુધી રહેતી. મુખ્ય કબરનો પ્રવેશ અત્યંત પ્રભાવશાળી હતો અને તેની વિશાળ દીવાલ પર લાલ, લીલા અને સફેદ પથ્થરમાં કલાત્મક કોતરણી હતી.

રવીન્દ્ર વસાવડા