ઈ-શિન્ગ (I-Hsing, Yixing, I-Xing, Yi-hsin)

January, 2004

ઈ-શિન્ગ (I-Hsing, Yixing, I-Xing, Yi-hsin)  (જ. ઈ. સ. 683; અ. ઈ. સ. 727) : ચીની બૌદ્ધ તાંત્રિક સાધુ, ખગોળવેત્તા, ગણિતશાસ્ત્રી અને સંશોધક. ઈસુની સાતમી સદીમાં, જ્યારે ચીનમાં થાંગ (Tang) રાજવંશનું શાસન (ઈ. સ. 618થી 906) ચાલતું હતું ત્યારે ભારતના ઘણા ખગોળશાસ્ત્રીઓ ચીન ગયા હતા અને ત્યાં રાજકીય પંચાંગ બનાવવામાં મદદ કરી હતી. તેવી જ રીતે ચીનના પંડિતો પણ ભારત આવ્યા હતા. આ સદીમાં જ દક્ષિણ ભારતના એક બૌદ્ધ ભિક્ષુ વજ્રબોધિ (વ્રજબોધ) અને તેમના તરુણ શિષ્ય અમોઘવજ્ર પણ ચીન ગયા હતા. તેમણે અને મધ્ય એશિયાના ભિક્ષુ શુભાકરસિંહે ચીનમાં પહેલી વાર તાંત્રિક બૌદ્ધ મત(વજ્રયાન)નો પ્રચાર કર્યો હતો. આ શુભાકરસિંહ નાલંદા વિશ્વવિદ્યાલયના સ્નાતક હતા અને તેમણે બૌદ્ધ ધર્મના અનેક ગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો.

ભારતના આ બૌદ્ધ તાંત્રિકોના ચીની શિષ્ય તે ભિક્ષુ ઈ-શિન્ગ. (I-Hsing, Yixing, I-Xing or Yi-hsin). તેમની ગણના આઠમી સદીના ચીનના એક ઉચ્ચ કોટિના ગણિતજ્ઞ તેમજ પ્રથમ પંક્તિના ખગોળવેત્તા તરીકે થાય છે. તેમના ‘ત પેન લો’ (બુદ્ધ પંચાંગ) નામના ગ્રંથમાં ભારતીય ગણિતજ્યોતિષ (ખગોળવિદ્યા) અને ફલજ્યોતિષ(ફલિતજ્યોતિષ)નો પ્રભાવ બહુ સ્પષ્ટ જોવા મળે છે.

આ બૌદ્ધ તાંત્રિક ભિખ્ખુના વિશે આધારભૂત માહિતી ઓછી પણ દંતકથાઓ અને ચમત્કારો વધુ જાણવા મળે છે. તેનું કારણ કદાચ ઈ-શિન્ગ ફલજ્યોતિષશાસ્ત્ર અને જાદુમંતરથી ભવિષ્યકથનની વિદ્યા(divination)માં માહેર હતા તે પણ હોઈ શકે. તેમના વડદાદાનું નામ Zhang Gongjin હતું અને તેમણે થાંગ વંશની સ્થાપના કરવામાં ઘણી મદદ કરી હતી. તેમને ત્રણ દીકરા હતા અને તે બધા સરકારમાં ઉચ્ચ હોદ્દા પર હતા. આ ત્રણમાંથી ઈ-શિન્ગના દાદા કોણ તે જાણી શકાયું નથી, પણ તેમના પિતાનું નામ Zhang Tan હતું અને તે જિલ્લા-અધિકારી (મૅજિસ્ટ્રેટ) હતા. ઈ-શિન્ગનું સાંસારિક નામ ઝાંગ સુઇ (Zhang Sui) હતું.

જ્ઞાનની શોધ માટે ઈ-શિન્ગે દેશ-પરદેશમાં વ્યાપક પ્રવાસો કર્યા હતા અને આ રીતે ભારતીય પંડિતોના પરિચયમાં પણ આવ્યા હોય. કેટલાક સંશોધકોના મતે ભારતમાં પણ તે આવ્યા હોવાનું મનાય છે. આ મુલાકાત દરમિયાન બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થઈ તે બૌદ્ધ સાધુ બન્યા અને સંસ્કૃત, અને કદાચ ગણિત પણ શીખ્યા.

