ઉંદર (rat/mouse) : માનવ-વસાહતના સાંનિધ્યમાં અને ખેતરોમાં વસતી રોડેન્શિયા શ્રેણી, muridae કુળના આર્થિક ર્દષ્ટિએ મહત્વનાં સસ્તનો. પ્રજાતિ અને જાતિ : (1) માનવ-વસાહતની આસપાસ અને ખેતરોમાં રહેતો ઉંદર (rat), Rattus rattus અને Rattus norvegicus, (2) ઘરઉંદર (mouse), Mus musculus.

ઉંદરના બે પ્રકારો

સામાન્યપણે માનવીના દુશ્મન તરીકે ઓળખાતો ઉંદર માનવ-વસાહતોમાં, વસાહતોની આસપાસ અથવા ખેતરોમાં રહી ખોરાક, પાક, ઘરની ઉપયોગી ચીજવસ્તુઓ વગેરેને નુકસાન પહોંચાડવા ઉપરાંત, પ્લેગ જેવા રોગોનો ફેલાવો કરે છે. અનાજ, ઘરમાં રાંધેલી તેમજ અન્ય વસ્તુઓ ખાવા ઉપરાંત ઉંદર તેનો મોટા પ્રમાણમાં બગાડ કરે છે. જોકે ઉંદર કેટલેક અંશે માનવીને લાભદાયક પણ હોય છે. ઉપદ્રવી કીટકોને ખાવા ઉપરાંત, તે પોતે માંસાહારી પ્રાણીઓનો ખોરાક બનવાથી માનવીએ પાળેલાં અમુક પ્રાણીઓ આવાં માંસાહારી પ્રાણીઓના ભક્ષ્ય બનવામાંથી બચી જાય છે. મધ્ય એશિયાના મૂળ વતની ઉંદર આજે માનવ-વસાહત જ્યાં જ્યાં છે ત્યાં સર્વત્ર ફેલાયેલાં છે. ઉંદર સામાન્યપણે, નિશાચર પ્રાણી છે. દિવસ દરમિયાન દર કે અન્ય આશ્રયસ્થાનોમાં રહીને કોઈક વાર ચૂં-ચૂં અવાજ કરતો સંભળાય છે.

ઉંદરને બે મુખ્ય પ્રકારોમાં વહેંચી શકાય. તે અંગ્રેજીમાં અનુક્રમે રૅટ (rat), પ્રજાતિ રૅટસ (rattus) અને માઉસ (mouse) પ્રજાતિ મસ (Mus) તરીકે ઓળખાય છે. ‘રૅટસ’ પ્રજાતિના ઉંદર સામાન્યપણે મોટા, રંગે કાળા, અણીદાર નાકવાળા તેમજ વાળ વગરનાં પગ અને પૂંછડીવાળા હોય છે. ‘મસ’ પ્રજાતિના ઉંદર ઘરઉંદર તરીકે સહેજ નાના અને ઝડપથી પલાયન થનારા હોય છે.

રૅટસ-રૅટસના નામથી ઓળખાતો કાળા રંગનો ઉંદર માનવ-વસાહતની આસપાસ જોવા મળે છે. તે સર્વભક્ષી, આક્રમક, પુષ્કળ સંતતિ પેદા કરનાર અને સુવિકસિત સંવેદનશીલ અંગો ધરાવે છે. તેને અન્ય સસ્તનો માટે શક્ય ન હોય તેવી જગ્યાએ ચડવા, કૂદવા કે ઘૂસવાની ટેવ હોય છે. તે પાક, સંઘરેલું અનાજ, પાળેલાં મરઘાં વગેરેને નુકસાન પહોંચાડે છે. તે વરસમાં 6-7 વખત વેતરમાં આવે છે. તેના દરેક વેતરમાં 5-15 જેટલાં બચ્ચાં જન્મે છે.

રૅટસ નૉર્વેજિકસ (R. norvegicus) ઉંદર ભૂરા રંગનો હોય છે. લાંબું ખડતલ શરીર, શરીરના પ્રમાણમાં નાની પૂંછડી અને નાના કાન ધરાવતો આ ઉંદર દરમાં રહે છે. તે નિષ્ણાત તરવૈયો હોય છે. તે ખોરાક તેમજ રહેઠાણ માટે માનવી પર આધાર રાખે છે. પાળેલાં રંગહીન નૉર્વેજિક્સ ઉંદરનો ઉપયોગ પ્રયોગશાળાના પ્રાણી તરીકે કરવામાં આવે છે.

ઘરનો ઉંદર માનવીએ બાંધેલાં રહેઠાણોમાં વાસ કરી ખોરાકી ચીજો ઉપરાંત સાબુ, ટૂથપેસ્ટ વગેરે અનેક વસ્તુઓ ખાય છે. તે પ્લેગ જેવા રોગોનો ફેલાવો કરે છે. કેટલાક લોકો સફેદ રંગના ઘર-ઉંદરને શોખથી પાળે છે. તબીબી પ્રયોગશાળાઓમાં આ પ્રાણી ઉપર છૂટથી જાતજાતના પ્રયોગો કરવામાં આવે છે.

