એટ્રુસ્કન : ઇટાલીની મધ્યમાં પશ્ચિમ કિનારા ઉપર માનવસંસ્કૃતિ સ્થાપવાની પહેલ કરનારી પ્રજા. આ પ્રદેશને એટ્રુરિયા કહેવામાં આવતો. ઈ. પૂ.ની છઠ્ઠી સદીમાં તેમની સંસ્કૃતિ સર્વોચ્ચ શિખરે પહોંચી હતી. ઈ. પૂ.ની સાતમી સદીની મધ્યમાં મુખ્ય એટ્રુસ્ક્ધા નગરો સ્થપાયાં અને તેમણે ઈ. પૂ.ની છઠ્ઠી સદીમાં અનેક વિજયો પ્રાપ્ત કર્યા હતા, જેમાં તાર્કીની, પોપુલોનિયા, ફ્લોરેન્ટિયા, વોલ્ટેરાં જેવાં આધુનિક નગરોનો સમાવેશ થાય છે. ઈ. પૂ. 616થી 510/9 સુધી એટ્રુસ્કન વંશના રાજાઓએ રોમ પર રાજ્ય કર્યું. તેમની સંસ્કૃતિ, આકર્ષક સ્થાપત્ય, બેનમૂન ધાતુકામ, માટીનાં વાસણો, ચિત્રકામ, શિલ્પ, નહેરો, સિક્કાઓ વગેરે માટે જાણીતી છે. તેમનું કાંસાકામ ખૂબ વખણાતું. તેમના અનેક અભિલેખો મળ્યા છે. એક સમયે તેમની સત્તા નેપલ્સના અખાતથી જીનોઆ અને એપેન્નાઇન્સ સુધી પ્રસરી હતી.

યતીન્દ્ર દીક્ષિત