ઊરુસ્તંભ : સાથળ જકડાઈ જાય, હલનચલન મર્યાદિત થાય કે સંપૂર્ણપણે અટકી જાય તેવો રોગ. સુશ્રુતે આનો વાતવ્યાધિમાં સમાવેશ કર્યો છે, જ્યારે ચરકે તેને કફજન્ય ગણીને ઊરુસ્તંભ નામથી સ્વતંત્ર રોગ તરીકે વર્ણવ્યો છે.

અત્યંત શીત, સ્નિગ્ધ, રુક્ષ અને ગુરુ પદાર્થોનું સેવન, અજીર્ણમાં ભોજન વગેરેથી વધતો આમદોષ, પિત્ત તથા મેદની સાથે સાંધામાં દાખલ થઈને સાથળનું હલનચલન અટકાવે છે.

આ રોગમાં બંને સાથળમાં ભારેપણું લાગે છે, સાથળની ત્વચા સ્પર્શમાં ઠંડી લાગે છે, સંવેદન ઓછું થાય છે અને રોગ વધતાં ઘૂંટણથી નીચેના પગમાં પણ હલનચલન ઓછું થાય છે. પગમાં કળતર થાય છે અને હાડકાં દુ:ખે છે, તાવ આવે છે, રૂંવાડાં ઊભાં થાય છે. આ રોગની શરૂઆત હોય, બીજા ઉપદ્રવ ન હોય, દાહ, તોડ, કંપાદિ લક્ષણો ઉત્પન્ન ન હોય તો તે સાધ્ય હોય છે.

આ રોગમાં સ્નેહન, વમન, માલિશ, રક્તમોક્ષણ, બસ્તિ વગેરે કરાવવાની મનાઈ છે. લંઘન ને સ્વેદન તથા પ્રવાહ વિરુદ્ધ તરવાની કસરત હિતાવહ છે.

ઊરુસ્તંભ રોગની સારવારમાં મહારાસ્નાદિ ક્વાથ સાથે મહાયોગરાજ ગૂગળ અથવા દશમૂલ ક્વાથ અને પિપ્પલ્યાદિ ક્વાથ સાથે મહાયોગરાજ ગૂગળ વધુ લાભપ્રદ છે. અન્ય ઔષધોમાં પુનર્નવાદિ ક્વાથ, રસોનપિંડ, સારિવાદ્યાસવ, પિપ્પલ્યાદિ ચૂર્ણ, શિલાજિત્વાદિ વટી, પુનર્નવા મંડૂર કે પુનર્નવા ગૂગળ, વાતગજાંકુશ ઇ. ઉપયોગી છે. દર્દીને જો કબજિયાત હોય તો પંચસકાર ચૂર્ણ, દીનદયાળ ચૂર્ણ કે શિવાક્ષાર પાચન ચૂર્ણ જેવાં ઔષધો સવારે ગરમ પાણી સાથે દેવાય છે. જો આ રોગ ઉપદંશ(સિફિલિસ)ને કારણે થયેલ હોય તો દેવકુસુમાદિ વટીની 2-2 ગોળી મહામંજિષ્ઠાદિ ક્વાથ સાથે આપવી ઇષ્ટ છે.

આ રોગમાં દર્દીએ કફદોષનો નાશ કરે તેવો હળવો, ગરમ, લૂખો, સૂકો, સ્નેહ (ઘી-તેલ) વગરનો, તાજો (ઉષ્ણ) ખોરાક લેવાય છે. પાણી ઉકાળેલું અને જરા ગરમ જ પીવું હિતાવહ છે. લીમડો અને કરંજપાન કે સરગવાનાં પાન પાણીમાં ઉકાળી, તે પાણીની વરાળ સાથળને દેવાથી તેમજ એકટાણું કે ઉપવાસ કરવાથી લાભ થાય છે. સ્નાન હંમેશાં ગરમ પાણીથી જ કરાય છે અને દર્દવાળા સાથળ પર ગરમ કપડાનો પટ્ટો પણ બાંધવામાં આવે છે.

 હરિદાસ શ્રીધર કસ્તૂરે

 બળદેવપ્રસાદ પનારા