ઇમરાનખાન (જ. 25 નવેમ્બર 1952, લાહોર) : પાકિસ્તાનના તેમજ વિશ્વના એક મહાન સર્વાશ્ર્લેષી (all-rounder) ક્રિકેટર તથા પાકિસ્તાનના રાજકીય અગ્રણી, ક્રિકેટ સમીક્ષક અને કૅન્સર હૉસ્પિટલના દાતા તથા તહરીક-એ-ઇન્સાફ નામના રાજકીય પક્ષના ચૅરમૅન. તેમનું એવું મોહક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ છે કે તેઓ એકલે હાથે આખી ટીમને એકસૂત્રે જકડી રાખી શકે. છેક 1985માં ક્રિકેટમાંથી નિવૃત્તિ નહિ લેવા પાક-પ્રમુખ ઝિયાએ તેમને અંગત વિનંતી કરી હતી; પરંતુ 1992માં વિશ્ર્વકપ વિજેતા બન્યા પછી તેમણે સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લીધી છે.

ક્રિકેટ-કારકિર્દીનો પ્રારંભ તેમણે 1969માં લાહોર ખાતે કર્યો, ત્યારબાદ ઇંગ્લૅન્ડ આવી વૉર્સેસ્ટર રૉયલ ગ્રામર ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા. ઑક્સફર્ડમાં હતા ત્યારે 18 વર્ષની વયે પ્રથમ ટેસ્ટમાં ભાગ લીધો. 1971-76 દરમિયાન તેઓ વૉર્સેસ્ટર માટે અને 1976-88 સુધી સસેક્સ માટે રમ્યા; 1977-79માં તેઓ કેરી પૅકરની વિશ્વકપ શ્રેણીમાં પણ રમ્યા.

1982-92 દરમિયાન તેમણે 48 ટેસ્ટમાં પાકિસ્તાનનું સુકાનીપદ સંભાળ્યું અને 14 ટેસ્ટમાં જીત મેળવી; 1992માં તેઓ વિશ્વકપના વિજેતા બન્યા એ તેમની કારકિર્દીની સર્વોચ્ચ-સર્વોત્તમ ઘટના બની રહી. 5 વિશ્વકપ શ્રેણીઓમાં તેમણે સૌથી વધુ વિકેટો લીધી હતી  19.26 રનની સરેરાશથી 34 વિકેટ. અનેક વર્ષો સુધી તેઓ અત્યંત સફળ ઝડપી ગોલંદાજ બની રહ્યા અને તેમની બૅટિંગ પણ તેમની કારકિર્દીની સાથે ઉત્તરોત્તર સુધરતી ગઈ.

તેમની સૌથી સફળ ટેસ્ટશ્રેણી તે 1982-83ની ભારત સામેની શ્રેણી; તેમાં તેમણે 61.75ની સરેરાશથી 247 રન નોંધાવ્યા અને 14.00ની સરેરાશથી 40 વિકેટો ઝડપી હતી.

ઇમરાનખાન

ઇમરાનખાન

તેઓ પ્રામાણિક, સ્પષ્ટવક્તા તથા રમતનાં ઉચ્ચ ધોરણો અને શિસ્તના આગ્રહી રહ્યા છે. બીજા ઝડપી ગોલંદાજોની જેમ તેમને પણ પગના સ્નાયુઓનું ‘કમ્પાઉન્ડ ફ્રૅક્ચર’ અને બીજી ઈજાઓ થઈ હતી; પરંતુ અડગ નિશ્ચય અને અથાગ પરિશ્રમથી તેઓ તેમાંથી બહાર આવી પોતાની યશસ્વી કારકિર્દી બનાવી શક્યા. શરૂઆતમાં, 1971માં તેઓ ઇનસ્વિંગ ગોલંદાજી  ક્રીઝના છેડેથી કરતા હતા, પણ ત્યારબાદ તેમને સમજાયું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ વિકેટો ઝડપવી હોય તો ગોલંદાજીમાં વૈવિધ્ય લાવવું જરૂરી છે. તેમણે વેસ્ટ ઇન્ડિઝના માલ્કમ માર્શલ પાસેથી ‘લેગ કટર’ નાખતાં શીખી લીધું અને ગોલંદાજીની ક્રીઝનો પૂરો ઉપયોગ કરીને વિકેટની નજીકથી આઉટસ્વિંગ કરવાની ફાવટ પણ મેળવી લીધી. પોતાના વ્યક્તિત્વથી તેમજ આકર્ષક રમતથી તેઓ રમતના મેદાન પર છવાઈ જતા હતા. તેઓ તટસ્થ અમ્પાયરિંગના ખૂબ આગ્રહી રહ્યા છે.

તેઓ જ્યાં જતા ત્યાં યુવતીઓને ઘેલું (female appeal) લગાડતા. 1995માં તેમણે બ્રિટનના ધનાઢ્ય વેપારીની પુત્રી જેમિમા સાથે લગ્ન કર્યાં અને એ રીતે બહોળી પ્રસિદ્ધિ પણ પામ્યા. જોકે 2004માં જેમિમા સાથે લગ્નવિચ્છેદ થયો. 1996માં એમણે પાકિસ્તાનના રાજકારણમાં ઝંપલાવ્યું અને તહરીક-એ-ઇન્સાફ (ન્યાય માટે આંદોલન) નામનો રાજકીય પક્ષ સ્થાપ્યો અને તેના ચૅરમૅનપદે આરૂઢ થયા.

1996માં એમણે શૌકતખાનમ્ મેમૉરિયલ કૅન્સર હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી તેમજ એને માટે વિશ્વભરમાંથી દાન મેળવવા ઝુંબેશ ચલાવી. 2010ની 14મી જુલાઈએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કૉન્ફરન્સના ક્રિકેટ હૉલ ઑફ ફેઇમમાં ઇમરાનખાન સ્થાન પામ્યા. તેમનો ક્રિકેટ કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :

(1) 1971-92 : 88 ટેસ્ટ; 37.69ની સરેરાશથી કુલ 3,807 રન; 6 સદીઓ; સૌથી મોટો જુમલો 136; 22.81ની સરેરાશથી 362 વિકેટ; એક દાવમાં ઉત્તમ ગોલંદાજી – 58 રનમાં 8 વિકેટ અને 28 કૅચ ઝડપ્યા.

(2) 175 આંતરરાષ્ટ્રીય એકદિવસીય મૅચ : 33.41ની સરેરાશથી 3,709 રન; સદી 1; સૌથી ઉચ્ચ જુમલો 102 (અણનમ); 26.62ની સરેરાશથી 182 વિકેટ; એક દાવમાં ઉત્તમ ગોલંદાજીથી 14ની સરેરાશથી 6 વિકેટ, 37 કૅચ ઝડપ્યા.

(3) પ્રથમ વર્ગની મૅચ, 1969-92 : 36.79ની સરેરાશ 17,771 રન; સદી 30; સૌથી મોટો જુમલો 170; 22.32ની સરેરાશથી 1,287 વિકેટ; એક દાવમાં ઉત્તમ ગોલંદાજીથી 34ની સરેરાશથી 8 વિકેટ; 117 કૅચ.

તેમના ભત્રીજા માજિદખાન તથા જાવેદ બર્કીએ પણ પાકિસ્તાનનું સુકાનીપદ સંભાળ્યું હતું.

સુધીર તલાટી