ઉવએસમાલા (ઉપદેશમાલા પ્રકરણ) (ચોથી-પાંચમી સદી) : ઉપદેશાત્મક પ્રાકૃત કૃતિ. આ પ્રકરણગ્રંથના કર્તા ધર્મદાસગણિ ક્ષમાશ્રમણને જૈન પરંપરા પ્રમાણે ભગવાન મહાવીરના હસ્તે દીક્ષા પામેલા તેમના અંતેવાસી માનવામાં આવે છે, પરંતુ પુરાવાને આધારે ચોથી-પાંચમી સદીમાં તેમને મૂકી શકાય. પોતાના સાંસારિક પુત્ર રણસિંહકુમારને પ્રતિબોધવા નિમિત્તે, સર્વ જીવોના કલ્યાણ અર્થે, 540 (544) ગાથાના આ પ્રકરણની તેમણે રચના કરેલી છે.

આ પ્રકરણ પર શ્રી સિદ્ધર્ષિગણિવરે વિ. સં. 918માં સંસ્કૃતમાં કથા વગરની સંક્ષેપ ટીકા રચેલી છે તથા રત્નાવતારિકાકાર શ્રી રત્નપ્રભસૂરિએ તે ટીકાનો ઉપયોગ કરી પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં કથાસહિત ‘દોઘટ્ટી’ નામની ટીકા વિ.સં. 1182માં રચેલી છે.

ઉપદેશમાલા એ આગમની તુલનામાં મૂકી શકાય તેવું અપૂર્વ વૈરાગ્યોત્પાદક શાસ્ત્ર છે. તેમાં સુસાધુનાં લક્ષણ, કુશિષ્યનાં લક્ષણ, કર્મની વિચિત્રતા, ચાર કષાય, વિનયધર્મ, શ્રાવકના આચાર વગેરે મુમુક્ષુ જીવોને ઉપયોગી એવી અનેક વિષયોની રસમય અને સરળ શૈલીમાં રજૂઆત કરવામાં આવી છે.

આ ગ્રંથની શૈલીથી પ્રભાવિત થઈને અનેક વિદ્વાનોએ આવી બીજી ઉપદેશાત્મક રચનાઓ કરી છે. સિદ્ધરાજ જયસિંહથી સન્માનિત મલધારી હેમચંદ્રસૂરિએ તો આ જ નામથી ‘ઉપદેશમાલા અપરનામ પુષ્પમાલા સ્વોપજ્ઞવિસ્તૃતવિવરણ સાથે’ રચી હતી, જે પ્રસિદ્ધ છે.

રમણિકભાઈ મ. શાહ