ઈ. સ. 721થી 727ની વચ્ચે તેમણે થાંગ સમ્રાટ માટે પંચાંગ તૈયાર કરી આપેલાં. આ સૌર પંચાંગોને થાંગ વંશના સમ્રાટોએ રાજકીય પંચાંગનો દરજ્જો આપ્યો હતો. સન 727માં તેમણે પંચાંગનો કાચો મુસદ્દો લખીને પૂરો કર્યો, પણ તે પછી બીમાર પડી ગયા. માંદગી એકાદ મહિનો ચાલી. મંદવાડમાંથી ઊઠ્યા પછી તે જ વર્ષના નવેમ્બરની પચીસમી તારીખે સમ્રાટના આમંત્રણથી તેમની સાથે Xinfeng જવા રવાના થયા અને તે જ રાત્રે માર્ગમાં ફરી પાછા માંદગીમાં પટકાયા અને Xinfeng પહોંચ્યા બાદ તેમનું અવસાન થયું. અવસાન-સમયે તેમનું વય માત્ર ચુમ્માલીસ વર્ષનું હતું.

પંચાંગ પ્રસિદ્ધ કરવાનું કામ અધૂરું રહ્યું, પણ સમ્રાટના આદેશથી સન 728માં બે ખગોળશાસ્ત્રીઓએ તેને મઠારીને તે પછીના વર્ષે પ્રસિદ્ધ કર્યું. મરણોત્તર પ્રસિદ્ધ થયેલા આ પંચાંગ સામે શરૂઆતમાં તફડંચી કરવા બાબતે સારો એવો વિરોધ થયો, પણ પાછળથી તેની મૌલિકતા સ્વીકારાઈ અને સન 756 સુધી તે ચલણમાં રહ્યું.

ઈ-શિન્ગે જોયું કે ચીનનાં પુરાણાં તારાપત્રકો અને નકશાઓમાં દર્શાવવામાં આવેલા અમુક તારાઓનાં સ્થાન અને પ્રત્યક્ષ આકાશદર્શનમાંનાં તેમનાં સ્થાનમાં મેળ ખાતો ન હતો. આથી સન 721થી ઈ-શિન્ગે આકાશના વેધ લેવા માટે નવાં નવાં યંત્રોનું નિર્માણ-કાર્ય આરંભ્યું. આમાં તેમને લિયાંગ લિંગ (Liang Ling-Tsan, or Liang Ling-Zan) નામના ચીનના એક ઇજનેરનો સાથ મળ્યો.

નવાં ઉપકરણો બનાવવા ઉપરાંત ઈ-શિન્ગે આકાશી અવલોકનો માટે કેટલીક નવી પદ્ધતિઓ પણ અપનાવી; જેમ કે, પરંપરાગત ચીની ખગોળમાં ગ્રહો તેમજ તારાઓની સ્થિતિ નિર્ધારિત કરવા માટે ખગોલીય વિષુવવૃત્તનો આધાર લેવામાં આવતો હતો. ઈ-શિન્ગે ભારતીય પરંપરાને આધારે ક્રાંતિવૃત્ત(રવિમાર્ગ)ને મહત્વ આપ્યું. તે કાળે ચીનમાં ઠીક ઠીક પ્રચલિત એવા વલય-યંત્ર કે વલયાભ ગોલ(armillary ring, or armillary sphere)નો તેમણે આ માટે ઉપયોગ કર્યો. આ યંત્રમાં ક્રાંતિવૃત્તને દર્શાવતી પટ્ટી (વલય) સાથે એમણે એક લક્ષ્યસાધક-નલિકા જોડી દીધી અને તેના વડે તારાઓના વેધ લીધા. ક્રાંતિવૃત્તની આસપાસના તારાઓનાં આ રીતે કરેલાં સુદીર્ઘ અવલોકનો પરથી તેઓ એવા અનુમાન પર આવ્યા કે ક્રાંતિવૃત્તની આસપાસના કેટલાક તારા ઉત્તરે કે દક્ષિણે થોડાક ખસતા હતા. આ એક મહત્વની શોધ હતી, કારણ કે તારાઓનાં આવાં સ્થિત્યંતર કે તારકનિજગતિ (proper motion of star) અંગેની જાણકારી યુરોપના વૈજ્ઞાનિકોને તો છેક એક હજાર વર્ષ પછી, ઇંગ્લૅન્ડના સર એડમંડ હેલી (1656-1742) દ્વારા મળી !

