ઇવાકુરા, ટોમોમી

January, 2002

ઇવાકુરા, ટોમોમી (જ. 26 ઑક્ટોબર 1825, ક્યોટો; અ. 20 જુલાઈ 1883) : ઓગણીસમી સદીના જાપાનનો અત્યંત પ્રભાવશાળી રાજનીતિજ્ઞ તથા મુત્સદ્દી. શક્તિસંપન્ન ઇવાકુરમા કુટુંબમાં દત્તકપુત્ર તથા વારસદાર તરીકે આવેલા ટોમોમીએ પોતાની આગવી પ્રતિભાને લીધે રાજદ્વારી વર્તુળોમાં ટૂંક સમયમાં પોતાનું સ્થાન જમાવ્યું. ઓગણીસમી સદીના મધ્યમાં જાપાનમાં મોટાભાગની રાજકીય સત્તા શોગુનના નામથી ઓળખાતા સામંતશાહી લશ્કરી સરમુખત્યારોના હાથમાં કેન્દ્રિત થઈ હતી. તેની ઉપરવટ જઈને 1858માં ટોમોમીએ અમેરિકા સાથેના જાપાનના વ્યાપારી કરારને માન્યતા નહિ આપવાની સલાહ સમ્રાટને આપી અને તે દ્વારા રાજકીય બાબતોમાં સમ્રાટની સક્રિય ભાગીદારીનું ર્દષ્ટાંત પૂરું પાડ્યું. ટોમોમીના વલણથી છંછેડાયેલા શોગુને તેની સામે મોરચો ઊભો કર્યો; પરિણામે ટોમોમીને પદ છોડવું પડ્યું.

શોગુનની રાજકીય વગમાં ઘટાડો થતાં ટોમોમીના રાજકીય પ્રભાવમાં ફરી વધારો થવા લાગ્યો. 1868માં મૈજી વંશની સત્તાને પુન:સ્થાપિત કરવા માટે કાવતરું ઘડનાર જૂથમાં ટોમોમીએ પણ ભાગ લીધો ત્યારથી શોગુનની સત્તાનો અંત આવ્યો. જાપાનનું આધુનિકીકરણ કરવામાં મૈજી સમ્રાટના પ્રભાવનો ઉપયોગ કરનાર નેતાઓમાં ટોમોમી ઇવાકુરા અગ્રણી હતો. 1871માં પશ્ચિમના દેશોની અભ્યાસ-મુલાકાતે મોકલવામાં આવેલા સરકારી પ્રતિનિધિ મંડળના નેતા તરીકે તેની વરણી થઈ હતી. જાપાનમાંની તેની આ ગેરહાજરી દરમિયાન ત્યાં કોરિયા પર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી હતી, પરંતુ દેશમાં આંતરિક સુધારાને વધુ મહત્વ આપનાર ટોમોમીએ આક્રમણની આ યોજના નિષ્ફળ બનાવી. 1870 પછીના દાયકામાં તેની સત્તા વધતી ગઈ. અધિકૃત સત્તાધારી ન હોવા છતાં તે વાસ્તવમાં સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કરતો રહ્યો. ટોમોમી લોકશાહી સુધારાનો સખત વિરોધ કરનાર અને દેશના રાજવીઓના વિશિષ્ટ હક્કોનો આજન્મ પુરસ્કર્તા રહ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે