ઇબ્સન, હેન્રિક જોહાન [જ. 20 માર્ચ 1828, સ્કિએન (skien), નૉર્વે; અ. 23 મે 1906, ક્રિસ્ટિયાના (ઑસ્લો)] : નૉર્વેનો કવિ અને નાટ્યકાર. બાલ્યાવસ્થામાં કુટુંબ પર આર્થિક વિપત્તિ આવી પડતાં કિશોરવયથી તેને નોકરી કરવી પડેલી. તબીબી વિદ્યાનો અભ્યાસ કરતાં કરતાં તેને રંગભૂમિ પર કામ કરવાનો મોકો મળી ગયેલો. 1851માં બર્જેનના રાષ્ટ્રીય થિયેટરમાં નાટ્યલેખકનું કામ મળ્યું. ઑસ્લોના નૉર્વેજિયન થિયેટરમાં વ્યવસ્થાપક તરીકે કામ કરતાં તેણે ‘વાઇકિંગ્ઝ ઑવ્ હેલ્ગોલૅન્ડ’ નાટક લખેલું (1858). તેનાથી તેની સમર્થ નાટ્યકાર તરીકે કીર્તિ સ્થાપિત થઈ. તેનાં પ્રથમ બે મહત્વનાં નાટકો ‘બ્રૅન્ડ’ અને ‘પિયર જીન્ટ’ પદ્યમાં રચાયાં હતાં.

હેન્રિક જોહાન ઇબ્સન

હેન્રિક જોહાન ઇબ્સન

તે પછી ઇબ્સનનાં નાટકોમાં મોટો વળાંક આવ્યો. તેણે તત્કાલીન રંગભૂમિને આધુનિક વાસ્તવલક્ષી નાટકોને માર્ગે લાવી મૂકી. 1877માં લખાયેલ ‘ધ પીલર્સ ઑવ્ સોસાયટી’માં ધનિક અને દંભી વેપારીનાં દુષ્કૃત્યો પર પ્રકાશ ફેંક્યો. ‘અ ડૉલ્સ હાઉસ’ તેનું શ્રેષ્ઠ યશોદાયી નાટક છે. ખોખલા લગ્નજીવનનું આ નાટક જેટલું પ્રશંસાપાત્ર એટલું જ ટીકાપાત્ર બનેલું. નાટકને અંતે નૉરાએ ગૃહત્યાગ વખતે પછાડેલું બારણું આખા યુરોપને ધ્રુજાવી ગયું હતું એમ કહેવાય છે. પછીના પ્રત્યેક નાટકમાં – ‘ઘોસ્ટ્સ’, ‘ધ વાઇલ્ડ ડક’, ‘રૉસ્મર શોમ’, ‘હેડા ગૅબ્લર’, ‘ધ માસ્ટર બિલ્ડર’, ‘લિટલ ઇઓલ્ફ’ વગેરેમાં સમાજને જાગ્રત કરે તેવાં વસ્તુપાત્રાદિનું નિરૂપણ કરેલું છે. આ કારણે ઇબ્સનનાં નાટકો પેઢી-દર-પેઢી ભજવાતાં રહ્યાં છે.

આધુનિક નાટ્યલેખન અને રજૂઆત ઉપર ઇબ્સનનો મોટો પ્રભાવ છે. પશ્ચિમના સમર્થ નાટ્યકારોમાં તેને અગ્રસ્થાન મળેલ છે. તેનાં નાટકો દુનિયાભરના વિવિધ દેશોમાં ભજવાયાં કરે છે. ગુજરાતની રંગભૂમિ પર ઇબ્સનનાં નાટકોના અનુવાદ ‘ઢીંગલીઘર’, ‘હંસી’, ‘નરબંકા’, ‘પિયર જીન્ટ’, ‘લોકશત્રુ’, ‘સાગરઘેલી’ વગેરે સફળપણે ભજવાયેલાં છે. એ રીતે ઇબ્સનનાં નાટકો દુનિયાની અનેક ભાષાઓમાં ઊતરેલાં છે. ઇબ્સને જેમ નાટકમાં તેમ કવિતામાં પણ સફળતાથી કલમ ચલાવેલી.

ઇબ્સન વિશે અનેક વિવેચનો લખાયાં છે. તેમાં વિલિયમ આર્ચર અને બર્નાર્ડ શૉનાં મુખ્ય છે. ‘ઇબ્સનવાદનો અર્ક’ (Quintessence of Ibsenism) ઇબ્સન વિશેનો એ વિવેચનગ્રંથ જાણીતો છે. યુરોપનાં થિયેટરોમાં ઇબ્સને નાટ્યલેખક ઉપરાંત દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું હતું એટલે તેને નાટ્યાચાર્ય તરીકે પણ માન મળ્યું હતું. તેને લીધે નૉર્વેજિયન ભાષા સમૃદ્ધ બનીને ફૂલીફાલી હતી. ઘણા યુરોપિયન સારસ્વતો ઇબ્સનને સમજવા તેમજ તેનાં નાટકોના નાટ્યતત્વને પામવા સારુ નૉર્વેજિયન ભાષા શીખ્યા હતા.

જશવંત ઠાકર