ઉષ:કાલ (1895-1897) : મરાઠી નવલકથાકાર હરિનારાયણ આપ્ટેની પ્રથમ ઐતિહાસિક નવલકથા. તે 1895થી 1897 દરમિયાન ‘કરમણૂક’ સામયિક ધારાવાહિક રૂપે પ્રગટ થયેલી. તેમાં મરાઠાશાહીના ઉદયકાળનું રોમહર્ષક ચિત્ર છે. દસ વર્ષથી સામાજિક વાર્તાઓ અને નવલકથાઓ લખનાર હરિભાઉ 1895માં ઐતિહાસિક નવલકથા તરફ વળે છે. 1890થી ન્યા. મૂ. રાનડે, ન્યા. મૂ. તેલંગ અને ઇતિહાસાચાર્ય રાજવાડે જેવા મહાનુભાવોએ મહારાષ્ટ્રમાં ઇતિહાસના અધ્યયન અને સંશોધનની પ્રવૃત્તિને વેગ આપ્યો હતો તેમાં હરિભાઉ પણ સહભાગી થયેલ. તે સમય દરમિયાન ઇતિહાસના જાણીતા સંશોધક જદુનાથ સરકારનો તેમને પરિચય થયો, જે સમય જતાં ગાઢ બન્યો. પરિણામે 1894થી હરિભાઉ આપટેના મનમાં મરાઠાઓના ઇતિહાસની પૃષ્ઠભૂમિમાં નવલકથા લખવાનો વિચાર સ્ફુર્યો અને શિવાજી તથા તત્કાલીન સમયને લગતી ઉપલબ્ધ સાધન-સામગ્રીનો અભ્યાસ કરીને તેમણે આ પ્રથમ ઐતિહાસિક નવલકથા લખી. વિશિષ્ટ ઐતિહાસિક કાળ, તેમાંની કેટલીક ઐતિહાસિક ઘટનાઓ તથા વ્યક્તિઓની સાથે કેટલાંક કાલ્પનિક પાત્રોનું સર્જન કરીને તત્કાલીન વાતાવરણને વફાદાર રહીને જીવંત ઐતિહાસિક નવલકથા લખવાની મરાઠીમાં પ્રથા શરૂ કરવાનો જશ આપટેને જાય છે. તે ર્દષ્ટિએ મરાઠી સાહિત્યમાં ‘ઉષ:કાલ’નું ઐતિહાસિક મહત્વ છે.

નવલકથાનો મુખ્ય હેતુ શિવાજી મહારાજનું ચરિત્ર લખવાનો નહિ, પરંતુ તેમની સ્વરાજ્ય સ્થાપવા અંગેની પ્રેરણા પાછળની પરિસ્થિતિનું સમ્યક્ બયાન કરવાનો હોય તેમ લાગે છે. દક્ષિણના ઉન્મત્ત મુસલમાન શાસકો, તેમના અમલદારો અને નોકરો દ્વારા હિંદુ પ્રજા પર થતા જુલમ, આર્થિક શોષણ, સ્ત્રીઓનું અપહરણ, હિંદુ સરદારોની વફાદારી અંગે શંકાકુશંકા રાખવી અને તેમને અવારનવાર અપમાનિત કરી તેમના પર અત્યાચાર ગુજારવા વગેરે પ્રકારની સર્વસામાન્ય પરિસ્થિતિમાં સોળમી સદીના પ્રારંભકાળમાં દક્ષિણ ભારતમાં હિંદુ પ્રજા જીવતી હતી; આ પરિસ્થિતિના પરિપાકરૂપે જ શિવાજી જેવો ઉદ્ધારક પુરુષ પ્રગટ થયો, જેણે પોતાના વિચક્ષણ વ્યક્તિત્વના પ્રભાવથી અને તત્વનિષ્ઠાથી વેરવિખેર થયેલા હિંદુ સરદારોને એકત્રિત કરીને સ્વરાજ્યનો દીપ પ્રજ્વલિત કર્યો. આ ઐતિહાસિક હકીકતોનું વસ્તુલક્ષી બયાન કરવા માટે લેખકે મુસલમાનોના છલકપટના ભોગ બનેલા અને તેનાથી સંતપ્ત થયેલા રામદેવરાવ યાદવ, સૂર્યાજી દેશમુખ અને નાનાસાહેબ જેવા અન્યાય સામે ઝઝૂમનારા શૂરવીર યુવકોની કલ્પિત કથાની પાર્શ્વભૂમિમાં છત્રપતિ શિવાજીના સ્વરાજ્ય માટેના પ્રયત્નોનું આકર્ષક નિરૂપણ કરેલું છે.

હરિભાઉ આપટેએ ઐતિહાસિક નવલકથાના રચનાતંત્રનો ઝીણવટથી અભ્યાસ કર્યો હતો. તેને લીધે તત્કાલીન હકીકતો તથા કાલ્પનિક પાત્રો અને ઘટનાઓ વચ્ચે સુંદર સમન્વય સાધવામાં તેમને સફળતા મળી છે. રસભર્યું કથન, કુતૂહલપ્રેરક વસ્તુસંકલના, જીવંત પાત્રચિત્રણ અને ઐતિહાસિક વાતાવરણનું તાર્દશ ચિત્ર નવલકથામાં રચનાનું એકત્વ સાધી આપે છે. એ રીતે પણ ‘ઉષ:કાલ’ મરાઠી નવલકથાના વિકાસમાં સીમાસ્તંભરૂપ ગણાય છે.

ઉષા ટાકળકર

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે