ઉપરા (1980) : આત્મકથાત્મક મરાઠી નવલકથા. ‘ઉપરા’નો અર્થ છે આગંતુક. લક્ષ્મણ માનેની આ સાહિત્યકૃતિ કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા 1981માં પુરસ્કૃત થયેલી છે. લેખક મહારાષ્ટ્રની એક ભટકતી જાતિ – કૈકાડી જમાતમાં જન્મેલા અને ઊછરેલા. આ જમાતની પ્રજા વર્ષમાં આઠ માસ સ્થળાંતર કરનારી, સખત મજૂરી કરી ગુજરાન કરનારી. સમાજમાં હલકી ગણાતી તેમની અભણ જાત, તેથી સામાન્ય સામાજિક પ્રવાહથી વિખૂટી પડી ગયેલી. ઉપેક્ષા જ નહિ પરંતુ અવહેલનાનો શિકાર બનેલી. ઉપરાંત, જમાતનું સામાજિક વર્તુળ અભેદ્ય. અધૂરામાં પૂરું જ્ઞાતિના રીતિરિવાજ, ધર્માચાર, જ્ઞાતિપંચાયત વગેરેની મજબૂત પકડ. તેમાં સ્વતંત્ર વ્યક્તિત્વ કે સ્વાભિમાનને કોઈ સ્થાન મળે જ નહિ. પોતાને મળેલા આવા જીવનનું નિર્ભેળ તથા તાર્દશ ચિત્રણ લક્ષ્મણ માનેએ પોતાની આ આત્મચરિત્રાત્મક નવલકથામાં કર્યું છે.

પોતે શિક્ષિત હોવાથી શિક્ષણને લીધે જે સંસ્કારો તેમને પ્રાપ્ત થયા તેમાંથી ગતાયુષ્ય તરફ જાગ્રત ર્દષ્ટિકોણથી જોવાની સમજ લેખકે કેળવી. સમાજવાદી ચળવળમાં સક્રિય થવાથી વિદ્યમાન સમાજવ્યવસ્થાના ગુણદોષો તેઓ પારખી શક્યા. પરિણામે ભટકતી અને સદીઓથી દારિદ્ર્યમાં જીવેલી જમાતના એક ઘટકની રૂએ તથા શિક્ષણ અને સમાજવાદી વિચારસરણીના પ્રભાવને લીધે લેખક નવી ર્દષ્ટિ કેળવી શકેલા.

લેખકે આદિવાસી વિસ્તારમાં પ્રચુર સેવાકાર્ય કર્યું હતું. આદિવાસી લોકોથી એ સુપરિચિત હતા. એક કથક તરીકે લેખક આવે છે. એ કથા પ્રથમ પુરુષમાં લખાઈ છે. આ કથાની ગણના દલિત સાહિત્યમાં સીમાચિહનરૂપી કૃતિ તરીકે થઈ છે.

આ કૃતિ માટે લેખકને મહારાષ્ટ્રના એન. સી. કેળકર કેસરી પુરસ્કાર તથા બંડો ગોપાળ મુકાદમ એવૉર્ડ પણ પ્રાપ્ત થયા હતા. પોતાનો જાતઅનુભવ પર આધારિત હોવાથી તેમાં તથ્યનો વિશેષ આધાર રખાયો હોવા છતાં કથાશિલ્પમાં જરાય ઓછપ વરતાતી નથી.

ઉષા ટાકળકર

લલિતા મિરજકર

અનુ. ચન્દ્રકાન્ત મહેતા