ઉષવદાત (ઈ. પ્રથમ સદીમાં હયાત) : ક્ષત્રપ રાજા નહપાનનો જમાઈ, તેદીનીકનો પુત્ર, દક્ષમિત્રાનો પતિ અને શક જાતિનો ભારતીયકરણ પામેલો ઉષવદાત (ઋષભદત્ત) નાસિક-કાર્લેની ગુફામાંના કોતરલેખોથી ખ્યાતિ પામેલો છે. બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષાનાં એનાં લખાણોથી સમકાલીન ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિની સારી માહિતી મળે છે. ઈસુની પ્રથમ સદી દરમિયાન વિદ્યમાન ઉષવદાતે નાસિકથી પુષ્કર સુધીના વિસ્તારમાં બૌદ્ધ-બ્રાહ્મણ ધર્મોના અભ્યુદય માટે ઘણાં ધર્મદાન કર્યાં હતાં એમ એનાં લખાણોથી સૂચવાય છે. ઉષવદાતે ઉજ્જૈન, ભરુકચ્છ, શૂર્પારક, કર્પૂર આહાર, પ્રભાસ, દશપુર વગેરે સ્થળોએ દાન કર્યાં હતાં. પુષ્કરમાં જઈ સ્નાન કર્યાનો તેમજ 3,000 ગાયો અને એક ગામનું દાન કર્યાનો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે.

રસેશ જમીનદાર