ઇબ્ન બતૂતા (જ. 24 ફેબ્રુઆરી 1304; અ. 1369) : મધ્યયુગનો મહાન આરબપ્રવાસી અને લેખક. આફ્રિકાના મોરોક્કો પ્રાંતના તાંજિયર શહેરના વિદ્વાન અને કાજીઓના બર્બર કુટુંબમાં જન્મ. આખું નામ મુહમ્મદ ઇબ્ન અબ્દુલ્લાહ ઇબ્ન બતૂતા (અથવા બત્તૂતા).

વતનમાં પ્રાથમિક શિક્ષણ લીધા પછી 1325માં 21 વર્ષની ઉંમરે મક્કાનો પ્રવાસ શરૂ કર્યો. તેમાં ધાર્મિક ફરજની ભાવના ઉપરાંત નવું જોવા-જાણવાની અભિલાષા પણ હતી. એક રસ્તો ફરીથી નહિ વાપરવાની વૃત્તિને લીધે બને તેટલા વધુ પ્રદેશો તથા જુદાં જુદાં સ્થળો જોવાની તક મળી. ઉત્તર આફ્રિકાના કિનારેથી પ્રવાસ શરૂ કર્યો. કૅરો, દમાસ્કસ વગેરે સ્થળોમાં નામાંકિત વિદ્વાનો પાસેથી તેણે શિક્ષણ મેળવ્યું. આ પ્રવાસના તેણે આપેલા વર્ણનમાં સૂફીઓ અને વિદ્વાનોના ઉલ્લેખો છે. દમાસ્કસમાં તેણે વિદ્યોપાધિ (diploma) મેળવેલી.

1326-27 દરમિયાન દક્ષિણ પર્શિયા અને ઇરાકમાંથી પસાર થઈ યેમેન અને ત્યાંથી સમુદ્રમાર્ગે એડન ગયો; ઈસ્ટ આફ્રિકાનાં વેપારી આરબમથકો જોઈ ઓમન અને પર્શિયન ખાડી દ્વારા મક્કા પહોંચ્યો. આ સમય દરમિયાન પ્રવાસી તરીકે ઠીક ઠીક નામના મેળવેલી હોવાથી તેમજ વિદ્વાનોના સંપર્કને કારણે તેણે માનપાન મેળવ્યાં હતાં. તેનો પ્રવાસ જ્ઞાનના આનંદ ખાતર હતો; જ્યારે અન્ય લોકો યાત્રા, ધંધો કે શિક્ષણ જેવા હેતુથી પ્રવાસ કરતા. ઇબ્ન બતૂતાએ જીવનનિભાવની વ્યવસ્થા જ્ઞાન અને પ્રવાસના અનુભવોથી કરેલી. સુલતાનો, રાજકર્તાઓ, ગવર્નરો અને અન્ય મહાનુભાવો તરફથી તેને માનસત્કાર અને ઉદાર સખાવતો મળી હતી.

કેરોથી લાલ સમુદ્ર અને સીરિયા થઈ આગળ જતાં મક્કાના પ્રવાસીઓ તેની સાથે જોડાયા હતા. ઈરાન અને ઇરાક જવા માટે તેણે અરબસ્તાનનું રણ ઓળંગ્યું હતું. ઈરાનના છેલ્લા મૉંગોલ ખાન અબૂ સૈયદ(1316-36)ની મુલાકાત પણ તેણે લીધી હતી.

1327થી 1330નાં વર્ષ મક્કા-મદિનામાં શાંત ભક્તિમય જીવનમાં ગાળ્યાં હતાં. પછી લાલ સમુદ્રના કિનારાથી જમીનમાર્ગે યેમેન અને એડનથી સમુદ્રમાર્ગે જતાં આફ્રિકાનાં નગરરાજ્યો પણ જોયાં. પાછા ફરતાં દક્ષિણ અરેબિયા, ઓમન, હોરમૂઝ અને દક્ષિણ પર્શિયા થઈ 1332માં મક્કા પહોંચ્યો.

દિલ્હીના સુલતાન મુહંમદ ઇબ્ન તુગલુકની ઉદારતા વિશે સાંભળીને તેણે નસીબ અજમાવવા વિચાર્યું. હિંદ જવા વહાણ ન મળ્યું તેથી જમીનમાર્ગે એશિયા માઇનોર, સિનોપ, ક્રિમિયા અને કૉકેસસ પહોંચ્યો. ત્યાં ગોલ્ડન હોર્ડના ખાનની મુલાકાત લીધી. ત્યાંથી કૉન્સ્ટૅન્ટિનોપલ, વૉલ્ગા, સમરકંદ, બુખારા, અફઘાનિસ્તાન થઈ હિંદુકુશ પર્વતમાળાના રસ્તે 1333માં તે દિલ્હી પહોંચ્યો. સમરકંદ અને બુખારામાં મૉંગોલ આક્રમણની નિશાનીઓ જોવા મળેલી.