એવું માનવામાં આવે છે કે આ બૌદ્ધ ભિક્ષુએ ઉત્તર ધ્રુવની આસપાસના નભોમંડળનો બહુ ઊંડો અભ્યાસ કર્યો હતો.

એમણે ખગોલીય પદ્ધતિથી યામ્યોત્તરવૃત્ત કે મધ્યાહ્નવૃત્ત-(meridian)ની લંબાઈ માપવા માટે એક વ્યાપક સર્વેક્ષણનું આયોજન કર્યું હતું. આ માટે યામ્યોત્તરવૃત્ત પર એકમેકથી લગભગ 2,500 કિલોમીટર(1,553 માઈલ)ના અંતરે આવેલાં નવેક જેટલાં સ્થળો પસંદ કરીને ત્યાંથી વેધ લીધા. આ સ્થળોએથી ધ્રુવ તારાના ઉન્નતાંશ પરથી તે તે સ્થળોના અક્ષાંશ શોધી કાઢ્યા. એકમેકથી ઉત્તર-દક્ષિણે આવેલા આવાં અક્ષાંશવૃત્તો વચ્ચેનાં અંતરો પરથી આ રીતે તેમણે યામ્યોત્તરવૃત્તની લંબાઈ ગણી કાઢી. આ કામગીરી એમણે ઈ. સ. 723થી 726 દરમિયાન કરી અને એમાં અન્ય વૈજ્ઞાનિકો ઉપરાંત, શાહી ખગોળશાસ્ત્રી Nankung Yueh જેવાની પણ મદદ લીધી. બીજી રીતે કહીએ તો, ઈ-શિન્ગે સર્વેક્ષણ માટે અનેક સ્થળે નિરીક્ષણ-મથકો સ્થાપિત કરીને શોધી કાઢ્યું કે યામ્યોત્તરવૃત્ત પર એક અક્ષાંશનું અંતર કેટલી લંબાઈ બરાબર થાય છે. યામ્યોત્તરવૃત્ત અંગે આટલા મોટા પાયે મોજણી કરનાર ઈ-શિન્ગ દુનિયાના પહેલા વૈજ્ઞાનિક હતા. અલબત્ત, એમણે મેળવેલા આંકડા આજના હિસાબે જરા પણ મેળ ખાતા નથી, છતાંય આ માટે એમણે પ્રયોજેલી આવી શાસ્ત્રીય પદ્ધતિ અને વ્યાપક સર્વેક્ષણનું આવું આયોજન દાદ માગી લે તેવું તો છે જ અને ઐતિહાસિક રીતે પણ મહત્વનું છે; કારણ કે, યુરોપમાં આવો વિસ્તૃત પ્રયાસ છેક 17મા સૈકા સુધી તો થયો ન હતો.

ઈ-શિન્ગ શૂન્ય પર આધારિત ભારતીય અંક-પદ્ધતિથી પણ પરિચિત હોવા જોઈએ; કારણ કે, મોટી મોટી સંખ્યાઓ વ્યક્ત કરવામાં તેમને કોઈ મુશ્કેલી નડી નથી. ઈ. સ.ની છઠ્ઠી સદીમાં જન્મેલા ભારતીય બ્રહ્મગુપ્તની જેમ એમણે પણ ખગોલીય ગણનાઓમાં ઉચ્ચ ગણિતનો બહુ ખૂબીથી ઉપયોગ કરેલો જોવા મળે છે.

બે અજ્ઞાત સંખ્યાઓ શોધવા માટે જો એક સમીકરણ જ આપેલું હોય તો તે બંને અજ્ઞાત સંખ્યાઓની ધન પૂર્ણાંક કિંમત શોધવાની પદ્ધતિ ઈસુની ત્રીજી સદીમાં થઈ ગયેલા ડાયૉફેન્ટસ નામના ગ્રીક ગણિતવિદે આપેલી. આ વિશિષ્ટ પદ્ધતિમાં પ્રયોજાતું સમીકરણ તેના નામ પરથી ડાયૉફેન્ટસનું અપરિમિત સમીકરણ (Diophantine indeterminate equation) કહેવાય છે. અજ્ઞાત સંખ્યાઓ શોધવાની આ થઈ વિશિષ્ટ પદ્ધતિની વાત.

