ઉશમલ : આઠ પ્રકારનાં મકાનજૂથોથી શોભતું માયા સંસ્કૃતિનું, હાલ મેક્સિકોના અખાતી વિસ્તારમાં મુકતાનમાં આવેલું અતિ સુંદર શહેર. માયા સંસ્કૃતિના પુનરુત્થાનકાળમાં 987માં બંધાયેલા ઉશમલનો ઇતિહાસ પરંપરા, લોકસાહિત્ય ને લખાણોમાં મળે છે. તારીખવાળા સોળ જેટલા દશમી સદીના ઉત્કીર્ણ-અલંકૃત સ્તંભો ઉશમલ આસપાસથી મળ્યા છે. અહીંનું વામનજીનું દોઢસો પગથિયાંવાળું મંદિર ધ્યાન ખેંચે તેવું છે. અહીંની જમીન સમૃદ્ધ છે. વરસાદ ખૂબ પડે છે. કૂવાના અભાવે ભોંયરામાંના ટાંકાથી લોકોને પાણી પૂરું પડાય છે.

રસેશ જમીનદાર