ઇલિઝાબેથ-I (ઇલિઝાબેથ ટ્યુડોર)

January, 2002

ઇલિઝાબેથ-I (ઇલિઝાબેથ ટ્યુડોર): (જ. 7 સપ્ટેમ્બર 1533, ગ્રીનવિચ, લંડન; અ. 23 માર્ચ 1603, રિચમંડ) : ઇંગ્લૅન્ડની રાણી. રાજા હેન્રી આઠમાની બીજી પત્ની એન બોલીનની પુત્રી. બોલીન સાથે લગ્ન કરવા માટે રાજા હેન્રીને કૅથલિક ધર્મના વડા પોપના ધર્મશાસનનો અસ્વીકાર કરવો પડ્યો હતો, તેથી ઇલિઝાબેથ ધર્મસુધારણા(Reformation)નું સંતાન ગણાતી. એન બોલીન પુત્રને જન્મ ન આપી શકી તેથી 1536માં તેનો વ્યભિચારના આક્ષેપ સાથે વધ કરવામાં આવ્યો. આમ ઇલિઝાબેથ માતાના પ્રેમ વિના ઊછરી, પરંતુ તેનું શિક્ષણ રૉજર અસ્કામ જેવા વિદ્વાન દ્વારા થયું. તેના શિક્ષક ઇલિઝાબેથની જ્ઞાનગ્રહણશક્તિનાં વખાણ કરતા હતા. હેન્રીની છેલ્લી રાણી કૅથેરાઇન પાર ઇલિઝાબેથ સાથે કેટલોક સમય પ્રેમાળ રીતે વર્તી હતી.

ઇલિઝાબેથ – I

ઇલિઝાબેથ - I

રાજા હેન્રી આઠમાનું મૃત્યુ 1547માં થયું અને ઇલિઝાબેથ 1558માં ગાદીએ આવી તે વચ્ચેના સમયમાં તેના ઓરમાન ભાઈ એડ્વર્ડ છઠ્ઠાનું શાસન (1547-1553) હતું. આ શાસન દરમિયાન ઇલિઝાબેથના પ્રેમી, સમરસેટના ડ્યૂકના ભાઈ ટૉમસ સેયમૂરને 1549માં મૃત્યુદંડ અપાયો. 1553-1558માં ઇલિઝાબેથની ઓરમાન બહેન મૅરી ડ્યૂટર(મૅરી પ્રથમ)નું શાસન આવ્યું. મૅરીએ કૅથલિક ધર્મપંથને ઉત્તેજન આપતાં 1554માં સર ટૉમસ વ્યાટની સરદારી નીચે બંડ થયું. તે પછી ઇલિઝાબેથને બે મહિના ટાવરમાં કેદ રખાઈ અને એક વર્ષ વૂડસ્ટોકમાં નજરકેદ રખાઈ. પુત્ર કે વારસ વિના રાણી મૅરી અવસાન પામી અને નવેમ્બર મહિનાની 17મી તારીખે 1558માં ઇલિઝાબેથ રાણી તરીકે રાજગાદીની વારસ બની. લંડન શહેરના નાગરિકોએ અને પ્રૉટેસ્ટંટ પંથીઓએ તેના રાણીપદને ખૂબ આવકાર્યું. તે વખતે ઇંગ્લૅન્ડની પ્રજા વિભક્ત હતી, દેશ દેવાદાર હતો અને ફ્રાંસ સાથે યુદ્ધ ચાલતું હતું. મૅરી ક્વીન ઑવ્ સ્કૉટ્સ ઇંગ્લૅન્ડની રાજગાદી માટે ઇલિઝાબેથની પ્રબળ હરીફ હતી, પરંતુ ઇલિઝાબેથે 1559માં ફ્રાંસ સાથે શાંતિ સ્થાપી અને વડાપ્રધાન સર વિલિયમ સેસિલની સહાયથી દેવળ સાથેના સંબંધો સુધારવા ઇલિઝાબેથને ‘સેટલમેન્ટ ફૉર ધ ચર્ચ ઑવ્ ઇંગ્લૅન્ડ’ નામે સમજૂતીનો દસ્તાવેજ કરી દેવળમાં ‘ધ બુક ઑવ્ કૉમન પ્રેયર’નું ચલણ દાખલ કર્યું.