આફ્રિકાના રણના કંદમૂળ ખાઈને જીવનાર ઉંદર(Hetero-cephalus sp.)ને શરીર પર વાળ નહિવત્ હોય છે, તેને બાહ્ય કર્ણ હોતા નથી અને તે અંધ હોય છે.

ઉત્તર અમેરિકાના કાંગારુ ઉંદરના પાછલા પગ લાંબા હોય છે. તે દોડવાને બદલે કૂદે છે. આગલા નાના પગથી ખોરાક પકડે છે, જ્યારે તેની લાંબી પૂંછડી શરીરને સંતુલન અને ટેકો આપે છે. તે બીજને સંઘરી તડકામાં સૂકવે છે. પછી દરમાં લઈ જઈ તેને શિયાળા માટે સંઘરે છે. તે પાણી પીતો નથી, પણ ખોરાકમાંથી પ્રવાહીને ચૂસે છે.

આફ્રિકાના મોટા ઉંદરો(Cricetomys gambianus)ની લંબાઈ (નાકથી પૂંછડીના છેડા સુધી) 80 સેમી. જેટલી હોઈ શકે છે. તેના ગાલમાં કોથળીઓ આવેલી હોય છે. તે શાકાહારી હોય છે અને જંગલમાં ઝાડની નીચે રહે છે.

‘મસ’ પ્રજાતિનો ખેતર-ઉંદર (Mus baduga) ઉપરથી ભૂરા રંગનો, જ્યારે વક્ષ બાજુએથી સફેદ રંગનો હોય છે. આ જ પ્રજાતિનો કાંટાળો ઉંદર (Mus platythrix) ખેતરમાં અને જંગલોમાં રહે છે. તેના શરીર પરના વાળ કાંટા જેવા હોય છે. તેનો રંગ ખેતરના ઉંદર જેવો હોય છે. તે પોતાના દરને કાંકરી વડે બંધ કરે છે અને પોતાની પથારી પણ કાંકરીની બનાવે છે.

સેલ્વા નામથી ઓળખાતા ઉંદર(rat opossum)ની ગણના માર્સુપિયાલિયા અધિશ્રેણીમાં થાય છે, પરંતુ તે કોથળી (pouch) વગરના હોય છે. ઘનઘોર જંગલો તેમજ ખીણોમાં વાસ કરતા આ ઉંદરો દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે.

ઉંદર એક ઉપદ્રવી પ્રાણી તરીકે : ભારતમાં અનાજ-ઉત્પાદનના 5થી 7 ટકા જેટલું અનાજ ઉંદર દ્વારા નાશ પામે છે. ખેતરમાં બીજ વાવીએ ત્યારથી બીજ ઊગે, ડૂંડાં આવે, ખળું લેવાય, કોઠારમાં સંગ્રહ થાય અને તેની વાનગી બનાવી ખવાય ત્યાં સુધીની દરેક કક્ષાએ ઉંદર નુકસાન કરે છે. તે ખેતરમાં મગફળી, ઘઉં, ડાંગર, શેરડી, મકાઈ, કપાસ, કઠોળ, શાકભાજી, ફળઝાડ વગેરે પાકને ખાઈને, કાપી નાંખીને કે ખોદીને નુકસાન કરે છે. ડાંગર જેવા પાકમાં ફક્ત ઉંદરોથી જ 5થી 10 ટકા નુકસાન જોવા મળે છે. પાકની પાછળની અવસ્થામાં ઉંદર છોડની ડાળખી કાપીને તેના દરમાં ખેંચી જાય છે. પાણીના ઢાળિયા અને બંધપાળામાં તે દર બનાવે છે. પરિણામે ક્યારીઓમાંથી પાણી વહી જાય છે. ઘરમાં સંગ્રહેલા અનાજ તેમજ રાચરચીલું, કપડાં, પુસ્તકો, બારીબારણાં વગેરેને પણ તે કાપીને નુકસાન પહોંચાડે છે. ઉંદર અનાજ ખાઈને નુકસાન કરે છે તેના કરતાં તેની હગાર, મૂત્ર, રુવાંટી વગેરે અનાજમાં છોડીને અનાજને વધુ બગાડી નાખે છે. તે ખોરાક તથા પાણીની શોધમાં રાત્રે બહાર આવે છે. ઘરમાં જે જગ્યાએ ઉંદરની અવરજવર વધારે હોય ત્યાં ઉંદર પકડવા માટેનાં વિવિધ પ્રકારનાં પાંજરાંનો ઉપયોગ કરવામાં આવે છે. ઉંદરનો ઉપદ્રવ ઓછો કરવા માટે તેમને ખોરાક અને પાણી ન મળે તે રીતે રસોડા અને કોઠારને બંધ રખાય છે. બારણાંની નીચેની ધારે બંને તરફ ગેલ્વેનાઇઝ લોખંડની પટ્ટી જડી દેવામાં આવે છે તેથી ઉંદર બારણું કાપીને તેનો રસ્તો બનાવી શકતો નથી. સંગ્રહ કરેલા અનાજમાં ઉંદર પેસી ન શકે તે માટે અનાજને કોઠીઓ, લોખંડનાં પીપ, પાકા કોઠાર અથવા ગોડાઉનમાં ભરવામાં આવે છે. અનાજ ભરવા માટેનું ગોડાઉન નવેસરથી બાંધવાનું હોય તો તેની પ્લીન્થ જમીનતળિયાથી લગભગ એક મીટર ઊંચી રાખવાની અને પ્લીન્થની ઊંચાઈએ ચારે તરફ બહાર નીકળતું છજું રાખવાની ગોઠવણ કરાય છે. આવાં ગોડાઉનને પગથિયાં ન હોય તો ઉંદર ગોડાઉનમાં પેસી શકતા નથી.