પ્રાચીન ભારતમાં પણ ગણિતની અજ્ઞાત સંખ્યાઓ શોધવા માટે કુટ્ટક નામની સામાન્ય પદ્ધતિ (general method) પ્રયોજાતી હતી. મનોરંજન માટે તેમજ બુદ્ધિની કસોટી કરવા માટે પણ આ પદ્ધતિ બહુ ઉપકારક છે. ભારતીય ગ્રહગણિતમાં ઉત્પન્ન થયેલી એક અનિવાર્ય જરૂરિયાતને પૂરી કરવાના પ્રયત્નમાં ઈ. સ. 476માં જન્મેલા આર્યભટના હાથે તેની શોધ થઈ હોવાનું મનાય છે. બે અજ્ઞાત સંખ્યાઓ શોધવા માટેનું કુટ્ટકનું સમીકરણ એકઘાત(equation of the first degree)નું હોય છે; પણ જો એવું સમીકરણ દ્વિઘાત હોય તો તેને કુટ્ટકનું ન કહેતાં, ચક્રવાલ કહેવાય છે. આ ચક્રવાલ પદ્ધતિની શોધ ઈસુની બારમી સદીમાં ભાસ્કરચાર્યે કરી હતી. તેનાથી પણ અજ્ઞાત સંખ્યાઓ શોધી શકાય છે.

ડાયૉફેન્ટસના અપરિમિત સમીકરણનો ઉપયોગ અને ઉકેલ ભારતના પ્રાચીન ગણિતવિદોએ કર્યો હતો. આ સમીકરણનો ઉપયોગ ચીનમાં પહેલવહેલો કરવાનું માન ઈ-શિન્ગને ફાળે જાય છે. તા-યિનલી (Ta-Yenli) નામની તેમની કૃતિમાં આ જોવા મળે છે, જેનો ઉકેલ તા-યેન-શુ (Ta-Yen-Shu) નામની પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યો છે. આ પદ્ધતિ અને ભારતની કુટ્ટક પદ્ધતિમાં ઘણું સામ્ય છે. સંભવ છે કે ઈ-શિન્ગની ભારતની મુલાકાત વખતે તે કુટ્ટક પદ્ધતિના પરિચયમાં આવ્યા હોય.

ઈ. સ. અગિયારમી સદીમાં ચીનમાં બનાવેલું એક ‘વૈશ્વિક એન્જિન’ કે ખગોલીય ઉપકરણ : ઈ. સ. આશરે 1050માં ચીનના હોનાન પ્રાંત(Honan province)માં ખાઇફેન્ગ (Khaifeng) ખાતે સુ સુન્ગ (Su Sung : ઈ. સ. 1020-1101) દ્વારા બનાવવામાં આવેલું અંદાજે 40 ફૂટ (12.192 મી.) ઊંચું વિશાળ મિનારા-ઘડિયાળ. આમાંની મોટાભાગની કરામતો પાછળ 300 વર્ષ પૂર્વે થઈ ગયેલા ઈ-શિન્ગની શોધો જ ઉપયોગમાં લેવામાં આવી હતી ! તેની છત ઉપર કાંસાનું બનેલું વલય-યંત્ર અને તેની સાથેની એક ખાસ વ્યવસ્થાથી આ યંત્ર આકાશી ગોળાની ગતિને અનુરૂપ ધીરે ધીરે ઘૂમતું હતું. આધુનિક વેધશાળાઓમાં આકાશી પિંડની ગતિ સાથે તાલ મિલાવીને ઘૂમતા ટેલિસ્કોપ જેવી આ રચનાનો મૂળ વિચાર ઈ-શિન્ગનો હતો. ચીનમાં ઈસુની આઠમી અને અગિયારમી સદીમાં થયેલી આ શોધ યુરોપમાં તો છેક અઢારમી સદીમાં પુનર્જીવિત થઈ !

