ઉંદરકની (ઉંદરકર્ણી, ઉંદરકાની, ખડબ્રાહ્મી, મંડૂકપર્ણી)

January, 2004

ઉંદરકની (ઉંદરકર્ણી, ઉંદરકાની, ખડબ્રાહ્મી, મંડૂકપર્ણી) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વોલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Merremia emarginata (Burm f.) Hallier syn. M. gangetica (L.) Cufod; Ipomoea reniformis Choisy (સં. મૂષકકર્ણી, આખુપણી; હિં. મુસાકાની; બં. ઇન્દરકાણીપાના; મ. ઉંદીરકાની; ક. વલ્લિહરૂહૈ; તે. એલિક-જેમુડુ; તા. એલિકથુકીરાઇ, યુ. લપસીની) છે. સુભગા, પડિયો, શંખાવળી, જક્ષિણી, શક્કરિયાં, નિસોતર વગેરે તેના સહસભ્યો છે. તે બહુવર્ષાયુ, બહુશાખિત, ભૂપ્રસારી, રોમિલ અને વેલાળ શાકીય વનસ્પતિ છે. તે ગાંઠોમાંથી અસ્થાનિક (adventitious) મૂળ ઉત્પન્ન કરી વૃદ્ધિ પામે છે. તે ઉપરિગંગાનાં મેદાનો, બિહાર, પશ્ચિમ બંગાળ, ચેન્નઈ, પશ્ચિમઘાટ, ડૅકન અને ગુજરાતમાં ભેજવાળી જગાઓએ 900 મી.ની ઊંચાઈ સુધી થાય છે. પર્ણો સાદાં, એકાંતરિક, વૃક્કાકાર (reniform) કે અંડ-હૃદયાકાર (ovate-cordate) અને કુંઠદંતી (crenate) હોય છે. પુષ્પો એકાકી, કક્ષીય, આછાં ગુલાબી કે પીળા રંગનાં અને ઘંટાકાર (campanulate) હોય છે. દલપુંજ પાંચ યુક્ત દલપત્રોનો બનેલો હોય છે અને તેને એકાંતરિક રીતે ગોઠવાયેલા પાંચ દલલગ્ન (epipetalous) અસમાન પુંકેસરો જોવા મળે છે. ફળ કોષ્ઠસ્ફોટી (loculicidal) પ્રાવર પ્રકારનું, નાના ઘૂઘરા જેવું અને ઉપ-ગોલાકાર (sub-globular) હોય છે અને ભૂરાં કે કાળાશ પડતાં ચાર બીજ ધરાવે છે.

આયુર્વેદ અનુસાર પાન ચોળીને સૂંઘવાથી કાકડી જેવી ગંધ આવે છે. નાની તાજી ઉંદરકની વધુ ગુણકારી ગણાય છે. મોટી ઉંદરકની શૂળ, જ્વર, વ્રણ, કૃમિ અને ઉંદરના વિષનો નાશ કરે છે. લઘુ ઉંદરકની તીખી, કડવી, ઉષ્ણ, શીતળ, રસાયન, સારક, લઘુ અને તૂરી હોય છે; અને કફ, પિત્ત, શૂળ, જ્વર, કૃમિ, ગ્રંથિરોગ, મૂત્રકૃચ્છ્ર, પ્રમેહ, આનાહ, ઉદરરોગ, હૃદયરોગ, વિષ, પાંડુ, ભગંદર, શિરોરોગ, અપસ્માર, સર્પવિષ, મસ્તકશૂળ, સોજો, આફરો અને કુષ્ઠનો નાશ કરે છે. તે ઓછા પ્રમાણમાં ચર્મરોગનાશક, મૂત્રલ અને વધુ પ્રમાણમાં સારક છે. માથામાંથી ગરમી દૂર કરવા માટે તેનું ચૂર્ણ સૂંઘવામાં આવે છે. ગરમીથી કાન ઉપર કે સર્વાંગ ઉપર સોજા આવે ત્યારે તેનું ચૂર્ણ અને જવનો લોટ પાણીમાં મેળવી તેનો લેપ કરવામાં આવે છે. કાન વહેતો હોય અથવા કાનમાં ફોલ્લા થયા હોય તો તેનો રસ કાનમાં નાખવામાં આવે છે. પેટમાંની ગરમી, કૃમિ અને મૂર્ચ્છા ઉપર તેનો રસ પાવામાં આવે છે. શરીર વાંકું થાય તે ઉપર, મગજ સાફ કરવા માટે, દંતકૃમિ ઉપર, આંખની બાજુમાં થતા નાસૂર ઉપર, શિથિલત્વ દૂર કરવા માટે અને પુરુષત્વ માટે, ગોળકૃમિ ઉપર, વીર્યસ્રાવ અને પથરી ઉપર અને શરીરમાં તીરનું ફળ કે અણી અથવા કાંટો રહેલો હોય તો તેમાં તે ઉપયોગી થાય છે.

કેટલીક વાર બ્રાહ્મીને સ્થાને ઉંદરકની વપરાય છે. તેથી બંને વચ્ચે ગૂંચવાડો થાય છે; પણ ‘ભાવપ્રકાશ’માં ઉંદરકનીના બુદ્ધિ-સ્મૃતિવર્ધક ગુણ આપ્યા નથી.

શોભન વસાણી