ઉધમપુર (જિલ્લો-શહેર) : જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશનો જિલ્લો અને શહેર.

ઉધમપુર

ભૌગોલિક માહિતી : ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લો 32o 56′ ઉ. અ. અને 75o 08′ પૂ. રે.ની આજુબાજુનો 4,550 ચોકિમી. વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે અનંતનાગ, ઈશાને ડોડા, અગ્નિએ કથુઆ, વાયવ્યે રાજૌરી અને નૈર્ઋત્યે પુંચ અને જમ્મુ જિલ્લો સરહદ બનાવે છે. આ જિલ્લાની ઉત્તરે મધ્ય હિમાલયની પીર-પંજાલ હારમાળા અને દક્ષિણે શિવાલિક હારમાળા આવેલી છે. આ જિલ્લાની મુખ્ય નદીઓમાં ચિનાબ અને તાવી છે. આ સિવાય અનેક શાખા-નદીઓ પણ આવેલી છે. વળી મનસાર અને સુરીનસાર સરોવરો અને ‘ગૉડ ગુલાબ ઘર’ તરીકે જાણીતો ગરમ પાણીનો ઝરો પણ આવેલાં છે. ચિનાબ નદીએ અહીં ઊંડાં કોતરોનું નિર્માણ કરીને ડોડા અને ઉધમપુરને જુદા પાડ્યા છે. આ જિલ્લાનો વિસ્તાર લગભગ 760 મીટરની ઊંચાઈ ધરાવે છે.

આબોહવા : અહીંના તાપમાનમાં વધુ તફાવત જોવા મળે છે. જાન્યુઆરી માસનું તાપમાન 14o સે., જ્યારે જુલાઈ માસનું તાપમાન 33o સે. જેટલું રહે છે. વરસાદ જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન આશરે 75 મિમી. જ પડે છે. હિમવર્ષા ડિસેમ્બરથી માર્ચ માસ દરમિયાન અનુભવાય છે.

અર્થતંત્ર : આ જિલ્લામાં જંગલનું પ્રમાણ અધિક હોવાથી જંગલવિસ્તારને ઉધમપુર અને રીઆસી એવા બે ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. અહીંના તળેટી-ભાગોમાં દેવદાર, ફર, ચિર, કૈલનાં વૃક્ષો વધુ છે. વધુ ઊંચાઈએ પાઇન, ફર અને સ્પ્રુસનાં વૃક્ષો પણ આવેલાં છે. આ જંગલોનાં વૃક્ષોમાંથી રેઝિન અને ટર્પેન્ટાઇન આડપેદાશ તરીકે મેળવાય છે.

ખેતી : ખીણ-પ્રદેશોમાં અને ઢોળાવના વિસ્તારોમાં સીડીદાર ખેતરો બનાવીને મુખ્યત્વે ડાંગરની ખેતી લેવાય છે. આ સિવાય અહીં મકાઈ, જુવાર, જવ અને ઘઉંના પાકો પણ લેવામાં આવે છે. જ્યાં જમીન ફળદ્રૂપ નથી એવા ઢોળાવના ભાગો ચરાણ-વિસ્તાર તરીકે ઉપયોગમાં લેવાય છે. પરિણામે અહીં પશુપાલન પ્રવૃત્તિ પણ વિકસી શકી છે. ખાસ કરીને અહીં ગાય-ભેંસ અને ઘેટાં-બકરાંનું પ્રમાણ વધુ છે. અહીંની પશુસંપત્તિને કારણે ડેરીનો વ્યવસાય પણ જોવા મળે છે. જે ઊન પ્રાપ્ત થાય છે, તે મિલોમાં મોકલવામાં આવે છે.

ખનીજસંપત્તિ : આ જિલ્લામાંથી કોલસો, બૉક્સાઇટ, ચૂનાખડક, ચિરોડી અને બાંધકામ માટેના પથ્થરો મેળવાય છે. ખનીજો ઉપર આધારિત ઉદ્યોગોનો અહીં વિકાસ થઈ શક્યો નથી.