ભારતીય ખગોળશાસ્ત્રને અનુરૂપ ઈ-શિન્ગનો મત પણ એવો જ હતો કે દિગ્ અને કાલનો વિસ્તાર અનંત છે. ગણતરી કરીને તેમણે એવું તારણ કાઢ્યું હતું કે પાછલી મહાયુતિ (જ્યારે બધા જ ગ્રહો આકાશના એક સ્થાને એકત્રિત થયા હતા) અને ઈ. સ. 724ની વચ્ચે 9,69,60,000 વર્ષ વીતી ચૂક્યાં છે. ઈ-શિન્ગના આ તર્કબદ્ધ વિધાન સામે આશરે એક હજાર વર્ષ બાદ યુરોપના એક ખ્રિસ્તી ધર્મગુરુનું વિધાન સરખાવવા જેવું છે. તેમણે કહ્યું હતું કે સૃષ્ટિની ઉત્પત્તિ ઈ. સ. પૂર્વે 4004માં એક દિવસ સવારે ચાર વાગ્યે થઈ હતી !

ઈ-શિન્ગની યંત્ર-રચનાનું માળખું, એનો અત્યંત અગત્યનો ભાગ – ‘ગતિ-નિયામક કળ’(escapement)ની કાર્યપ્રણાલી સમજાવતી આકૃતિ : આ યંત્રમાં ચાલકબળ સતત વહેતું રહેતું પાણી હતું. ચક્રની ડાબી બાજુએ પાણીની નાની ધાર પડતી અને ખાસ વ્યવસ્થા દ્વારા ચક્ર ડાબેથી જમણે  ઘડિયાળના કાંટાની દિશામાં  ઘૂમતું. કૂંડી(1)માંનું પાણી ચક્ર અને તેની સાથે જોડેલી ડોઈ (scoop) કે નાની ડોલ જેવી વ્યવસ્થા(2)થી ઉપર તરફ ચડીને કૂંડી(3)માં આવતું. લાકડાના દંતચક્ર (4) સાથે જોડાયેલા એક ચક્ર અને ડોઈ જેવી વ્યવસ્થા(5)થી પાણી ચડીને ટાંકી(3)માંથી ચડીને ટાંકી(6)માં જતું. અહીંથી નીચે રાખેલી ટાંકી(7)માં તે પડતું. આ ટાંકી (7) અને તેની નીચેની સપાટીએ ગોઠવેલી ટાંકી (9) બકનળી (સાઇફન) વડે જોડાયેલી રખાતી. બકનળીથી ટાંકી(7)માંથી પાણી જરૂરત મુજબ ટાંકી(9)માં સતત ઉલેચાયા કરતું. એક રીતે ટાંકી(9) એ સાદી ટાંકી નહિ, પણ પાણીનો સંગ્રહ કરતો એક જલકુંડ (જલાશય) હતો. આ જલકુંડ(9)માંથી તળિયામાં રહેલા કાણા સાથે જોડેલી નળી દ્વારા પાણીનો નાનો ધોધ કે ધારા રચાતી. આ જલધારાથી જલચક્ર (10) સાથે જોડેલી ડોઈ ભરાતી, ખાસ વ્યવસ્થાથી ડોઈ નીચે જતી, ખાલી થતી અને તે પછી પાછળની બીજી ડોઈ ભરાતી, ખાલી થતી અને આ રીતે ચક્ર ડાબેથી જમણે ફરતું. આ રીતે ડોઈમાંનું પાણી પાત્ર(11)માં ઠલવાતું. આમ, જલાશય(9)માંથી પડતા પાણીની ધાર વડે જલચક્ર (10) સતત ઘૂમતું રહેતું  એની સાથે એવી ગોઠવણ કરેલી કે દિવસ-રાત(24 કલાક)માં તે એક ચક્કર મારતું. આ ગતિ-નિયામક કળ હતી. આ જલચક્ર (10) સાથે જોડાયેલો સળિયો તેની સાથે જોડાયેલાં એકથી વધુ ગિયર(દંતચક્રો)ની પ્રણાલી (12), (13) અને (14)ને પણ ઘુમાવતો અને તેને કારણે તેની સાથે દંતચક્ર વડે જોડાયેલો આકાશી ગોળો કે ખગોલક (15) પણ ઘૂમતો. અને આ રીતે ટાવરની ટોચ પર મૂકેલું વલય-યંત્ર પણ ઘૂમતું. કથરોટ જેવું લાંબું, સાંકડું અને છીછરું વાસણ (11) ચક્રમાંની ડોઈમાંથી ઉલેચાતા પાણીને ઝીલી લેતું અને આ પાણી ગુરુત્વાકર્ષણને લીધે પાછું નીચેની સપાટીએ રાખેલી કૂંડી(1)માં વહી જતું. અહીંથી ફરી પાછું ઉપર ચડતું અને આ ઘટમાળ ચાલતી રહેતી.

