ઉધમપુરી, જિતેન્દ્ર (જ. 9 નવેમ્બર 1944, ઉધમપુર, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘ઇક શેહર યાદેં દા’ને 1981ના વર્ષ માટેનો ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. ઇતિહાસ, હિંદી, ઉર્દૂ અને શિક્ષણના વિષયોમાં તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. 1964ના વર્ષમાં તેમણે શિક્ષકની કારકિર્દી શરૂ કરી. તેઓ જમ્મુ ઍન્ડ કાશ્મીર અકાદમી ઑવ્ આર્ટ, કલ્ચર ઍન્ડ લૅંગ્વેજિઝના ડોગરી શબ્દકોશની પરિયોજના સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ તેઓ જમ્મુ આકાશવાણીમાં જોડાયા અને કાર્યક્રમ-નિર્માતા બન્યા. તેમણે ઉર્દૂમાં લખવાનો પ્રારંભ કર્યો અને 16 વર્ષની વયે પ્રથમ ઉર્દૂ ગઝલ લખી હતી. તેમની ડોગરી કવિતાના 4 કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. તેમણે ટૂંકી વાર્તાઓ, રેડિયો-ફીચર તથા ગીતો પણ લખ્યાં છે.

માનવની વેદનાઓ અને ઝંખનાઓનું ઉત્કટ આલેખન, લાગણીની સચ્ચાઈ, ચિંતનાત્મકતા, સ્મૃતિસાહચર્યનો પ્રભાવક વિનિયોગ તેમજ લય અને ભાષા પરની પ્રભુતા વગેરેને કારણે આ પુરસ્કૃત કાવ્યસંગ્રહ ગણનાપાત્ર છે.

તેમના કાર્યોને કેન્દ્રમાં  રાખીને  વિવિધ માન સન્માન પ્રાપ્ત થયાં છે. જેમાં જમ્મુ અને કાશ્મીર એકેડેમી ઑફ આર્ટ, કલ્ચર અને લૅન્ગવેજીસ તરફથી ચાર વખત ઍવોર્ડ (1985, 1986, 1995, 2004) પ્રાપ્ત છયા છે. 2000માં રાષ્ટ્રીય હિન્દી દેવી શેષાદ્રી સન્માન, સુભદ્રાકુમારી ચોહાણ જન્મ શતાબ્દી સન્માન, રાષ્ટ્રીય કારી પંડિત સોહન લાલ દ્વિવેદી સન્માન તેમજ 2004માં ડોગરા સાહિત્ય રત્ન સન્માન મળ્યાં છે.

મિનિસ્ટરી ઑફ હ્યુમન રિસોર્સ તરફથી 1990માં નૅશનલ ઍવૉર્ડ, યુનિયન મિનિસ્ટરી ઑફ કોલકાતા તરફથી 2007માં સિનિયર ફેલોશીપ, 1987માં જમ્મુ અને કાશ્મીર રાજ્યના ગવર્નર દ્વારા રોબે ઑફ ઑનર, 1993માં જમ્મુ અને કાશ્મીર ગવર્નમેન્ટ તરફથી ગોલ્ડમેડલ અને 2005માં રીપબ્લિક ડો ઍવૉર્ડ એનાયત થયાં છે. 2010માં પદ્મશ્રીનો ઍવૉર્ડ ભારત સરકાર દ્વારા પ્રાપ્ત થયો છે.

મહેશ ચોકસી