ઍક્યુપ્રેશર

January, 2004

ઍક્યુપ્રેશર : હથેળીમાં કે પગના તળિયામાં આવેલાં અમુક બિંદુઓને દબાવીને કેટલાક રોગોનો ઉપચાર કરવાની વિશિષ્ટ પદ્ધતિ. આ પદ્ધતિમાં શરીરમાં વિદ્યુતપ્રવાહ રૂપે ચેતના પેદા થાય છે એમ માનવામાં આવે છે અને તેને વહન કરનાર વિવિધ માર્ગો મેરિડિયન્સ તરીકે ઓળખાય છે. ચેતનાનો આ પ્રવાહ શરીરમાં બરાબર ફરતો રહે ત્યાં સુધી શરીર તંદુરસ્ત રહે છે. વધારે પડતા શ્રમ અને ઘસારાને કારણે શરીરના વિવિધ અવયવો સુધી આ વિદ્યુતપ્રવાહ પહોંચતો નથી, જેને કારણે દર્દ કે દુખાવો થાય છે. ઍક્યુપ્રેશર પદ્ધતિ જે તે સ્થળે વિદ્યુતપ્રવાહને પહોંચાડીને દુખાવો દૂર કરે છે તેમ માનવામાં આવે છે. પાશ્ચાત્ય દેશોમાં આ પદ્ધતિ રિફ્લેક્સૉલૉજી અથવા ઝોન ચિકિત્સા (zone therapy) તરીકે ઓળખાય છે અને તે લોહીના પરિભ્રમણ સાથે સંકળાયેલી મનાય છે. આયુર્વેદના શલાકાશાસ્ત્રમાં આનો ઉલ્લેખ જોવા મળે છે. ભારત, શ્રીલંકા, નેપાળ, જાપાન, ક્યૂબા, આફ્રિકા, કૅનેડા, અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં આ પદ્ધતિનાં લગભગ 1,250 કેન્દ્રોમાં પ્રયોગો કરવામાં આવે છે.

આ પદ્ધતિમાં એમ માનવામાં આવે છે કે શરીરરૂપી વિદ્યુતઘરના સંચાલનનું સંપૂર્ણ સ્વિચબૉર્ડ હાથ અને પગના પંજાઓમાં રહેલું છે. આ બિંદુઓ શરીરનાં વિવિધ અંગો સાથે સંકળાયેલાં છે. (જુઓ કોષ્ટક અને આકૃતિ 1  4.) આ બિંદુઓને દબાવવાથી આ સ્વિચો કાર્યરત થતાં શરીરને રોગ કે દુખાવાથી મુક્ત કરી શકાય તેવો આ પદ્ધતિનો દાવો છે.

હથેળી અને પગના પ્રત્યેક તળિયામાં 38 બિન્દુઓ છે એટલે કે કુલ 152 બિંદુઓ થાય છે. આ બિંદુઓ ઉપર અને આજુબાજુ અંગૂઠાથી, બુઠ્ઠી પેન્સિલથી અથવા એવી કોઈ ચીજથી દબાણ આપતાં જે તે અંગનો રોગ હશે તો બિંદુમાં દુખાવો થશે. આમ બિંદુ દબાવતાં થતા દુખાવા ઉપરથી જે તે રોગની સાબિતી મેળવી શકાય છે. હથેળી અને/અથવા પગના તળિયામાં આવેલા જે તે રોગ સાથે સંકળાયેલ આ બિંદુઓને શોધીને 4-5 મિનિટ દબાવવાથી દર્દ મટે છે અથવા તેમાં રાહત અનુભવાય છે. દરદી જાતે પણ પોતાના રોગ સાથે સંકળાયેલ બિંદુઓ શોધીને પોતાની સારવાર કરી શકે છે. દાંત, માથું, ડોક વગેરે સાથે સંકળાયેલ દર્દ 45 મિનિટમાં મટાડી શકાયાનો દાવો છે. મોટા રોગ સાથે સંકળાયેલ દર્દના કિસ્સામાં 50 %થી 75 % સુધીની રાહત થયાનો દાવો છે. બિંદુઓને દિવસમાં ત્રણ વખત (સવારે, બપોરે, સાંજે) જમ્યા પહેલાં દબાવવાનાં અને છોડવાનાં હોય છે. 15, 30 કે 90 દિવસના ગાળામાં મોટાભાગનાં દર્દો મટી ગયાનો અથવા તેમાં ઘણી રાહત મળ્યાનો અનુભવ થાય છે એમ વિષયના નિષ્ણાતોનો મત છે. આ સમયનો આધાર દર્દ કેટલું જૂનું છે, દર્દીની ઉંમર તથા બીજાં ઔષધો કેટલો સમય લીધેલાં છે વગેરે બાબતો ઉપર રહેલો છે. વિવિધ પ્રકારનાં દર્દો માટે કયાં બિંદુઓ દબાવવાં તે અંગેની માહિતી નીચે ટૂંકમાં આપી છે.