સ્કૉટલૅન્ડની પ્રજાએ મૅરી સામે બળવો કર્યો અને તેને 1568માં નાસી ઇંગ્લૅન્ડ આવવું પડ્યું. અહીં તેને કેદી તરીકે પૂરી રાખવામાં આવી અને 1587માં તેને મૃત્યુદંડની સજા થઈ.

1588માં સ્પેનના રોમન કૅથલિક રાજા ફિલિપ બીજાએ રાણી ઇલિઝાબેથને દૂર કરી તેની રાજગાદી મેળવવા ‘સ્પૅનિશ આર્મેડા’ – નૌકાદળ દ્વારા ઇંગ્લૅન્ડ પર ચડાઈ કરી, પરંતુ ઇંગ્લિશ ચૅનલમાં આ નૌકાદળને સખત હાર આપી અંગ્રેજ નૌકાદળે તેનો નાશ કર્યો અને જીત મેળવી. ઇલિઝાબેથે ઇંગ્લૅન્ડને બળવાન બનાવ્યું અને રાજ્યને સ્થિરતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. તેના સમયમાં સાહિત્ય, કલા વગેરેનો વિકાસ થયો અને તેનો યુગ સુવર્ણકાળ ગણાયો.

આયર્લૅન્ડમાં હ્યુ ઓ’નીલે 1599માં બંડ કર્યું અને તેને દાબવા રાણીએ અર્લ ઑવ્ એસેક્સ – રૉબર્ટ દેવરોને મોકલ્યા, પણ તે કાર્ય પૂરું કર્યા વિના પાછા ફર્યા. તેથી લૉર્ડ માઉન્ટ જૉયે બળવો દબાવી ઇંગ્લૅન્ડને જીત અપાવી. અર્લ ઑવ્ એસેક્સે 1601માં રાણીના સલાહકારો વિરુદ્ધ બંડ કરાવ્યું, પણ તેમાં તે નિષ્ફળ ગયા અને મૃત્યુદંડ પામ્યા.

રાણી ઇલિઝાબેથને લગ્ન કરવા વારંવાર દબાણ થતું અને તેના માટે ઉમેદવારો પણ ઘણા હતા; પરંતુ જીવનના અંત સુધી તેણે લગ્ન કર્યું નહિ. પોતે કુમારિકા તરીકે જીવી અને મરશે તે બાબત તે ગૌરવ અનુભવતી. તે ‘વર્જિન ક્વીન’ તરીકે ઓળખાતી. અમેરિકાના વર્જિનિયા રાજ્યનું નામ તેના નામ પરથી પડ્યું છે.

ઇલિઝાબેથ અત્યંત બુદ્ધિશાળી, સુશિક્ષિત અને અનેક ભાષાઓ જાણનાર હતી. તેની વડાપ્રધાનોની પસંદગી ખૂબ ઉચિત હતી. તેના સિવાય આઠમા હેન્રીનું કોઈ વંશજ ન હતું તેથી તેના અવસાનથી રાજ્યગાદી પર ટ્યૂડર વંશનો અંત આવ્યો. તેની મૃત્યુ વખતની ઇચ્છા પ્રમાણે મૅરી ક્વીન ઑવ્ સ્કૉટ્સનો પુત્ર – સ્કૉટલૅન્ડનો જેમ્સ છઠ્ઠો, ઇંગ્લૅન્ડમાં જેમ્સ પ્રથમ તરીકે ગાદીએ આવ્યો.

કૃષ્ણવદન જેટલી