ઈ-શિન્ગથી પહેલાંના કાળમાં ચીનના ખગોળશાસ્ત્રીઓ સમય જાણવા માટે અનેક પ્રકારની જલઘડી(clepsydra)નો ઉપયોગ કરતા હતા. વળી એ પણ નોંધવું જોઈએ કે ઘડિયાળની શોધ ચીનાઓએ કરી ન હતી. બૅબિલોનિયન સમયથી જલઘડીઓ અસ્તિત્વમાં હતી. ચીનાઓએ મધ્ય એશિયાની આવી પ્રાચીન પ્રજાઓ પાસેથી આ અંગેની જાણકારી મેળવી હતી; પણ યાંત્રિક ઘડિયાળનો ઉપયોગ કરનાર ચીનાઓ પહેલા હતા અને તેની શોધ કરનાર ઈ-શિન્ગ હતા. ઈ. સ. 723-725ના અરસામાં ઈ-શિન્ગ અને લિયાંગ લિંગે દુનિયાનું સૌપ્રથમ યાંત્રિક ઘડિયાળ બનાવ્યું અને એમાં જેને આજે આપણે એસ્કેપમેન્ટ (escapement) તરીકે ઓળખીએ છીએ તેવી ગતિ-નિયામક કળનો પહેલી જ વાર ઉપયોગ કર્યો હતો. (આ એસ્કેપમેન્ટની કરામતથી યાંત્રિક ઘડિયાળને જરૂરી ચાલક બળ મળે છે અને એની ગતિ નિયંત્રણમાં રહે છે. યાંત્રિક ઘડિયાળમાં જે ટિક ટિક અવાજ આવે છે અને ઘડિયાળ વખતસર ચાલે છે તેની પાછળ આવી કરામત જ જવાબદાર છે.) આ પ્રકારનું કળયુક્ત યાંત્રિક ઘડિયાળ પશ્ચિમમાં તો છેક છ સદી પછી બન્યું.

ઈસુની આઠમી સદીમાં બનેલા આ યાંત્રિક ઘડિયાળમાં એક વલય-યંત્ર (armillary sphere) જોડેલું હતું. આ યંત્ર વળી એક જલઘડી સાથે જોડેલું હતું. તેમાંના પાણીના નિયંત્રિત પ્રવાહથી આ વલય-યંત્ર પૃથ્વીની દૈનિક ગતિને અનુરૂપ ઘૂમતું હતું. મતલબ કે દિવસ-રાત થઈને (24 કલાકમાં) તે એક ચક્કર પૂરું કરતું હતું અને આ માટે તેમાં એક મોટું ચક્ર હતું; જેમાં સંખ્યાબંધ આરા (spokes) આવેલા હતા. આ પ્રત્યેક આરા સાથે એક એક ડોલ કે ડોઈ (કડછો) કે મોટા ચમચા જેવો પળો (scoop) લગાડેલો હતો. આ ડોઈ પર પડતા પાણીની ધારથી તે ભરાતી, વજન વધતાં નીચે આવતી અને સાથે સાથે ચક્ર પણ નીચે આવતું અને ડોઈમાંનું પાણી ઠલવાતાં, તેના પછીની ડોઈ પાણીથી ભરાઈને નીચે આવતી. આમ ચક્રની ડાબી તરફની એક પછી એક ડોઈ ભરાઈને ખાલી થતી જતી. આને કારણે ચક્ર પણ ડાબેથી જમણે ફરતું રહેતું. આ બધામાં પ્રતિસંતુલન (counter balance), સંતુલન ઉત્તોલક કે સંતુલન લીવર (balancing lever), ધુરાગ્ર કે કીલક (pivot) વગેરે જેવી યાંત્રિક યુક્તિઓનો એવો તો સરસ સમન્વય કરવામાં આવેલો કે ચક્રની ગતિ નિયંત્રિત રહેતી અને બરાબર 24 કલાકમાં તે એક ચક્કર પૂરું કરતું. સમગ્ર યંત્રની ખૂબી કહો તો તે, કે ગતિ-નિયામક કળ કહો તો તે; આખી વ્યવસ્થામાં ચાવીરૂપ જો કોઈ અદભુત અને અત્યાવશ્યક બાબત હતી તો તે આ કરામત હતી. ઈ-શિન્ગની આ મૌલિક શોધ હતી.

