ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય છે.

આ પદાર્થો ઉચ્ચ અણુભાર ધરાવતા બહુલકો છે. એમાં બહુલકની શૃંખલા નમ્યતા (flexibility) અને નિયંત્રિત ધ્રુવીયતા અને બંધારણીય અનિયમિતતા ધરાવે છે. આ લાક્ષણિકતાઓ સામાન્ય સ્થિતિમાં સંસંજકતા (cohesiveness) અને આણ્વીય ગોઠવણીમાં અનિયમિતતા (disorder) પેદા કરે છે. જોકે કુદરતી અને સંશ્લેષિત રબરમાં નીચા તાપમાને અથવા વધુ ખેંચવાથી આણ્વીય ગોઠવણીમાં નિયમિતતા આવે છે. આ સ્ફટિકમયતાનું લક્ષણ છે. 1940ના અરસામાં બહુલીકરણ પરત્વે સવિશેષ સમજૂતી પ્રાપ્ત થતી ગઈ. કુદરતી રબરની સરખામણીમાં વધુ તનન-સામર્થ્ય (tensile strength) ધરાવતાં સંશ્લેષિત રબર (ઈલેસ્ટોમર) બનાવી શકાયાં. તે સારી ઘર્ષણ-પ્રતિરોધકતા ધરાવે છે અને બીજી સપાટીઓ સાથે સહેલાઈથી ચીટકી જાય છે.

ઈલેસ્ટોમર કુદરતી રબર સાથે મિશ્રણ રૂપે ટાયર, ટ્યૂબ, પગરખાં, હોઝિયરી, રૉકેટનાં ઘન ઇંધનો અને ઑક્સિજન કે ઓઝોનની અસરથી મુક્ત એવા ઇન્સ્યુલેટર તરીકે ઉપયોગી છે. બ્યુના-N, બ્યુના-S, બ્યુટાઇલ રબર, થાયોકોલ વગેરે અગત્યના ઈલેસ્ટોમર છે.

પ્રવીણસાગર સત્યપંથી