દિલ્હીનો સુલતાન ઉદારતા અને ક્રૂરતાનું વિચિત્ર મિશ્રણ હતો. દિલ્હીથી દૌલતાબાદ અને ફરી દૌલતાબાદથી દિલ્હી રાજધાની બદલી, ટંકા (ચાંદીના સિક્કા) જેટલા નિશ્ચિત મૂલ્યના તાંબામિશ્રિત સિક્કાનું ચલણ વગેરે બાબતો તેની વિલક્ષણતાનાં ર્દષ્ટાંતો છે; પરંતુ તે વિદ્વાન હતો અને કુરાનની જાણકારી ધરાવતો હતો તેમજ મુસ્લિમ સૂફીઓ, હિંદુ યોગીઓ તથા જૈન મુનિઓ સાથે શાસ્ત્રોની ચર્ચા કરતો. કોઈને શિરપાવ આપે તો કોઈનો શિરચ્છેદ પણ કરે એવું તેનું વિરોધાભાસી વ્યક્તિત્વ હતું. તેની પાસે આદર્શ યોજનાઓ અને બુદ્ધિપ્રતિભા બંને હોવા છતાં સફળતા મેળવી શકતો નહિ. ઇબ્ન બતૂતાએ દિલ્હીમાં 8 વર્ષ ગાળ્યાં. ત્યાં તેનું ભવ્ય સ્વાગત થયેલું. તેણે દોરેલું મુહંમદ તુગલુકનું વ્યક્તિચિત્ર લેખકની મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિનું સુંદર ઉદાહરણ છે.

1342માં ઇબ્ન બતૂતા ચીનનો એલચી નિમાયો. તેણે દિલ્હી છોડ્યું. ભારતના મલબાર કિનારે કાલિકટમાં મુશ્કેલી થતાં તેણે બધું ગુમાવ્યું. માલદીવ ટાપુમાં કાજી તરીકે 18 માસ ગાળીને સિલોન ગયો. કોરોમાંડલ કિનારા પર વહાણનો નાશ થતાં બંગાળ અને આસામ ગયો. સુમાત્રાથી વહાણ લઈ ચીનમાં ઝૈતૂન (હાલનું એમોય) પહોંચ્યો. ત્યાં થોડો સમય ગાળી 1347માં દક્ષિણ ભારત પાછો આવ્યો ત્યારે તેણે સુમાત્રા, મલબાર, પર્શિયન ગલ્ફ, બગદાદ અને સીરિયાનો રસ્તો લીધો હતો અને તે ફરીથી મક્કા ગયો હતો. ત્યાંથી મોરોક્કો થઈ, ટ્યૂનિસિયા, સાર્ડિનિયા અને અલ્જિયર્સ થઈને 1349માં ફેઝ પહોંચ્યો હતો. 1352માં સુદાન જવા નીકળ્યો. સહરાના રણમાં મુસાફરી કરીને માલીના નિગ્રો રાજ્યમાં થઈને 1353માં મોરોક્કો આવ્યો હતો.

ઇબ્ન બતૂતાએ પોતાના 1,20,000 કિમી.ના સુદીર્ઘ પ્રવાસનું પુસ્તક ઇબ્ન ઝૂઝી નામના લહિયા પાસે લખાવેલું છે, તે ‘સફર નામ-એ-ઇબ્ને બતૂતા’ના નામે ઓળખાય છે. તેનું નામ ‘રિલાહ’ પણ છે. તેમાં મુસ્લિમ જગતના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય ઇતિહાસનું અદ્વિતીય અગત્ય ધરાવતું નિરૂપણ છે. આથી ઇબ્ન બતૂતાની તુલના માર્કો પોલો સાથે થાય છે. અવલોકનની સમૃદ્ધિ અને માહિતીની ગુણવત્તા ઉપર આ કૃતિની કીર્તિ નિર્ભર છે. મધ્યયુગના મુસ્લિમ જગતનું તાર્દશ અને અધિકૃત દર્શન અહીં થાય છે. 60 રાજકર્તાઓ ઉપરાંત, પ્રવાસીઓ, ગવર્નરો અને અન્ય વ્યક્તિઓ મળીને 2,000 જેટલાની વિગતો અહીં મળે છે. સર્વત્ર લેખકનો અભિગમ માનવીય રહ્યો છે. એશિયા માઇનર, પૂર્વ અને પશ્ચિમ આફ્રિકા, માલદીવ અને ભારતની વિગતો ઐતિહાસિક મૂલ્યવાળી છે; જ્યારે આરબ જગત અને પર્શિયન મુલકની સામાજિક અને સાંસ્કૃતિક બાબતો વધુ ધ્યાન ખેંચે છે. આ પુસ્તકનું અંગ્રેજી ભાષાંતર ‘ધ ટ્રાવેલ્સ ઑવ્ ઇબ્ન બતૂતા’ ત્રણ ગ્રંથમાં 1958-71 દરમિયાન એચ. એ. આર. ગીબે કરેલું છે.

મૃત્યુ પછી તેને તાંજિયરમાં દફનાવેલ.

ઝિયાઉદ્દીન અ. દેસાઈ

રમણલાલ ક. ધારૈયા