આમ આકાશીય પિંડોની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખતું તે એક ખગોલીય ઘડિયાળ હતું. ખરેખર તો એમ કહેવું જોઈએ કે આ એક ખગોલીય ઉપકરણ હતું અને સમય બતાવવાની વધારાની કામગીરી બજાવતું હતું. તેમાં એવી પણ કરામત કરવામાં આવેલી કે દર કલાકે એક ઘંટડી રણકે, અને દર પા કલાકે એક નાનું ઢોલ ઢબૂકે !

આ યંત્રનું ચાલકબળ પાણી હતું પણ ઠંડી ઋતુમાં પાણી થીજી જતું. બરફની પરત ન થાય તે માટે ઈ-શિન્ગે તેમાં નાનકડા દીવાઓની સગવડ પણ કરી હતી ! જોકે એવી નોંધ મળે છે કે પાણીને કારણે યંત્રના કળપુર્જાને જંગ લાગી જતાં કામ કરતું બંધ પડી ગયું હતું અને નિરુપયોગી બની જતાં પાછળથી સંગ્રહસ્થાનને સોંપી દેવામાં આવેલું.

પાણીથી થતી આવી હાનિને કારણે ચીનમાં પાછળથી જે બીજાં આવાં યંત્રો બન્યાં તેમાં પાણીને બદલે પારો વપરાતો થયો. પારા ઉપર વાતાવરણની આવી કોઈ અસર થતી ન હતી. પારાથી ચાલતું આવું પહેલું ઘડિયાળ ઈ. સ. 976માં Zhang Sixun નામના વૈજ્ઞાનિકે બનાવ્યું. આ યંત્ર ઈ-શિન્ગના યંત્રથી કદમાં મોટું અને વધુ જટિલ પણ હતું.

પાછળથી અગિયારમી સદીમાં ચીનના જ સુ સુન્ગ (Su Sung : ઈ. સ. 1020-1101) નામના એક વૈજ્ઞાનિકે ઈ-શિન્ગના આ એસ્કેપમેન્ટના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આશરે 10 મીટર ઊંચા એક વિશાળ મિનારા-ઘડિયાળ(clock tower)ની રચના કરેલી. હકીકતે ‘વૈશ્વિક (બ્રહ્માંડ) એન્જિન’ (Cosmic Engine) તરીકે ઓળખાતું આ એક વિશાળ ખગોલીય ઘડિયાળ જ હતું. તેની છત ઉપર કાંસાનું બનેલું એક વલય-યંત્ર હતું અને તેની સાથે એક લક્ષ્યસાધન-નલિકા પણ જોડી દેવામાં આવેલી. આ ઉપકરણથી આકાશના કોઈ પણ પિંડને લાંબા સમય સુધી નિહાળી શકાતો હતો, કારણ કે એ પિંડની આકાશીય ગતિ અનુસાર આ યંત્ર પણ ઘૂમતું હતું. યુરોપની વેધશાળાઓમાં રહેલાં દૂરબીનો આવી રીતે આકાશી ગુંબજની ગતિની સાથે તાલ મેળવતાં પોતાની મેળે ઘૂમે એવી વ્યવસ્થા તો છેક અઢારમી સદીમાં જ સંભવિત થઈ શકેલી !

આ બધી શોધો પાછળ ઈ-શિન્ગનો નોંધપાત્ર ફાળો રહેલો.

સુશ્રુત પટેલ