આકૃતિ 1 : બિંદુઓનો સંખ્યાંક અવયવ

1. મગજ

2. માનસિક ચેતાતંતુઓ

3. પિટ્યૂઇટરી ગ્રંથિ

4. પિનિયલ ગ્રંથિ

5. મસ્તકના ચેતાતંતુઓ

6. ગળું

7. ડોક

8. થાઇરૉઇડ

9. કરોડરજ્જુ

10. હરસ-મસા

11. પ્રૉસ્ટેટ

12. યોનિમાર્ગ

13. જનનેન્દ્રિય

14. ગર્ભાશય

15. અંડાશય

16. કમર-કરોડરજ્જુનો

        નીચેનો ભાગ

17. સાથળ

18. પેશાબની કોથળી

19. આંતરડું (નાનું)

20. આંતરડું (મોટું) (ગુદા)

21. ઍપેન્ડિક્સ

22. પિત્તાશય

23. યકૃત

24. ખભા

25. પૅન્ક્રિયાસ

26. કિડની

27. જઠર-પેટ

28. ગુર્દા-એડ્રિનલ

29. પિચોટી (સૂર્યકેન્દ્ર)

30. ફેફસાં

31. કાન

32. શક્તિકેન્દ્ર (અશક્તિ માટે)

33. કાનના ચેતાતંતુઓ

34. શરદીના ચેતાતંતુઓ

35. આંખ

36. હૃદય

37. બરોળ

38. થાયમસ

દાંતનો દુખાવો : જમણી બાજુના છેલ્લા ચાર (બે ઉપરના, બે નીચેના) પૈકીનો કોઈ દાંત દુખે તો જમણી ટચલી આંગળીનો પહેલો વેઢો દબાવવો. ત્યારપછીના ચાર દાંત માટે જમણી ટચલી પાસેની આંગળીનો પહેલો વેઢો દબાવવો. આ રીતે 32 દાંત માટે 8 આંગળીઓના પહેલા વેઢાને દબાવવા.

