ઇમદાદખાં (જ. 1848; અ. 1920) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં વિચક્ષણ પ્રતિભા ધરાવતા સંગીતજ્ઞ. તેમના પરિવારમાં કેટલાક અગ્રણી સંગીતજ્ઞ થઈ ગયા છે, જેમનો વારસો ઇમદાદખાંને મળ્યો હતો. તેમના પૂર્વજો હિંદુ હતા, પરંતુ બાળપણમાં જ તેમના પિતા સાહબદાદે મુસ્લિમ ધર્મનો અંગીકાર કર્યો હોવાથી તેમને તે ધર્મના અનુયાયી ગણવામાં આવે છે. સાહબદાદનું મૂળ હિંદુ નામ હદ્દુસિંગ હતું. સાહબદાદનાં ફોઈ ગ્વાલિયરના હદ્દુ હસ્સુખાં નામક વિખ્યાત ખયાલ-ગાયક સાથે પરણ્યાં હતાં અને લગ્ન પછી જ્યારે તેઓ સાસરે ગયાં ત્યારે સાહબદાદને સાથે લઈ ગયાં હતાં. હદુ હસ્સુખાં જ્યારે પોતાના મકાનના ભોંયરામાં બેસીને સંગીતનો રિયાઝ કરતા ત્યારે સાહબદાદ ચોરીછૂપીથી તેમનું સંગીત સાંભળતા. એક દિવસ તેઓ પકડાઈ ગયા હતા, જેના પછી સાહબદાદને હદ્દુ હસ્સુખાંએ સંગીતની રીતસરની તાલીમ આપી હતી.

આ સાહબદાદના બે પુત્રોમાંથી એક પુત્ર તે ઇમદાદખાં. પિતાની ઇચ્છા એવી હતી કે પુત્ર ઇમદાદખાં બાર વર્ષ સુધી સંગીતની સાધના કરે અને ત્યારપછી જ તેને ગૃહસ્થાશ્રમમાં દાખલ કરવો; પરંતુ ઇમદાદખાં સોળ વર્ષના હતા ત્યારે જ તેમનાં લગ્ન થયાં હતાં. ઇમદાદખાં એકવીસ વર્ષના હતા ત્યારે તેમને પુત્રી પ્રાપ્ત થઈ, જેને લીધે તેમના પિતા સાહબદાદ ખૂબ રોષે ભરાયેલા અને તેઓ ઇમદાદખાંને તાનપુરા સાથે ઘરમાંથી કાઢી મૂકવા માગતા હતા; પરંતુ સગાંસંબંધીઓના કહેવાથી તેમણે એક શરત પર તે વિચાર માંડી વાળ્યો. શરત એ હતી કે ત્યારપછીનાં બાર વર્ષ સુધી ઇમદાદખાંએ પત્ની સાથે કોઈ સંબંધ રાખવો નહિ અને માત્ર સંગીતની સાધનામાં જ સમય પસાર કરવો.

ત્યારથી એટલે કે એકવીસ વર્ષની વયથી ઇમદાદખાંએ વાદ્ય-સંગીતની શિક્ષા લેવાની શરૂઆત કરી. પિતાના મૃત્યુ બાદ ઇમદાદખાં રજબઅલીખાંના શિષ્ય બન્યા. જ્યારે રજબઅલીખાંનું અવસાન થયું ત્યારે ઇમદાદખાં બનારસ જતા રહ્યા; જ્યાં તેમણે સિતાર, સૂરબહાર અને બનારસી ઠૂમરી ગાયકીની શિક્ષા પ્રાપ્ત કરી. તેમણે સિતાર-વાદનનો વિશેષ અભ્યાસ કર્યો અને તેમાં કેટલાક પ્રયોગો પણ કર્યા. સાથોસાથ તેમણે પરંપરાથી ચાતરીને વીણા, રબાબ તથા પખવાજ અને તબલા વચ્ચે વિભિન્ન લયોના સંદર્ભમાં સમન્વય કરવાના પ્રયોગો પણ સફળ રીતે કર્યા; દા.ત., સાધારણ સપેરાઓની ધૂનો તથા પુલ પરથી પસાર થતી ટ્રેનોની ધૂનો વચ્ચે સમન્વય કરવાનો તેમણે પ્રયાસ કર્યો હતો. આ રીતે સામાન્ય જનજીવનમાંથી પ્રેરણા લઈને તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતને સમૃદ્ધ કર્યું હતું. ઇમદાદખાંએ સિતાર-સૂરબહાર જેવાં વાદ્યોના વાદનની એક નવી પ્રણાલીનું સર્જન કર્યું હતું. આ પ્રણાલી ‘ઇમદાદખાંની બાજ’ નામથી ઓળખાય છે.

ઇમદાદખાંનું નવી પ્રણાલી પર આધારિત સિતારવાદન સાંભળીને કૉલકાતાના તત્કાલીન નરેશ જ્યોતિમોહન ટાગોર એટલા બધા પ્રભાવિત થયેલા કે તેઓ ઇમદાદખાંને પોતાની સાથે કૉલકાતા લઈ ગયેલા અને તેમને ત્યાં દરબારી ગાયક બનાવ્યા હતા.

એક વાર ઇમદાદખાં સિતારના રિયાઝમાં એટલા બધા મગ્ન થઈ ગયેલા કે તેમની પુત્રીની ગંભીર માંદગીના સમાચાર સાંભળ્યા પછી પણ તેમણે પોતાનો રિયાઝ ચાલુ જ રાખ્યો અને તે પૂરો થયો તે પૂર્વે પુત્રીનું અવસાન થઈ ચૂક્યું હતું. આ દાખલો બતાવે છે કે ઇમદાદખાં સંગીતના કેવા નિષ્ઠાવાન ઉપાસક હતા. તેઓ સંગીત-સાધનાને જ સર્વોપરી ગણતા હતા.

ઇમદાદખાંના બંને પુત્રો સિતારવાદનમાં નિષ્ણાત થયા બાદ તેઓ બંને પિતાની સાથે સહિયારા સંગીત-કાર્યક્રમો આપતા થયા હતા. જીવનનાં છેલ્લાં વર્ષો દરમિયાન તેઓ કૉલકાતાથી વિદાય લઈ હોળકર નરેશના દરબારમાં દરબારી સંગીતજ્ઞ તરીકે જોડાયા હતા.

તેમના શિષ્યવર્ગમાં તેમના પુત્ર ઇનાયતખાં અને પતિયાળાના ઉસ્તાદ મમ્મનખાં વિશેષ ઉલ્લેખનીય છે.

ગીતા મહેતા

બાળકૃષ્ણ માધવરાવ મૂળે