ઉષા : વૈદિક દેવતા ઋષિઓનું આરાધ્ય સુંદર પ્રકૃતિતત્વ. કાવ્યર્દષ્ટિએ સૌથી મહત્વનાં અને તેથી વૈદિક કવિતાનાં સર્વાધિક સુન્દરતમ સર્જન સમાં ઉષાદેવીના અદભુત વ્યક્તિત્વમાંના નિત્યનવીન તાજગીભર્યા સૌન્દર્યને વર્ણવતા ઋગ્વેદના ઋષિઓની પ્રતિભા પરાકાષ્ઠાએ પહોંચી છે.

પ્રકાશ-વસ્ત્રોમાં સજ્જ અને અતુલનીય સૌંદર્યથી દેદીપ્યમાન ઉષાદેવી એકધારી નિયમિતતાથી ऋतावरी-સ્વરૂપે પૂર્વ દિશામાં પધારે, અંધકારગુપ્ત અઢળક સંપત્તિના ખજાનાઓ ખુલ્લા કરે અને તેનું ઉદારતાપૂર્વક વિતરણ કરે, ત્યારે સ્તોતાઓ એમનું विश्ववारी અને मघोनी તરીકે ઉષ્માપૂર્વક સ્વાગત કરે છે.

પ્રિયતમા માફક સૂર્ય વડે સતત અનુસરાતાં ઉષાદેવી दिवोदुहिता, ज्योतिषां ज्योति:, રાત્રિની ज्यायसी स्वसा, विभाती, पावका, विभावरी વગેરે પ્રાકૃતિક વિશ્વ સાથે સંકલિત ઉપમાનો પામ્યાં છે.

પ્રાચીન, છતાં પુન: પુન: પ્રતિદિન પ્રગટતાં હોવાથી ‘નિત્ય-યુવતી’ અને એકસરખાં રૂપથી ઓપતાં ઉષાદેવીને આવો અનન્ય પ્રશસ્તિ-અર્ઘ્ય અપાયો છે : – पुनःपुनर्जांयमाना पुराणी समानं वर्णमभिशुम्भमाना । (1, 92, 10).

જયાનંદ દવે