ઉદર્દ : ત્વચાના ક્ષુદ્ર રોગ શીળસ કે શીતપિત્તને મળતો એક રોગ. શીળસમાં ઠંડા પવનથી કફ અને પિત્તદોષ વિકૃત થઈ, ત્વચા ઉપર આછા ગુલાબી રંગનાં, ઊપસેલાં અને ખૂજલી તથા દાહનાં લક્ષણોવાળાં અનેક ઢીમચાં કે ગાંઠો થાય છે; પરંતુ ઉદર્દમાં ઠંડા પવનથી માત્ર કફદોષ વિકૃત થાય છે, જેમાં હાથ-પગ તથા છાતી-પીઠની ત્વચા ઉપરની ઉપલી ત્વચામાં મધમાખી કે ટાંડર કરડતાં ઊપસે છે, તેવી નાની, અનિયમિત આકારની, વચ્ચે જરાક ખાડાવાળી અને ખૂજલી તથા પીડાનાં લક્ષણોવાળી અનેક ગાંઠો કે ઢીમચાં થાય છે. આ રોગ થોડા કલાકોથી માંડી, થોડા દિવસો સુધી રહીને પછી શમી જાય છે. દોષનું પ્રમાણ વધુ હોય તો દર્દ લાંબો સમય ચાલી શકે છે.

ચિકિત્સા : રોગની ગંભીર અવસ્થામાં દોષના શોધન માટે વમન, વિરેચન, અભ્યંગ, ઉદવર્તન, રક્તમોક્ષણ વગેરેનો દર્દીની સ્થિતિ મુજબ ઉપયોગ થાય છે. જ્યારે રોગની શમન ચિકિત્સામાં આ મુજબનાં ઔષધો અપાય છે : (1) અજમો ગોળ સાથે, (2) સૂંઠ, મરી, લીંડીપીપરનું (ત્રિકટુ) ચૂર્ણ સાકર કે મધ સાથે, (3) અજમો, સૂંઠ, મરી, લીંડીપીપર અને જવખારનું ચૂર્ણ ગરમ પાણી સાથે, (4) આદુનો રસ ગોળ નાંખી અપાય છે. (5) મહાસુદર્શન ચૂર્ણ 5 ગ્રામમાં 1 ગ્રામ ખાવાનો સોડા (બાય કાર્બ) ઉમેરી, ગરમ પાણી સાથે 3 વાર, (6) તુલસીનાં પાન 10-12 નંગ સાથે સાકરનો ટુકડો ચાવવા અપાય છે અને તુલસીનાં પાનનો રસ ઢીમચાં પર લગાવાય છે. (7) આરોગ્યવર્ધિનીરસની બે ગોળી તથા કૃમિકુઠારરસની 1 ગોળી દિનમાં 2-3 વાર ગરમ પાણીમાં. (8) આર્દ્રક ખંડ કે હરિદ્રાખંડની 1-1 ચમચી અપાય છે. સાથે નવકાર્ષિક ગૂગળની 2-2 ગોળી પણ અપાય છે.

બાહ્ય ઉપચાર : (1) ઢીમચાં પર સરસિયાના તેલનું માલિસ, (2) કૂંવાડિયાનાં બી અને સરસવનું ચૂર્ણ સરસિયાના તેલમાં મેળવી ઢીમચાં પર લગાવાય છે. (3) અડાયાં-છાણાંની વસ્ત્રગાળ ભસ્મ અથવા મહામરીચ્યાદિ તેલ અથવા લીંબોળીનું (નિમ્બ) તેલ ઢીમચાં અને ખૂજલી પર લગાવાય છે. (4) લીમડાનાં પાન નાંખી ગરમ કરેલા પાણીથી અથવા સુખોષ્ણ જળની બાલદીમાં 1 ચમચી સોડા બાય કાર્બ નાંખી તે જળથી સ્નાન કરાવાય છે.

ચં. પ્ર. શુક્લ

બળદેવપ્રસાદ પનારા