માથાનો દુખાવો – 1, 5, 7; ડોકનો દુખાવો 7; પેટનો દુખાવો – 27; આધાશીશી – કપાળ દુખવું  5; સારણગાંઠ, વૃષણનો સોજો – 11, 15; હરસમસા  10; ખાસ વધારામાં – 8, 19, 20; લોહીનું નીચું દબાણ – 14, 22, 23, 25, 28; સાયનસ – 1થી 7, 34 (બધાં ટેરવાં); લોહીનું ઊંચું દબાણ – 3, 4, 8, 14, 18, 25, 28; વાઈ, ફેફરું, હિસ્ટીરિયા – 1, 5, 30; હૃદયની બીમારી – 36(½ મિનિટ, દિવસમાં ચાર વાર); કમળો  10, 20, 22, 23, 25, 28; ઊલટી, ગૅસ, ઝાડા  19, 20, 22, 27; તાણ, આંચકી  1થી 5, 8, 14, 15, 18, 26; ઍલર્જી, એપેન્ડિસાઇટિસ  21; એસિડિટી, હાઇપરટેન્શન  22, 23, 25 (જમણા પગ વચ્ચે દાબો); મૂર્છા – 1 અને જમણી ટચલી આંગળીના નખ પાસે બંને ખૂણેથી દાબો; હેડકી અને મોટી ઉધરસ  જમણી ટચલી આંગળીના બીજા વેઢા પર પાછળથી દાબવું; દમ, શરદી, કાકડા, ઉધરસ – 1થી 34; ખભાનો દુખાવો  24; હાથીપગું  26 તથા કૃપાચક્ર ફેરવો; કરમિયા – જમણા પગની પાટલીની છેલ્લી આંગળી વચ્ચે દાબો; થાક, નબળાઈ, બેચેની, ઊંઘ – 28, 32 તથા બંને હાથનાં આંગળાં જુદી જુદી રીતે ભિડાવો; ગાલપચોળિયાં – 6, 7, 26; માનસિક અસ્થિરતા, ગાંડપણ – બધાં બિન્દુઓ; વા અને શરીર દુખવું – અંગૂઠા અને પહેલી આંગળીની વચ્ચે પાછળથી દાબવું; કરોડરજ્જુ, કમરનો દુખાવો – 9, 16; કાનના રોગો – 31, 33; વાળ ખરવા ને અકાળે સફેદ થવા – હાથની આંગળીઓના નખ સામસામા 10 મિનિટ ઘસવા; ઊંઘમાં પેશાબ થવો – જમણી ટચલી આંગળીના બે વેઢાને ખૂણે પાછળથી દાબવું તથા 18, 26, 28; આંખના રોગ – 35; બાળકોનો ઓછો અથવા બહુ વિકાસ – 3, 8, 38; પોલિયો, લકવા – 1, 8, 11થી 15, 28, કૃપાચક્ર ફેરવો; ઓરી – 28, 30, 34, 38; શીતળા – 22, 23, 29, 38; ગૂમડાં-ચાંદાં-પાક – 16, 26; હૃદયમાં ધબકારા થવા – 15 અને 17 વચ્ચે દાબો; મૂંગાપણું, તોતડાપણું – 1, 31, 34, 38; યાદશક્તિ વધારવી – 1, (1થી 3 માસ માટે) જ્ઞાનમુદ્રા; મેનિનજાઇટિસ – 1થી 5; ડિપ્થેરિયા – 1થી 7, 19, 20, 34, 36, 38; કાનનો દુખાવો – 31, 33; ટાઇફૉઇડ – 19, 22, 23, 26, 27; ચામડીના રોગ – બધાં બિન્દુ; નસકોરી ફૂટવી – નાક અને હોઠ વચ્ચે દાબો; ક્ષય – 1થી 7, 29 અને 30; સ્ત્રીઓના રોગ, મેનોપૉઝ – 12થી 15; મેદવૃદ્ધિ – 3, 8, 14, 15, 26, કૃપાચક્ર ફેરવો; તાવ –  જમણા હાથમાં બિંદુ 1 અને 5 પર કપડાં સૂકવવાની બે ક્લિપ ચઢાવો અને તે 34 ઉપર અને 35થી આગળ વેઢા વચ્ચે બે રબરબૅન્ડ ચઢાવો, 10–12 મિનિટમાં તાવ ઊતરશે. ઍક્યુપ્રેશરની સારવાર સાથે ભાજીઓ ખાવાથી, તેનો રસ પીવાથી તથા ફળોના ઉપયોગથી સારાં પરિણામો લાવી શકાય છે.

કૃપાચક્ર : આ ખાસ પ્રકારનું 30.48 સેમી. (એક ફૂટ) લાંબું ગોળ ફરે તેવું, વેલણ આકારનું, ખરબચડું, ઍક્યુપ્રેશર માટેનું સાધન છે, જે પોંડિચેરીના સાધકોએ વિકસાવ્યું છે. આ સાધનથી એકસાથે ઘણાં બિન્દુઓને દાબી શકાતાં હોવાથી ઘણા રોગો હોય ત્યારે તે વિશેષ ઉપયોગી છે. તેના ઉપયોગથી સમય પણ બચે છે.

દરરોજ સવારે, બપોરે અને સાંજે જમ્યા પહેલાં આ ચક્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ હાથે હાથનાં આંગળાંથી કાંડા સુધી અને પગે પગનાં આંગળાંથી એડી સુધી 5-5 મિનિટ ફેરવવાથી 15, 30 કે 90 દિવસે મોટાભાગના રોગ મટે છે.

ઍક્યુપ્રેશર પદ્ધતિની સફળતાનું પરિણામ 70થી 75 ટકા આવે છે. આ પદ્ધતિમાં દવાનો ઉપયોગ નથી તેથી ખર્ચનો પ્રશ્ન નથી. દર્દી પોતે તેનો ઉપયોગ સરળતાથી કરી શકતો હોઈ તેના વ્યાપક સ્વીકારની પૂરી શક્યતા છે.

મુગટલાલ જી. થાનકી