પરિવહન અને સંદેશાવ્યવહાર : આ જિલ્લામાં પાકા રસ્તાઓની લંબાઈ આશરે 600 કિમી. છે. અહીંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 44 જે શ્રીનગર અને ભારતને સાંકળતો એકમાત્ર માર્ગ છે. પઠાણકોટ અને ઊરીને સાંકળતો ધોરી માર્ગ શ્રીનગર અને ઉધમપુર પાસેથી પસાર થાય છે. ઉધમપુર અને જમ્મુને સાંકળતો રેલમાર્ગ નિર્માણ કરવાની એક યોજના ઘડવામાં આવી છે. સહુ પ્રથમ દિલ્હી ઉધમપુરને સાંકળતો રેલમાર્ગનો પ્રારંભ થયો છે. જે રેલને ઉત્તરસંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ નામ આપવામાં આવેલ છે.

વસ્તી :  વસ્તી : 5,54,985 (2011). અહીં જોવા મળતી વસતિમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ અને જૈન-ધર્મીઓ છે. તેઓ મોટે ભાગે ઉર્દૂ, કાશ્મીરી, ડોંગરી અને હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. અહીં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી કેટલીક સંસ્થાઓ છે. આ પ્રદેશના લોકો ખેતી અને પશુપાલન પ્રવૃત્તિ સાથે વધુ સંકળાયેલા છે. પરિણામે ખેતીની પેદાશો અને ગૃહઉદ્યોગો દ્વારા બનાવાતી વસ્તુઓની નિકાસ પડોશી રાજ્યોમાં થાય છે, જેમાં દૂધ અને તેની પેદાશો, શાકભાજી, મશરૂમ, હાથવણાટનું કાપડ, ઊનમાંથી બનાવેલા ધાબળા અને ગરમ કાપડનાં વસ્ત્રો મુખ્ય છે.

પ્રવાસનધામો : આ જિલ્લામાં ધાર્મિક અને હવા ખાવાનાં કેન્દ્રો વધુ આવેલાં છે. તેમાં વૈષ્ણોદેવી, સુદ મહાદેવ, પિંગલા દેવી, મનસા દેવી, સતી મંદિર, ગૌરીકુંડ, મનસાર અને સુરીનસાર સરોવર, ગરમ પાણીના ઝરા તેમજ મુસ્લિમ સ્થાપત્યોનો સમાવેશ થાય છે. આ જિલ્લાનાં મહત્વનાં શહેરોમાં ચેનાની, કતરા, રામનગર, રીઆસી, રેહામબાલ અને ઉધમપુર છે.

ઉધમપુર મહત્વનું લશ્કરી મથક પણ છે. અહીં નાનું હવાઈ મથક ઊભું કરવામાં આવ્યું છે. જમ્મુ અને વૈષ્ણોદેવી વચ્ચે હેલિકોપ્ટરની સગવડ ઊભી કરાઈ છે.

ઐતિહાસિક માહિતી : અહીં જ્યારે ડોગરા જાતિનું વર્ચસ્ હતું ત્યારે ઉધમપુર ‘બુરાપુર’ તરીકે ઓળખાતું હતું. રાજા ગુલાબસિંઘ અવારનવાર બુરાપુર ખાતે શિકાર કરવા જતા હતા. તેમને આ ગામ વધુ ગમ્યું હોવાથી તેનો વિકાસ કરવાનું કાર્ય તેમણે પોતાના મોટા પુત્ર ઉદ્યમસિંગને સોંપ્યું હતું, પરંતુ કોઈ બીમારીને કારણે તેમનું અવસાન થતાં તેમની યાદગીરી માટે આ શહેરને ‘ઉધમપુર’ નામ આપવામાં આવ્યું. આજે તે જમ્મુ-કાશ્મીર રાજ્યનું શહેર અને જિલ્લામથક બન્યું છે.

હેમન્તકુમાર શાહ

નીતિન કોઠારી