ઉંદરનાશક ઉપાયો : ખેતરમાં ઉંદરનો ઉપદ્રવ વધારે હોય તો ઝેરી દવાનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ઝેરી દવા બે રીતે વાપરવામાં આવે છે : (1) ઉંદરના ખોરાકમાં ઝેરી દવા ભેળવીને. ઉંદર વહેમી પ્રાણી છે એટલે એકાદ ઉંદર ઝેરી દવા ખાવાથી મૃત્યુ પામે પછી બીજા ઉંદર આવો ઝેરયુક્ત ખોરાક ખાવાનું ટાળે છે. આથી ઉંદરના નાશ માટે ઝેર ભેળવેલો ખોરાક મૂકતા પહેલાં ઉંદરને ભાવતો મીઠું તેલ લગાડેલ ઝેર વગરનો ખોરાક પૂર્વપ્રલોભિકા રૂપે મૂકીને ઉંદરને તે ખોરાક ખાવાની ટેવ પાડવામાં આવે છે. થોડા દિવસમાં આવો ખોરાક ખાવાની ટેવ પાડ્યા પછી ઝેરમાંથી બનાવેલી વિષપ્રલોભિકા મૂકવામાં આવે છે. આવી વિષપ્રલોભિકા બનાવવા માટે બજારમાં ઝિંક ફૉસ્ફાઇટ, રોડાફોરિન, ક્યુમારિન વગેરે દવાઓ મળે છે. સામાન્ય રીતે વિષપ્રલોભિકા બનાવવા માટે 19 ભાગ અનાજના દાણા અને એક ભાગ દવા વપરાય છે. આ માટે જે ખોરાક ખાવાની ઉંદરને ટેવ પાડી હોય તેવા મીઠું તેલ લગાડેલા ખોરાક સાથે પ્રમાણસર દવા ભેળવી દેવામાં આવે છે. આ વિષપ્રલોભિકા મનુષ્ય અને અન્ય પ્રાણીઓ માટે પણ ઝેરી હોવાથી ઘરમાં નાનાં બાળકો અને પાળેલાં પ્રાણીઓ ભૂલથી તે ખાઈ જાય નહિ તેની સાવચેતી રાખવી આવશ્યક છે. આ ઉપરાંત વિષપ્રલોભિકા ખાવાથી જે ઉંદરો મરી જાય તેને ગમે ત્યાં ફેંકી ન દેતાં જમીનમાં ઊંડો ખાડો કરી દાટી દેવા જોઈએ, જેથી બિલાડી, સમડી, કાગડો અને બીજાં માંસાહારી પ્રાણીઓ મરી ગયેલા ઉંદર ખાય નહિ.

(2) વાયુરૂપ ધૂમ્રકારી દવા આપીને ઘરની માફક ખેતરમાં પણ ઉંદરનો નાશ થાય છે. આ માટે ધૂમ્રકારી દવાઓ ઘરમાં નાખીને ઉંદરનો નાશ કરી શકાય છે. ખેતરમાં ઉંદરનો ઉપદ્રવ જોવા મળે ત્યારે ખેતરમાં જ્યાં જ્યાં દર આવેલાં હોય તે બધાં જ દર સાંજના માટીથી સજ્જડ બંધ કરી દેવાં જોઈએ. બીજે દિવસે સવારે જે દર ખુલ્લાં હોય તેમાં સેલ્ફોસની બે-બે ગોળીઓ નાખી દરને ભીની માટીથી બરાબર બંધ કરી દેવાં, જેથી દરમાં રહેલ ઉંદર બહાર નીકળી શકે નહિ. આ ગોળી ભેજના સંસર્ગમાં આવતાં તેમાંથી નીકળતો ફૉસ્ફીન નામનો ગૅસ ઉંદર માટે પ્રાણઘાતક નીવડે છે. પરિણામે ઉંદર દરમાં ને દરમાં જ મરી જાય છે. આ રીતે ખેતરમાં તેમજ ગોડાઉનની આજુબાજુ દરમાં રહેતા ઉંદરોનું નિયંત્રણ સહેલાઈથી કરી શકાય છે. આ કામ સામૂહિક ધોરણે કરવામાં આવે છે તો જ તેનું અસરકારક પરિણામ મળે છે.

રાવજીભાઈ છોટાભાઈ પટેલ

કનુભાઈ પટેલ