ઉપાંગાભાસ (phantom limb)

January, 2004

ઉપાંગાભાસ (phantom limb) : હાથ, પગ, સ્તન કે પ્રજનનેન્દ્રિય જેવાં ઉપાંગો ગુમાવ્યા પછી પણ તે શરીર સાથે જોડાયેલાં છે તેવો આભાસ. ક્યારેક તેમાં કોઈ કારણ વગર સખત પીડા પણ થાય છે. પીડાનાશક દવા, ચેતા (nerve), ચેતામૂળ કે કરોડરજ્જુના છેદન જેવી ક્રિયાઓથી પણ આ પીડા શમતી નથી. ઉપાંગનું ધડથી જેટલું નજીકનું ઉચ્છેદન (amputation) થયું હોય, તેમાં ઉચ્છેદન પહેલાં જેટલી પીડા થતી હોય અને જેટલા પ્રમાણમાં આભાસી પીડા અંગેની દર્દીને જાણકારી હોય તેટલી વધુ પીડા તેને થાય છે. તેનું કારણ હજુ પૂરેપૂરું સમજાયું નથી. તેને સમજવા માટે હાલ લિવિંગ્સ્ટનની પુનરાવર્તી ચેતાપરિપથ(reverberating circuit, જુઓ ‘અંતર્ગ્રથન’)નો સિદ્ધાંત ઉપયોગી છે. તેમના મત પ્રમાણે જેમ ઈજા પામેલી બહારની સંવેદના-ચેતાઓ (peripheral sensory nerves) અને અનુકંપી ચેતાતંત્રની ચેતાઓ (sympathetic nerves) વચ્ચેની આંતરક્રિયાઓ ચેતાપીડ (causalgia) સર્જે છે તેમ ઈજા પામેલા ઉપાંગમાંથી સંવેદના લાવતી અભિકેન્દ્રી (afferent) ચેતાઓ કરોડરજ્જુમાં ઉત્તેજિત થયેલા પુનરાવર્તી ચેતાપરિપથ અને મગજમાંથી નીચે ઊતરી આવતી ઉત્તેજનાઓ (stimuli) વચ્ચેની આંતરક્રિયા ઉચ્છેદિત ઉપાંગમાં આભાસી પીડા સર્જે છે. આવી આંતરક્રિયામાં શ્વેતાવરણરહિત (unmyelinated) સંવેદના-ચેતાઓ ઉત્તેજિત થાય છે. ઈજાગ્રસ્ત ચેતામાંથી જ્યારે પુષ્કળ પ્રમાણમાં પીડાવાહી ઉત્તેજનાઓ કરોડરજ્જુમાં પ્રવેશે ત્યારે તે અનુકંપી ચેતાતંત્રને પીડાલક્ષી ચેતાતંતુઓ સાથે આંતરક્રિયા કરી ચેતાપીડ ઉત્પન્ન કરે છે. તેથી માનસિક આઘાત કે ઈજાગ્રસ્ત ભાગને સ્પર્શવાથી ઉત્પન્ન થતી ચેતાપીડ અનુકંપી ચેતાઓને કાપવાથી, સ્થાનિક નિશ્ચેતના (local anaesthesia) દ્વારા તે ભાગને બહેરો કરવાથી, ચેતાઓનું છેદન કરવાથી તથા માનસિક સહાનુભૂતિ દર્શાવવાથી ઘટે છે. આભાસી પીડામાં કાર્યરત પુનરાવર્તી ચેતાપરિપથ સાથે આંતરક્રિયા કરતા ચેતાપથ ઉચ્છેદિત ઉપાંગની સંવેદનાઓનું અર્થઘટન કરતા મગજના બહિસ્તર(cerebral cortex)ના ભાગ સાથે જોડાયેલા હોવાથી ચેતાછેદન, ચેતામૂળછેદન કે કરોડરજ્જુછેદન પણ આભાસી પીડાને શમાવી શકતું નથી. આવી આંતરક્રિયા કદાચ કરોડરજ્જુમાં પીડાવાહી ઉત્તેજનાઓને પ્રવેશતી રોકતા ‘દ્વાર’ને પણ અસર કરે છે.

શરીરમાંથી આવતી સંવેદનાઓને તથા મગજમાંથી ઊતરી આવતી ઉત્તેજનાઓને ઘટાડીને અને ચેતાપથમાં અવરોધ સર્જીને આભાસી પીડા ઘટાડાય છે. તે માટે દર્દીને જે હાથ કે પગનો ભાગ કપાયો હોય તેની કસરત કરીને તે વિસ્તારની સુયોગ્ય સંવેદનાઓ વધારવા સૂચવાય છે. ક્યારેક તે વિસ્તારમાંથી ચેતાઓમાં વિદ્યુતપ્રવાહ વડે કે મીઠાના દ્રાવણનાં ઇન્જેક્શન આપીને પીડાસર્જક સંવેદનાઓ ઉત્પન્ન કરાય છે. તેવી રીતે દર્દી માટે મનોલક્ષી સારવાર તથા સંમોહનકારી ચિકિત્સા પણ ઉપયોગી રહે છે. ઉચ્છેદિત ઉપાંગને સ્થાને કાર્યશીલ કૃત્રિમ ઉપાંગ (prosthesis) મૂકવાથી પણ આભાસી પીડા ઘટે છે. આમ આભાસી પીડાના શમન માટે વિવિધ ઉપાયો કરવા પડે છે.

સોમાલાલ ત્રિવેદી

શિલીન નં. શુક્લ