ઉદવાડા : પારસીઓનું મુખ્ય તીર્થધામ. પશ્ચિમ રેલવેના મુંબઈ-વડોદરા મુખ્ય રેલમાર્ગ પર મુંબઈથી આશરે 178 કિમી. અને વલસાડથી આશરે 17 કિમી. અંતરે અરબી સાગરને કિનારે આવેલું છે. તે પારડી તાલુકામાં આવેલું ગામ છે. મૂળ ઈરાનના વતની-પારસીઓ આઠમી અને દસમી સદીના ગાળામાં દક્ષિણ ગુજરાત મારફત ભારતમાં આવ્યા. વલસાડની દક્ષિણે આવેલા સંજાણ બંદરે તેઓ ઊતર્યા અને તે વખતના ત્યાંના જાદા રાણાએ તેમને આશરો આપ્યો. પારસીઓ અગ્નિપૂજક છે અને તે ભારત આવ્યા ત્યારે તેમની સાથે તેમનો પવિત્ર અગ્નિ પણ લેતા આવ્યા હતા. કાળક્રમે, 1742માં ઉદવાડાના ‘આતશ બહેરામ’માં અગ્નિમાંના અમુક અંશની સ્થાપના

પારસી આતશ મંદિર, ઉદવાડા

કરવામાં આવી ત્યારથી ઉદવાડા પારસીઓનું પવિત્ર તીર્થધામ બન્યું છે. અહીં અગિયારીમાં આતશ બહેરામ સમક્ષ મહત્વની ધાર્મિક વિધિઓ થાય છે. અન્ય જાતિઓની સાથે, મોટાભાગની વસ્તી ‘દસ્તૂરો’ (પારસી ધર્મગુરુઓ) અને ‘બેહદીન’(દસ્તૂર સિવાયના પારસીઓ)ની છે. પારસી કૅલેન્ડરમાં બાર માસમાં, અગ્નિના મહિમા માટેનો, ‘આદર’ નામે ઓળખાતો એક વિશિષ્ટ માસ છે, જે સામાન્યત: ગ્રીષ્મ ઋતુ(અંગ્રેજી મે માસ)માં આવતો હોય છે. તે સમયે આ તીર્થધામ પારસી ભાવિકોથી ઊભરાતું હોય છે. રહેવા માટેની અદ્યતન ધર્મશાળા અને હોટલની સુવિધા તેમજ દરિયાકિનારે આવેલું હોવાથી, બહારથી ઘણા પારસીઓ ‘આદર’ માસમાં ત્યાં આવતા હોય છે. પારસી માસના ત્રીસ દિવસનાં જુદાં જુદાં નામ છે. તેમાંના ‘બહેરામ’ રોજનો મહિમા પણ આતશ (અગ્નિ) માટે મોટો છે. તેથી દર ‘બહેરામ’ રોજે પણ ખાસ પ્રયોજિત પ્રવાસ દ્વારા પારસીઓ ત્યાં આવતા હોય છે.

ઉદવાડાથી આશરે 6 કિમી. દૂર શ્રી રામેશ્વરનું પ્રાચીન મંદિર છે, જ્યાં અશ્વત્થ વૃક્ષના મૂળમાંથી જલધારા વહે છે. ત્યાં એક કુંડ છે. દર વર્ષે મહાશિવરાત્રિના પર્વપ્રસંગે ત્યાં મોટો મેળો ભરાય છે. આ મંદિરના આજુબાજુના વિસ્તારમાં કોટેશ્વર મહાદેવ, અંબાજી, કુંતેશ્વરનું શિવમંદિર વગેરે પ્રાચીન મંદિરો આવેલાં છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે