ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો સમય ચાલતો રહેલો. કુમારગુપ્તના ઉત્તરાધિકારી દામોદરગુપ્તને ઈશાનવર્મા સાથેના યુદ્ધમાં મૂર્ચ્છા આવી હતી. ઈશાનવર્માએ આંધ્રોને જીત્યા, શૂલિકોને રણાંગણમાં હરાવ્યા અને ગૌડોને પોતાની હદમાં રોકી રાખ્યા હતા. તેણે પોતાના નામના સિક્કા પડાવ્યા હતા. તેનો શર્વવર્મા નામે પુત્ર તેની પછી ગાદી પર આવ્યો હતો.

જ. મ. શાહ